ભારતીય મહિલાઓનું 12 વર્ષમાં લોએસ્ટ ટોટલઃ ઑસ્ટ્રેલિયાનો 202 બૉલ બાકી રાખીને વિજય
બ્રિસ્બેનઃ ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે અહીં ગુરુવારે ભારતીય ટીમને ત્રણ મૅચવાળી પ્રથમ વન-ડેમાં હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. ભારતીય ટીમ ફક્ત 100 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાએ માત્ર 16.2 ઓવરમાં પાંચ વિકેટે 102 રન બનાવીને (202 બૉલ રાખીને) વિજય મેળવી લીધો હતો. 100 રન ભારતીય મહિલાઓનો છેલ્લા 12 વર્ષનો સૌથી નીચો સ્કોર છે.
2012માં (બાર વર્ષ પહેલાં) ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા સામે ફક્ત 79 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ગુરુવારે ભારતીય ટીમ વિશે જે ડર હતો એ જ થયું. નબળી બૅટિંગને લીધે પરાજય જોવો પડ્યો હતો, કારણકે બોલર્સે સારી બોલિંગ કરી હતી અને 102 રનમાં ઑસ્ટ્રેલિયાની પાંચ વિકેટ લઈ લીધી હતી. જો ભારતીય બૅટર્સે 150થી 175 જેટલો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હોત તો મૅચનું પરિણામ કદાચ અલગ હોત.
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ શરૂઆત ખરાબ રહી હતી. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (8 રન) ખૂબ સસ્તામાં વિકેટ ગુમાવી બેઠી હતી. ટીમની એકેય બૅટર પચીસ રન પણ નહોતી બનાવી શકી. ફક્ત ચાર બૅટરના ડબલ-ડિજિટમાં રન હતા અને એમાં જેમાઇમા રૉડ્રિગ્સના 23 રન ટીમમાં સૌથી વધુ હતા.
આ પણ વાંચો : અભિષેક શર્માએ ઉર્વિલ પટેલના ભારતીય વિક્રમની રાજકોટમાં આઠ જ દિવસમાં બરાબરી કરી
આ વર્ષની શરૂઆતમાં ભારતની વિમેન્સ પ્રીમિયર લીગમાં ચૅમ્પિયન બનેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વતી રમી ચૂકેલી પેસ બોલર મેગન શુટે 19 રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેના પાંચ શિકારમાં આરસીબીની તેની કૅપ્ટન સ્મૃતિ મંધાનાનો પણ સમાવેશ હતો.
ઑસ્ટ્રેલિયાએ ઓપનર જ્યોર્જિયા વૉલના અણનમ 46 રન અને સાથી ઓપનર ફૉબે લિચફીલ્ડના 35 રનની મદદથી 16.2 ઓવરમાં પાંચ વિકેટે 102 રન બનાવીને જીત હાંસલ કરી હતી. મેગનને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.
બીજી વન-ડે રવિવારે (સવારે 5.15 વાગ્યાથી) બ્રિસ્બેનમાં જ રમાશે.