ગુકેશ-લિરેન મુકાબલામાં માત્ર પાંચ ગેમ બાકી, ચૅમ્પિયનને મળશે આટલા કરોડ રૂપિયાનું તોતિંગ ઇનામ
સિંગાપોરઃ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં હજી કોઈ નિર્ણાયક તબક્કો નથી આવ્યો. ભારતના 18 વર્ષના ડી. ગુકેશ અને ચીનના 32 વર્ષીય ડિફેન્ડિંગ ચૅમ્પિયન ડિન્ગ લિરેન વચ્ચે ગુરુવારની નવમી ગેમ ડ્રૉમાં પરિણમી હતી.
બન્ને વચ્ચે છેલ્લી તમામ છ ગેમ (કુલ સાત ગેમ) ડ્રૉમાં ગઈ છે અને ગુકેશ-લિરેન, બન્નેના નામે 4.5-4.5 પૉઇન્ટ છે.
બેમાંથી જે ખેલાડી 7.5 પૉઇન્ટ પર પહોંચશે તે વર્લ્ડ ચૅમ્પિયન કહેવાશે અને તેને 2.5 મિલિયન ડૉલર (અંદાજે 21.17 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળશે.
ગુકેશ આ મુકાબલામાં ચીનના વિશ્વ વિજેતા લિરેનને બરાબર ટક્કર આપી રહ્યો છે. બન્ને ખેલાડીને 7.5 પૉઇન્ટના આંક પર સૌથી પહેલાં પહોંચવા ત્રણ પૉઇન્ટની જરૂર છે.
આપણ વાંચો: ગુકેશ ચીની વર્લ્ડ ચૅમ્પિયનને જોરદાર ટક્કર આપી રહ્યો છે, સતત પાંચમી ગેમ ડ્રૉ
શુક્રવારે રેસ્ટ ડે છે અને શનિવારે તેઓ ફરી મુકાબલો શરૂ કરશે.
કુલ નવમાંથી પહેલી ગેમ લિરેન જીત્યો હતો અને ત્રીજી ગેમમાં ગુકેશનો વિજય થયો હતો. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી તેમ જ નવમી ગેમ ડ્રૉમાં પરિણમી છે.
ગુરુવારની નવમી ગેમમાં બન્ને ખેલાડી 54મી ચાલ બાદ ડ્રૉના પરિણામ માટે સહમત થઈ ગયા હતા.