લાડકીસ્પેશિયલ ફિચર્સ

૮૬ વર્ષે પણ હું એક નવા સંબંધમાં પ્રવેશવા- પ્રેમની સાચી અનુભૂતિ વિશે જાણવા ઉત્સુક છું


કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૩)
નામ: જેઈન સેમોર ફોન્ડા
સ્થળ: એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સ, સમય: ૨૦૨૪ ઉંમર: ૮૬ વર્ષ
હું શરૂઆતથી કશુંક જુદું કરવા – કશુંક વધુ સારું કરવા માટે પ્રેરિત થતી રહી છું. મારી પહેલી ફિલ્મ પછી લગભગ દર વર્ષે મેં બે ફિલ્મોમાં કામ કર્યું છે એમ કહું તો ચાલે. આજે, છ દાયકાની મારી કારકિર્દી પછી મેં સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘હરિ સનડાઉન’, ‘ઈન ધ કુલ ઓફ ડે’, ‘જોય હાઉસ’, ‘સર્કલ ઓફ લવ’, ‘ધે શૂટ હોર્સિસ, ડોન્ટ ધે?’, ‘ડોલ્સ હાઉસ’, ‘કમિંગ હોમ’, ‘૯ ટુ ૫’, ‘ગોલ્ડન પોન્ડ’, ‘પીસ લવ એન્ડ મિસ અન્ડરસ્ટેન્ડિંગ’, ‘ધ બટલર’, ‘અવર સોલ્ઝ એટ નાઈટ’, ‘મુવિંગ ઓન’ જેવી અનેક ફિલ્મો કરી, જે બૉક્સ ઑફિસ અને વિવેચકો બંનેએ આવકારી. આ બધી ફિલ્મોની વાર્તાઓ એકમેકથી જુદી અને કોઈક નવા સંદેશ-મિજાજ સાથે પ્રેક્ષકો સુધી પહોંચી. હું દરેક વખતે સ્ક્રિપ્ટ પસંદ કરતાં પહેલાં એટલું ચોક્કસ વિચારું છું કે, આવી ફિલ્મ મેં પહેલાં કરી છે? જો મારું મન ના પાડે, તો જ મને એ વાર્તા ઉપર કામ કરવું ગમે.

ફિલ્મી દુનિયાની કારકિર્દી મારી એકમાત્ર ઓળખ નથી. ફિલ્મી દુનિયાની સાથે સાથે મેં બીજું ઘણું કામ કર્યું છે. જેમાં, રાજકીય રીતે અને યુદ્ધવિરોધી ચળવળમાં પણ મેં ભાગ લીધો છે. ૧૯૬૦માં જ્યારે હજી અભિનેત્રી તરીકે મારી કારકિર્દી સ્થિર નહોતી થઈ ત્યારે જ મને લાગ્યું કે, માત્ર અભિનય મારા જીવનનું ધ્યેય નથી. આ જગતના લોકો માટે પણ મારે કંઈ કરવું જોઈએ. વિયેતનામના યુદ્ધનો વિરોધ કરવા માટે મેં એક યુદ્ધ વિરોધી એનજીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. એ વખતનાં અખબારોએ મને ‘કમ્યુનિસ્ટ’ તરીકે વગોવવાનો પણ પ્રયાસ કર્યો. લોકોનું માનવું હતું કે હું અમેરિકા વિરોધી કાર્ય કરું છું, પરંતુ સવાલ કોઈ એક દેશનો નહોતો, મને હંમેશાં લાગ્યું છે કે આખું વિશ્ર્વ એક જ છે. ત્વચાનો રંગ ગમે તે હોય, માણસ તરીકે સૌને સલામતી, ભોજન અને શાંતિનો અધિકાર છે.


Also read: લાફ્ટર આફ્ટરઃ ૮૦+ ઓટલા પરિષદનો ખરડો: સ્વર્ગ અહીં છે… અહીં છે… અહીં જ છે!


