INDI ગઠબંધનમાં પડી રહ્યા છે ગાંઠાઃ રાહુલ ગાંધીનો વિકલ્પ શોધી રહ્યા છે સાથીપક્ષો?
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા જ ઈન્ડિ ગઠબંધનમાં મનમેળ તૂટી રહ્યા હોય તેવા દ્રશ્યોના એંધાણ જોવા મળી રહ્યા હતા. પરંતુ અંતે ચૂંટણી પરિણામ બાદ અચાનક બધું બદલાઈ ગયું. સમગ્ર વિપક્ષ રાહુલ ગાંધી સાથે એકજૂટ દેખાઈ રહ્યો હતો. રાહુલ ગાંધીની સાથે વિપક્ષી સાંસદો પણ હાથમાં બંધારણની નકલ લઈને લોકસભા પહોંચ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પણ રાહુલ ગાંધીના હાથમાં બંધારણ જોવા મળ્યું હતું અને વાયનાડથી પેટાચૂંટણી જીતીને લોકસભામાં પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પરંપરા જાળવી રાખી હતી.
આ પણ વાંચો: સંસદમાં ફરી હોબાળો, ગૃહમાં મુદ્દા ઉઠાવવા બાબતે INDIA ગઠબંધન વિભાજીત
કેમ બદલાઈ ગઈ પરિસ્થિતિ?
લગભગ બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ અદાણી ગ્રૂપના કારોબારની JPC તપાસના મુદ્દા પર ટકરાઈ હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મોટા લાભકારક સાબિત થયેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને પણ રાહુલ ગાંધીની સંભાલ યોજના પસંદ આવી નથી અને ઉદ્ધવ ઠાકરેના વિરોધના સૂર સામે આવ્યા છે. મુદ્દાની વાત એ છે કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની મદદથી ગુજરાતમાં જઈને ભાજપને હરાવવાનો દાવો કરનારા રાહુલ ગાંધી જાણે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં એક જ ઝટકામાં હારીને 2019ની સ્થિતિને પાછી લાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે.
ટીએમસીએ રાખ્યું અંતર
અદાણી ગ્રૂપના કારોબારની તપાસનો મુદ્દો હવે બોજારૂપ બની રહ્યો છે, પરંતુ તે રાહુલ ગાંધીનો તે મનગમતો વિષય હોવાથી કોંગ્રેસ માટે તેને છોડવો મુશ્કેલ બની રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 25 અને 27 નવેમ્બરે ઈન્ડિયા બ્લોકની બેઠક બોલાવી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના કોઈ નેતાએ હાજરી આપી ન હતી અને આ સિલસિલો ચાલુ છે. 4 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ દ્વારા અદાણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના પગલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. અદાણીના મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ ન તો ટીએમસીના સાંસદો અને ન તો સમાજવાદી પાર્ટીના સાંસદો જોવા મળ્યા હતા.
સપા સાથે બગડી રહ્યા છે સબંધ?
સંભલ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને મળવા પહોંચેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગાઝીપુર બોર્ડર પર અટકાવી દીધા હતા. કોંગ્રેસનો આ કાર્યક્રમ પણ હાથરસ અને લખીમપુર ખીરીની જેમ જ બનાવવામાં આવ્યો હતો – પરંતુ, સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવની પ્રતિક્રિયાએ સ્પષ્ટ કર્યું કે અખિલેશ યાદવને કોંગ્રેસનો આ પ્રયાસ પસંદ નથી આવ્યો. અગાઉ સમાજવાદી પાર્ટીના નેતાઓ પણ સંભલ જવા માંગતા હતા, પરંતુ પરવાનગી મળી ન હતી. રામ ગોપાલ યાદવે કહ્યું, કોંગ્રેસ સંસદમાં સંભલનો મુદ્દો નથી ઉઠાવી રહી, પણ રાહુલ ગાંધી સંભલ જઇ રહ્યા છે. રામ ગોપાલ યાદવના નિવેદન અનુસાર કોંગ્રેસ માત્ર દેખાડો કરી રહી છે.
મમતા પ્રત્યે જાગી “મમતા”
જો કે બીજી તરફ કોંગ્રેસે મમતા બબેનર્જીને ખુશ રાખવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાની ઘટના પછી પણ રાહુલ ગાંધીએ કોલકતાની મુલાકાત લીધી નથી, તેનું કારણ એ છે કે કદાચ રાહુલ ગાંધી મમતા બેનર્જીને નારાજ કરવા માંગતા નથી. અધીર રંજન ચૌધરીને આ જ કારણસર પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને સજા તરીકે તેમને હાંસિયામાં મોકલી દેવામાં આવ્યા હતા.