મી દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ શપથ ઘેતો કી…: ભવ્યાતિભવ્ય શપથવિધિ સપન્ન
મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો 23મી નવેમ્બરે આવ્યા બાદ ભારે અજંપાભરી સ્થિતિ બાદ આખરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે દેવેન્દ્ર ફડણવીસે ત્રીજીવાર શપથ લીધા હતા. મુંબઈના આઝાદ મેદાન ખાતે ખચોખચ જનમેદનીની હાજરીમાં ફડણવીસે શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત એકનાથ શિંદે અને અજિત પવારે પણ ઉપમુખ્ય પ્રધાનપદે શપથ લીધા હતા.
મોદી સહિત મહાનુભાવોના હાજરી
અહીં યોજાયેલી શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સરંક્ષણ પ્રધાન રાજનાથ શિંદે, રોડ રસ્તા પ્રધાન નીતિન ગડકરી, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના તમામ મહાનુભાવો બિરાજમાન હતા.
સિતારાઓનો જમાવડો
રાજકીય કાર્યક્રમોમાં ફિલ્મી હસ્તીઓ ઓછી જોવા મળે છે, પરંતુ ભાજપના મુખ્ય પ્રધાનના શપથ સમારોહમાં સલમાન ખાન, શાહરખ ખાન, સંજય દત્ત, રણવીર સિંહ સહિતના સિતારાઓ, ક્રિકેટર સચિન તેંડુલકર અને પત્ની અંજલિ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, અનંત અંબાણી અને પત્ની રાધિકા, સહિત વિવિધ ક્ષેત્રની ક્ષેત્રની હસ્તી હાજર હતી.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના 31મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, ભૂતકાળના મુખ્ય પ્રધાનોની યાદી
ત્રણેય નેતાઓએ માતાના નામ આગળ રાખ્યા
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ બન્ને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે શપથ લેતી વખતે પોતાના નામ બાદ પિતાનું નામ પહેલા બોલવાને બદલે માતાનું નામ પહેલા લીધું હતું. મી દેવેન્દ્ર સરિતા, મી એકનાથ ગંગુબાઈ, મી અજિત આશાતાઈ એમ પોતાની માતાના નામ પહેલા રાખી શપથ લઈ નવો ચીલો ચાતર્યો હતો. શિંદેએ શપથ પહેલા હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરે, આનંદ દીધે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના પણ નામ લીધા હતા.