એ જ વખતે અનેક સેલિબ્રિટીઝ મારી સાથે જોડાયાં. અલ્કાત્રાસ ટાપુ ઉપર અમેરિક્ધસ જ્યારે પોતાની હકૂમત સ્થાપવાનો પ્રયાસ કરતા હતા ત્યારે સરકારની નિષ્ફળતા વિશે અવાજ ઉઠાવવાનું કામ મેં કર્યું. હ્યુ ન્યૂટન અને બ્લેક પેન્થર્સને ૧૯૭૦ના દાયકામાં મેં ખૂબ સપોર્ટ કર્યો, ત્યારે મેં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘રિવોલ્યૂશન અથવા ક્રાંતિ એ પ્રેમનો એક પ્રકાર છે. આપણે ક્રાંતિ કરવા જન્મ્યા છીએ – પરંતુ, લોહિયાળ ક્રાંતિ નહીં, પ્રેમથી અને સત્યના માર્ગે ચાલીને મારે આ જગતને બદલવું છે.’ એ વખતે બાર્બરા સ્ટ્રાઈસેન્ડ અને હોલિવુડની બીજી ૧૦ સ્ત્રીઓ મારી સાથે જોડાઈ. અમે હોલિવુડની એક પોલિટિકલ કમિટી સ્થાપી, જેમાં પ્રેસિડેન્શિયલ કેમ્પેઈનમાં વોલ્ટર મોન્ડેલાને મદદ કરવી એ અમારો ધ્યેય હતો, પરંતુ રોનાલ્ડ ડ્રેગનની સામે અને જ્યોર્જ બુશની સામે અમારી કમિટી ટકી શકી નહીં, તેમ છતાં, અમે એ કમિટીને જુદાં કાર્યો માટે ટકાવી રાખી. અંતે, ૧૯૯૨માં ઇંઠઙઈએ લેજિસ્લેટિવ કમિટીમાં સ્ત્રીઓના પ્રતિનિધિત્વમાં બહુ મોટો વધારો કરીને દેખાડ્યો. એ સમયે હોલિવુડમાં ઘણા લોકોએ મારો વિરોધ કર્યો. એમનું માનવું હતું કે, અભિનેતાએ રાજકારણથી દૂર રહેવું જોઈએ, પરંતુ મારું આજે પણ માનવું છે કે સમાજ ઉપર સૌથી વધારે અસર ફિલ્મની છે, જો ફિલ્મમાં કામ કરતા લોકો સમાજને ‘હીરો’ પૂરા પાડશે તો આ સમાજમાં બદલાવ લાવવો વધુ સરળ બનશે.

આ વિચાર સાથે મેં મારી રાજકીય કામગીરી શરૂ કરી હતી. મેં વિયેતનામ વૉરના વિરોધમાં કામ કર્યું, બાર્બરા સ્ટ્રાઈસેન્ડ સાથે હોલિવુડની સ્ત્રીઓની એક કમિટી બનાવી. એ દરમિયાન હું પોલિટિકલ ઓર્ગેનાઈઝર ફ્રેટ ગાર્ડનરને મળી. અમારા અફેરની અફવાઓ ઊડી. હજી એ શમે તે પહેલાં ‘ક્લ્યૂટ’ના કોસ્ટાર ડોનાલ્ડ સુધરલેન્ડ સાથે પણ મારા સંબંધોની અફવા ચગી. આમાંથી શું સાચું હતું, શું ખોટું હતું એ વિશે મેં કદી કોઈને સફાઈ આપી નહીં, પરંતુ જાન્યુઆરી, ૧૯૭૩માં વેડિમ સાથેના છૂટાછેડા મળ્યા એના ત્રણ જ દિવસમાં એક્ટિવિસ્ટ ટોમ હિડન સાથે મેં લગ્ન કરી લીધાં. મારા લોરલ કેનિયોનના ઘરમાં કોઈ વિધિ વગર થોડા મિત્રોને આમંત્રિત કરીને બસ, અમારાં લગ્નની જાહેરાત કરી. ટોમની ઇચ્છા હતી કે લગ્નને કોઈ ફોર્મલ સ્વરૂપ ના આપવું… બસ, અમે જોડાયાં છીએ એટલી જાહેરાત! લગ્નના છ જ મહિનામાં મારા દીકરા ટ્રોય સેમોરનો જન્મ થયો કારણ કે, અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે હું ત્રણ મહિના પ્રેગ્નેન્ટ હતી.

અમે નક્કી કર્યું કે, ટ્રોયને મારું કે હેડનનું નામ ન આપવું. અમારાં નામ સાથે બીજાં ઘણાં નામ, બેગેજ જોડાયેલાં હતાં માટે અમે ટ્રોયને, ટ્રોય સેમોર કહેવાનું નક્કી કર્યું. અમે એક આફ્રિકન અમેરિકન ટીનએજર દીકરી મેરી લુઆનાને પણ દત્તક લીધી. હેડન સાથે હું ખુશ હતી, પરંતુ અમારા વિચારો અને વ્યક્તિત્વ સમય જતાં ટકરાવાં લાગ્યાં. ૧૯૮૮માં અમે પહેલી વાર ક્રિસમસ એકબીજાથી દૂર રહીને ઊજવી અને જૂન, ૧૦, ૧૯૯૦ના દિવસે અમારા છૂટાછેડાની જાહેરાત કરી. એ વખતે મેં પબ્લિકલી સ્વીકાર્યું કે, હું અને હેડન જ્યારે એકમેકથી દૂર હતાં ત્યારે સોકર પ્લેયર લોરેન્ઝો કેસિયાલાન્ઝા સાથે મારો સંબંધ રહ્યો. એ જ ગાળામાં એક્ટર રોબ લોવે સાથે પણ મેં થોડો સમય ડેટિંગ કર્યું.

