મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં. જોકે, આજે સતત બીજા સત્રમાં ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭નો ઉછાળો આવ્યો હતો, જ્યારે બ્રાસ શીટ કટિંગ્સ, કોપર વાયરબાર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ત્રણનો સુધારો આવ્યો હતો.
તેની સામે નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨નો અને નિરસ માગે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સતત બીજા સત્રમાં ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૭ વધીને રૂ. ૨૫૪૮ના મથાળે રહ્યા હતા.
આ સિવાય વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૬૫ અને કોપર વાયરબાર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૨૫, રૂ. ૨૫૧ અને રૂ. ૨૯૪ના મથાળે રહ્યા હતા.
વધુમાં છેલ્લાં બે સત્રમાં નિકલના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯નો વધારો આવ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી અને નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૧૩૭૦ના મથાળે અને નિરસ માગે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૫૧૨ના મથાળે રહ્યા હતા.
Also Read – પહેલી જાન્યુઆરીથી આ કંપની ના વાહનોના ભાવમાં થશે ધરખમ વધારો
જોકે, આજે કોપરની અન્ય તમામ વેરાઈટીઓ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું