મહારાષ્ટ્રમાં ફરી ફડણવીસ, અંત ભલો એનું બધું ભલું
એકસ્ટ્રા અફેર –ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં કોણ મુખ્ય પ્રધાન બનશે એ સસ્પેન્સનો આખરે અંત આવી ગયો અને ભાજપે મેલ કરવત મોચીના મોચી કરીને છેવટે દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય પ્રધાનપદે બેસાડી દેવાનું જાહેર કરી દીધું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ૧૧ દિવસ પછી મળેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં પહેલાંથી નક્કી કરેલી સ્ક્રીપ્ટ પ્રમાણે, દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટવાનો પ્રસ્તાવ ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુંગટીવારે મૂક્યો અને પંકજા મુંડેએ ફડણવીસના નામનું સમર્થન કર્યું એ સાથે જ ફડણવીસની તાજપોશી નક્કી થઈ ગઈ.
ભાજપમાં પહેલેથી બધું નક્કી હોય છે, પણ લોકશાહી પદ્ધતિથી નેતા ચૂંટવામાં આવે છે એવું બતાવવું જરૂરી હોય છે તેથી ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવાઈ હતી. બાકી ફડણવીસની શપથવિધિ ૫મી ડિસેમ્બરે સાંજે ૫.૩૦ કલાકે થવાની છે તેનાં રાજભવન દ્વારા છપાયેલાં કાર્ડ વિધાનસભા પક્ષની બેઠક શરૂ થાય એ પહેલાંથી વહેંચાવા માંડેલાં. ખેર, એ બહુ મહત્ત્વનો મુદ્દો નથી કેમ કે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી છે એટલે તેમને મુખ્ય મંત્રીપદે કોને બેસાડવા એ નક્કી કરવાનો અધિકાર છે જ.
ભાજપ ધારાસભ્ય પક્ષના નેતાપદે ચૂંટાયા પછી દેવેન્દ્ર ફડણવીસે રાજભવન જઈને સરકાર રચવાનો દાવો પણ કરી નાખ્યો. મહાયુતિના ત્રણેય પક્ષના ધારાસભ્યોના ટેકાના પત્ર સાથે એકનાથ શિંદે અને અજિત પવાર પણ ફડણવીસની સાથે રાજ્યપાલને મળવા ગયા અને ત્રણેયે સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે એ જોતાં પાંચમી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં નવી સરકાર રચાય ત્યારે શિવસેના અને એનસીપી ના ધારાસભ્યો પણ શપથ લેશે એ નક્કી છે.
ફડણવીસની સાથે સાથે એકનાથ શિંદે અને અજિત પવાર પણ નાયબ મુખ્ય મંત્રીપદે શપથ લેશે એવું કહેવાય છે. બીજા કેટલા ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે એ નક્કી નથી, પણ એ મુદ્દો બહુ મહત્ત્વનો નથી. મહત્ત્વનો મુદ્દો ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પતી ગઈ તેનો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ૨૩મી નવેમ્બરે આવ્યાં તેમાં ભાજપને સૌથી વધારે બેઠકો મળી હતી. શિવસેના અને અજિત પવારની બેઠકો ભાજપથી અડધી પણ નથી આવી, આ સંજોગોમાં ભાજપનો ધારાસભ્ય મુખ્ય મંત્રી બનશે એ દીવા જેવી ચોખ્ખી વાત હતી. દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પ્રચાર અભિયાનના સેનાપતિ હતા તેથી ફડણવીસ સૌથી પ્રબળ દાવેદાર હતા ને ભાજપને તેમનું નામ નક્કી કરવામાં કલાકો લાગ્યા હોત; પણ એવું ના થયું, તેના બદલે ૧૧ દિવસ ખેંચાઈ ગયા. છેવટે નામ ફડણવીસનું જ નક્કી થયું, પણ આટલા દિવસ ખેંચાયા તેનો મતલબ એ જ થાય કે, ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે કોઈક મુદ્દે ડખો છે.
આ ડખો શું હતો તેનો ફોડ ભાજપ, શિવસેના અને એનસીપીમાંથી કોઈએ ના પાડ્યો તેથી જાતજાતની વાતો ચાલી હતી. પહેલાં એવી વાત બહાર આવેલી કે એકનાથ શિંદે પોતાને જ મુખ્યપ્રધાન બનાવવાની વાત પર અડી ગયા છે, પણ ભાજપને મુખ્ય મંત્રીપદ પોતે જ લેવું છે તેથી ડખો પડી ગયો છે. ના શિંદેએ આ વાત સાચી હોવાનો ફોડ પાડ્યો કે ના ભાજપે કોઈ ચોખવટ કરી. એ પછી એવી વાત બહાર આવી કે, અજિત પવાર આડા ફંટાયા છે. શિવસેનાને કોરાણે મૂકીને ભાજપ અજિત પવારની એનસીપીનો ટેકો મેળવીને સરકાર બનાવી શકે તેમ હતો છતાં સરકાર નહોતી બનતી તેના કારણે આ વાત ચગેલી, પણ તેમાં પણ કોઈએ ફોડ ના પાડ્યો.
