આંબિવલીમાં ઈરાની ગૅન્ગનો પોલીસ પર પથ્થરમારો: ત્રણ પોલીસ જખમી
ઈરાની ગૅન્ગે મુંબઈ પોલીસની કસ્ટડીમાંથી આરોપીને છોડાવ્યો: પથ્થરમારામાં રેલવે સ્ટેશનને નુકસાન
મુંબઈ: આરોપીને પકડવા ઈરાની બસ્તીમાં ગયેલી મુંબઈ પોલીસ પર ઈરાની ગૅન્ગે હુમલો કર્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં કલ્યાણ નજીકના આંબિવલી ખાતે બની હતી. આંબિવલી રેલવે સ્ટેશન નજીક કરાયેલા પથ્થરમારામાં ત્રણ પોલીસ ઘવાયા હતા, જેને પગલે પોલીસ કસ્ટડીમાંથી આરોપીને છોડાવવામાં ઈરાની ગૅન્ગ સફળ રહી હતી. પથ્થરમારામાં રેલવે સ્ટેશનને પણ નુકસાન થયું હોવાનું પોલીસનું કહેવું છે.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના બુધવારની રાતે 9.30 વાગ્યાની આસપાસ આંબિવલી રેલવે સ્ટેશન નજીક બની હતી. પથ્થરમારામાં એક પોલીસ અધિકારીને ગંભીર ઇજા થઈ હતી, જ્યારે બે કોન્સ્ટેબલ ઘવાયા હતા. આ પ્રકરણે 35 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી ચારને તાબામાં લેવાયા હતા.
એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફોજદારી ગુનામાં સંડોવાયેલો શકમંદ ઓનુ લાલા ઈરાની (20) આંબિવલીની ઈરાની બસ્તીમાં સંતાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે બુધવારની રાતે એમઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ આંબિવલી પહોંચી હતી.
કહેવાય છે કે આરોપી ઓનુ ઈરાનીને પોલીસે તાબામાં લેતાં ઈરાની બસ્તીના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઈરાની લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પોલીસની ટીમ આંબિવલી રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે ટોળાએ અચાનક પોલીસની ટીમ પર પથ્થરમારો કરવા માંડ્યો હતો. પથ્થરમારામાં મોટા ભાગની મહિલાઓ સામેલ હતી, એમ અધિકારીનું કહેવું છે.
પથ્થરમારાને કારણે ત્રણ પોલીસ ઘવાયા હતા. આ ધમાચકડી વચ્ચે ઈરાની ગૅન્ગ આરોપીને છોડાવી ફરાર થઈ ગઈ હતી. પથ્થરમારાને કારણે આંબિવલી રેલવે સ્ટેશન પરની ટિકિટ બુકિંગ ઑફિસના કાચ તૂટી ગયા હતા. એ સિવાય રેલવેની અન્ય મિલકતને પણ નુકસાન થયું હતું.
આ પણ વાંચો : પુણેથી મુંબઈ,નવી મુંબઈની મુસાફરી ફેબ્રુઆરીથી સુપર ફાસ્ટ થશે
આ પ્રકરણે જખમી પોલીસ કર્મચારીએ નોંધાવેલી ફરિયાદને આધારે ખડકપાડા પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે પથ્થરમારાની ઘટના રેલવે પરિસરમાં બનતાં કેસ કલ્યાણ જીઆરપીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પકડાયેલા ચાર આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઈરાની ગૅન્ગ ચેન-સ્નેચિંગ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં કથિત રીતે સંડોવાયેલી છે. અગાઉ પણ ઈરાની બસ્તીમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના અનેક વાર બની છે. (પીટીઆઈ)