૧૯૯૧માં ત્રીજા લગ્ન – કૅબલ ટેલિવિઝનના માંધાતા અને સીએનએનના ફાઉન્ડર ટેડ ટર્નર સાથે. મેં ફ્લોરિડા નજીક કેપ્સમાં એક રેંચ (કાઉ બોય મેક્સિકન હાઉસ) ખરીદ્યું હતું. એ ઘરનું હાઉસ વોર્મિંગ અને ટેડ સાથેનાં લગ્ન એકસાથે થયાં. સૌને લાગતું હતું કે, એ લગ્ન મેં મારી ડામાડોળ થતી કારકિર્દીને સ્થિર કરવા માટે કર્યાં. ટેડ મારા અનેક પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરતો હતો એ વાત સાચી, પરંતુ થોડાક જ સમયમાં અમને સમજાઈ ગયું કે, અમે એકબીજા માટે બનેલા પ્રેમીઓ નથી. ૨૦૦૦માં અમે છૂટાછેડા લીધા. એ પછી હું એટલાન્ટા રહેવા આવી ગઈ. લગભગ સાત વર્ષ સુધી મારા જીવનમાં કોઈ પુરુષ નહોતો. ૨૦૦૭માં હું પહેલીવાર મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ લિંડન ગિલિસને મળી. થોડો સમય એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી રેકોર્ડ પ્રોડ્યુસર રિકડ પેરી મારા જીવનમાં આવ્યો. એ પણ ટક્યું નહીં. એ પછી મારાથી સાત વર્ષ નાના ટોમી ફ્રેન્ક સાથે પણ થોડો સમય માટે સંબંધ રહ્યો, પરંતુ ઓપ્રાહ વિનફ્રેના શોમાં મેં ખુલ્લેઆમ કબૂલાત કરી, લગ્ન અને રિલેશનશિપ મારે માટે નથી, અથવા કદાચ હું એના માટે નથી બની.’

આ બધા સમય દરમિયાન મારી રાજકીય કારકિર્દી અને એક્ટિવિસ્ટ તરીકેનું પ્રદાન મેં પૂરા જોશ અને લગનથી કર્યું. ૨૦૦૪ના અરસામાં મેં ઇરાક વૉર સામે વિરોધ પ્રદર્શિત કર્યો. ૨૦૦૬માં અમે એક એન્ટિવૉર બસ ટૂરનું પ્લાનિંગ કર્યું, જે ઇરાક સામેના યુદ્ધનો વિરોધ હતો. મને હંમેશાં લાગ્યું છે કે, યુદ્ધ કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ નથી. લડવાથી અને જાનહાનિ કરવાથી આપણે કશું પ્રસ્થાપિત કરી શકતા નથી. વૉરનો વિરોધ અને રાજકારણમાં એક્ટિવ ઈનવોલ્મેન્ટને કારણે હું થોડો સમય માટે ફિલ્મોથી દૂર થઈ ગઈ. ૨૦૦૫માં મારી ઑટોબાયોગ્રાફી ‘માય લાઈફ સો ફાર’ પ્રકાશિત થઈ. જેમાં મેં પહેલી વાર એવું સ્વીકાર્યું કે હું નાસ્તિક નહીં બલકે, ક્રિશ્ર્ચયાનિટીમાં વિશ્ર્વાસ ધરાવતી એક ધાર્મિક વ્યક્તિ છું.


Also read: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આવા આવેગ-આવેશને કોણ સમજાવશે – સુધારશે?


આ બદલાવ મારામાં સમય સાથે આવ્યો છે એવું મારે સ્વીકારવું જોઈએ. ઓપ્રાહ વિનફ્રે સાથેના ઈન્ટરવ્યૂમાં મેં કહ્યું હતું, ‘આજે ૮૬ વર્ષની ઉંમરે પાછું ફરીને જોઉ છું તો મને સમજાય છે કે, મારા જીવનમાં આવેલા અનેક પુરુષોમાં એક રોબર્ટ રેડફોર્ડ એવી વ્યક્તિ છે જેને મેં હંમેશાં આદર આપ્યો છે અને જાણેઅજાણે પ્રેમ કર્યો છે. એણે કોઈ દિવસ મારામાં રસ નથી લીધો, હંમેશાં પોતાની સહકાર્યકર તરીકે જ જોઈ છે, પરંતુ એની સાથે જે ચાર ફિલ્મોમાં મેં કામ કર્યું એ દરેક વખતે એનું ધ્યાન ખેંચવા અને એને મારા તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યા વગર હું રહી શકી નથી.’ ઓસ્કાર, ગોલ્ડન ગ્લોબ, ગ્રેમી અને લાઈફ ટાઈમ અચિવમેન્ટ્સ એવોર્ડ્ઝની લાંબી પરંપરા પછી પણ હું એકલી છું. મને હજી સુધી એક વાત નથી સમજાઈ કે ખરેખર સ્ત્રી-પુરુષના સંબંધનું સત્ય છે શું? આજે ૮૬ વર્ષની ઉંમરે પણ હું એક નવો સંબંધ બાંધવા-એક્સ્પ્લોર કરવા કે એક નવી રિલેશનશિપને સમજવા – એમાં પ્રવેશ કરવા તૈયાર છું. મૃત્યુ પામું એ પહેલાં મારે સ્ત્રી-પુરુષના સંબંધનું સત્ય, પ્રેમની સાચી અનુભૂતિ વિશે જાણવું છે.

(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button