ભાજપના કેટલાક નેતાઓએ એવું કહેલું કે, અજિત પવાર ભરોસાપાત્ર નથી ને ભાજપે સત્તાને ખાતર પોતાની સાથે રહેલા શિંદેને તરછોડી દીધા એવું લાગે તેમાં ભાજપની આબરૂ વધારે ખરડાય તેથી ભાજપ શિંદેને છોડવા તૈયાર નથી. એકનાથ શિંદે ભાજપ માટે સૌથી ભરોસાપાત્ર છે તેથી ભાજપ શિંદેને મુખ્ય પ્રધાનપદ છોડવા મનાવવાની મથામણ કરી રહ્યો છે. થોડા દિવસ પછી શિંદેએ મુખ્ય પ્રધાનપદનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડ એટલે કે નરેન્દ્ર મોદી પર છોડ્યો હોવાની જાહેરાત પણ કરી નાખી છતાં કોકડું ના ઉકેલાયું તેના કારણે એવી વાત ચાલી કે, શિંદે અને પવાર બંનેને ફડણવીસના નામ સામે જ વાંધો છે. શિંદેને બદલે કોઈ મરાઠાને મુખ્ય મંત્રીપદ અપાય એવી માગણી શિંદેએ મૂકી હોવાની વાત પણ ચાલેલી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે, દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ હોવાથી તેમની નીચે બે મરાઠા નેતા અજિત પવાર અને એકનાથ શિંદેને નાયબ મુખ્યપ્રધાન બનાવવા થી મરાઠા મતદારો નારાજ થઈ જશે. ભાજપ પાસે બ્રાહ્મણો સહિતની મતબૅન્ક છે, પણ શિંદે પાસે મરાઠા મતબૅન્ક હોવાથી એ મરાઠાઓને નારાજ કરવા નથી માગતા તેથી આ વાત પર અડી ગયા છે.
આ પણ વાંચો…આપણે કદી ના કરવા પડે કિટ્ટા-બુચ્ચા…!
આ બધી વાતોમાં સાચું શું ને ખોટું શું એ રામ જાણે, પણ જેનો અંત ભલો તેનું બધું ભલું એ હિસાબે છેવટે મુખ્ય પ્રધાનપદના નામ પર સર્વસંમતિ થઈ એ સારું થયું. ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય સાથે મળીને સરકાર રચે એ પણ સારું છે ને વાસ્તવમાં જનાદેશનો આદર છે કેમ કે ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં અને મહારાષ્ટ્રની જનતાએ ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય સાથે મળીને સરકાર રચે એવો આદેશ આપ્યો છે. ભાજપે સત્તાને ખાતર એનસીપી કે શિવસેનાને બાજુ પર મૂકી દીધાં હોત તો એ જનાદેશનો અનાદર કહેવાત. ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય વચ્ચે સાથે મળીને સરકાર રચવા માટે કઈ ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે તેની ખબર ધીરે ધીરે પડી જશે, પણ વધારે જરૂરી બાબત આ સરકાર સારી રીતે ચાલે એ છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની પહેલી ટર્મ રાજકીય સ્થિરતાની હતી, પણ છેલ્લાં પાંચ વર્ષ રાજકીય અસ્થિરતા અને સખળડખળનાં હતાં તેમાં વહીવટ અને લોકકલ્યાણ પર અસર પડી છે.
ફડણવીસની સરકાર હવે પછીનાં પાંચ વર્ષમાં બધું સરખું કરીને સારો વહીવટ આપે એ જરૂરી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત સહિતના પ્રશ્ર્નો પણ છે ને તેનું નિરાકરણ આવે એ પણ જરૂરી છે કેમ કે મરાઠા અનામત આંદોલનના કારણે રાજ્યમાં વારંવાર અશાંતિનો માહોલ સર્જાયો છે. ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય સાથે મળીને મરાઠાઓની લાગણીને સમજીને ભવિષ્યમાં આંદોલન કરવું જ ના પડે એવો નિવેડો લાવે એ પણ જરૂરી છે.