નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ: ત્રણ બાંગ્લાદેશી પકડાયા
થાણે: નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરનારા ત્રણ બાંગ્લાદેશી નાગરિકની પોલીસે બુધવારે ધરપકડ કરી હતી, જ્યારે વધુ એક બાંગ્લાદેશીને પકડી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલ (એએચટીસી)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ખારઘરના રહેણાક વિસ્તારમાં રેઇડ પાડી હતી અને ત્રણ બાંગ્લાદેશીને તાબામાં લીધા હતા.
જ્યારે ત્રણેયને તેમની નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજો માગવામાં આવ્યા ત્યારે તેઓ કોઇ પણ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. આથી તેમની ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો : ….તો નવી મુંબઈ એરપોર્ટ ફક્ત 17 મિનિટમાં પહોંચાશે
ત્રણેયની ઓળખ અમિરુલ દિનો ઘરામી (34), તેની પત્ની રૂક્સાના (34) અને શકીલા કાદિર શેખ (37) તરીકે થઇ હતી. શકીલાનો પતિ કાદિર શેખ (39) ફરાર હોઇ તેની શોધ ચલાવવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કાદિર અને શકીલાએ તેમના આધાર કાર્ડ, પેન કાર્ડ અને વોટર કાર્ડ ગેરકાયદે મેળવ્યાં હતાં. ત્રણેય બાંગ્લાદેશી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)