યુનિવર્સિટીઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાન્સેલર દ્વારા અટકાવાઇ
ચૂંટણી પંચે આચારસંહિતા ઉઠાવી લીધા બાદ આ નિર્દેશ આવ્યો તેથી આ પાછળ કોઇ બદઇરાદો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ
મુંબઈ: સ્ટાપ ભરતીની પ્રક્રિયા અટકાવી દેવાના ચાન્સેલરના નિર્દેશને કારણે મહારાષ્ટ્રની જાહેર યુનિવર્સિટીઓના હજારો ટીચિંગ સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. આ નિર્દેશને કારણે રાજ્યની ૧૯ યુનિવર્સિટીમાં ભરતીની પ્રક્રિયા પર અસર થવાની છે.
ચાન્સેલરના કાર્યાલય દ્વારા ૨૬મી નવેમ્બરે રજૂ કરવામાં આવેલા પત્રમાં આચારસંહિતા દરમિયાન ભરતી કરતી સમિતિઓ (રિક્રુટમેન્ટ પેનલો) માટે નિમેલા સભ્યો પૂરા પાડવામાં અસમર્થતા દર્શાવવામાં આવી હતી.
તેમ છતાં ઉમેદવારોનું કહેવું છે કે ચૂંટણી પંચે આચારસંહિતા ઉઠાવી લીધા બાદ આ નિર્દેશ આવ્યો હોવાથી આ પાછળ કોઇ બદઇરાદો જણાઇ રહ્યો છે.
આપણ વાંચો: ……..તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 35 બિલ્ડિંગોને મનપા કરશે સીલ!
અસરગ્રસ્ત યુનિવર્સિટીઓમાં મુંબઈ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે જ્યાં વિવિધ વિભાગમાં ૧૫૨થી વધુ પદની ભરતી કરવામાં આવનાર હતી.
મહારાષ્ટ્ર સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ૨૦૧૬ હેઠળની પ્રક્રિયા પ્રમાણે અનેક યુનિવર્સિટીએ ચાન્સેલરને તેમની ઇન્ટરવ્યૂની પેનલો માટે બે સભ્ય નિમવાની વિનંતી કરી હતી જે ઉક્ત કાયદાની કલમ ૧૦૨ અને ૧૦૫ હેઠળ ફરજિયાત છે.
ભરતી પ્રક્રિયા અટકાવી દેવાને કારણે મારા જેવા અનેક ઉમેદવારો ચિંતામાં મૂકાયા છે. આ ભરતી પ્રક્રિયા અટકાવી દેવા પાછળ કોઇ અલગ જ કારણ હોવાનું જણાઇ રહ્યું છે, એમ એક ઉમેદવારે નામ ન જણાવવાની શરતે કહ્યું હતું.
ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર, ૨૦૨૩થી શરૂ થઇ હતી અને છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હતી. અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે યુનિવર્સિટીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અમુક વિષયો માટે નિષ્ણાત સ્ટાફની જ જરૂર હોય છે.
ભવિષ્યમાં શિક્ષકોની ભરત પ્રક્રિયામાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ને સામેલ કરવામાં આવે એવી શક્યતા ચાન્સેલરના કાર્યાલય તરફથી વ્યક્ત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઇ)