રોહિત શર્માએ ઓપનિંગના સ્થાન વિશે ચોખવટ કરી દીધી…`કેએલ રાહુલ ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં…’
ઍડિલેઇડઃ કૅપ્ટન રોહિત શર્માએ અહીં શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થનારી પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ મૅચ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં જે કંઈ કહ્યું એને પગલે હવે ઘણા દિવસથી ભારતના બૅટિંગ-ઑર્ડરને લઈને જે ચર્ચા થતી હતી એના પર પૂર્ણવિરામ મૂકાયું છે અને હવે એના પરની અટકળો બંધ થઈ જશે. આ મુદ્દો ઓપનિંગ બૅટિંગ હરોળને લગતો છે.
રોહિતે ખાસ કરીને પોતાના તેમ જ કેએલ રાહુલના બૅટિંગ-ક્રમ વિશે પૂછાતાં કહ્યું, તે (રાહુલ) ઓપનિંગમાં જ રમશે અને હું મિડલ-ઑર્ડરના કોઈક નંબર પર રમીશ.' પર્થની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ભારતે માત્ર 150 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ ઝીરોમાં આઉટ થઈ ગયો હતો, પણ રાહુલ 109 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને 74 બૉલનો સામનો કરીને તેણે 26 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 104 રન બનાવ્યા હતા. બીજા દાવમાં યશસ્વીએ 161 રન બનાવ્યા હતા અને રાહુલે તેની સાથે 201 રનની વિક્રમી ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. રાહુલે પાંચ કલાક સુધી બૅટિંગ કરી હતી અને 176 બૉલમાં 77 રન બનાવીને ભારતના તોતિંગ સ્કોર (487/6)નો મજબૂત પાયો નાખ્યો હતો. કાંગારૂઓ 534 રનના લક્ષ્યાંક સામે 238 રન બનાવી શક્યા અને ભારતે 295 રનથી વિજય મેળવ્યો હતો. ઠરેલ મગજવાળા રાહુલે પર્થમાં ઓપનિંગમાં મુશ્કેલીના સમયમાં જે બૅટિંગ-ટેક્નિક બતાવી એ કાબિલેદાદ હતી. તેનો આ અભિગમ રોહિતને પ્રભાવિત કરી ગયો છે એટલે જ તેણે પોતાને મિડલ-ઑર્ડરમાં રમવાની તૈયારી બતાવી છે. પત્રકારો સાથેની વાતચીતમાં રોહિતનો સૂર એવો હતો જેમાં તે પર્થમાં ટીમને સફળતા અપાવનાર વિનિંગ કૉમ્બિનેશનમાં કોઈ જ ફેરફાર કરવા નથી માગતો. તેણે કહ્યું,
મેં નીચલા ક્રમે બૅટિંગ કરવાનું કેમ નક્કી કર્યું એનું કારણ સ્પષ્ટ છે. અમને પરિણામમાં અને સફળતામાં રસ છે. તેમણે (યશસ્વી અને રાહુલે) ઓપનિંગમાં ખૂબ સારું પર્ફોર્મ કર્યું. હું તો ઘરમાં મારા નવજાત પુત્ર (અહાન)ને હાથમાં લઈને આંટા મારતો હતો અને સાથે-સાથે ટીવી પણ જોતો હતો. રાહુલ ઓપનિંગમાં જે રીતે રમી રહ્યો હતો એ મેં બરાબર નિહાળ્યું. ખરેખર, તે ખૂબ જ સારું રમી રહ્યો હતો. ત્યારે જ મને થયું કે ઓપનિંગની જોડીમાં ફેરફાર કરવાની કોઈ જ જરૂર નથી.’
આ પણ વાંચો : IND vs AUS: બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ 11ની જાહેરાત કરી, આ ખેલાડીને તક મળી
રાહુલે આઠ ટેસ્ટ સેન્ચુરીમાંથી પાંચ સેન્ચુરી ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડમાં ફટકારી છે. રોહિતનું એવું માનવું છે કે નવા બૉલનો સામનો કરવા માટે તેની દૃષ્ટિએ હાલમાં તો રાહુલ જ શ્રેષ્ઠ છે. રોહિતે કહ્યું, પહેલી ટેસ્ટમાં જે કંઈ બની ગયું (ખાસ કરીને રાહુલની બૅટિંગના સંબંધમાં) અને રાહુલે ભારત બહારની પિચો પર જે પર્ફોર્મ કર્યું છે એના પરથી મને લાગે છે કે તે ઓપનિંગમાં રમવાને લાયક છે જ. આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ ટેસ્ટમાં આપણને સફળતા અપાવવામાં તેમની (યશસ્વી-રાહુલની) ભાગીદારીનું બહુ મોટું યોગદાન હતું.' રોહિત પર્થ ટેસ્ટના વિજયની બાબતમાં બેહદ ખુશ પણ હતો. તેણે કહ્યું,
અહીં ઑસ્ટ્રેલિયા આવીને પર્થ જેવા સ્થળે એક દાવમાં 500 જેટલા રન બનાવવા એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. એના પરથી જ સ્પષ્ટ થાય છે કે વિનિંગ કૉમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.’
Rohit Sharma reacts to talks about rift within Australian camp ahead of Adelaide Test, says '…what's happening in their dressing room'https://t.co/nW45STDZDx pic.twitter.com/ytoKkgHzpU
— Sports Tak (@sports_tak) December 5, 2024
તમારી અને કેએલ રાહુલ વચ્ચે આ સંબંધમાં શું ચર્ચા થઈ? એવું એક પત્રકારે પૂછતાં રોહિતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે `અમારી એ ચર્ચાની કોઈ જ વિગત હું શૅર કરવા નથી માગતો. અમારી વચ્ચેની એ અંગત ચર્ચા હતી. એ હું શૅર ન કરી શકું.’