ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસોઃ PMJAY નો લાભ લેવા કરવામાં આવતી હતી આવી કરતૂત
અમદાવાદઃ ખ્યાતિકાંડમાં (khyati multispeciality hospital) એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પીએમજેએવાયનો (PMJAY) લાભ લેવા ઈમરજન્સી મંજૂરી (Emergency approval) લેવામાં આવતી હતી. ઉપરાંત એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિ માટે ખોટા રિપોર્ટ પણ રજૂ કરવામાં આવતા હતા. હૉસ્પિટલમાં પીએમજેએવાયનું કામ સંભાળતા લોકોની આ યોજનાના અધિકારીઓ સાથે ગોઠવણ હતી. હૉસ્પિટલમાંથી જેવા દર્દીના નામ મોકલવામાં આવતા હતા કે થોડી જ મિનિટોમાં મંજૂરી મળી જતી હતી.
ખ્યાતિ હૉસ્પિટલના ડૉક્ટરો પીએમજેએવાયનો લાભ લેવા તમામ દર્દીની ઈમરજન્સીના નામે એપ્રુવલ મોકલતા હતા. ઉપરાંત આ યોજનાનો લાભ લેવા ખોટા મેડીકલ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવતા હતા. દર્દીની સારવારના નામે ગમે તેમ કરીને રૂપિયા કમાવાનો જ આ હૉસ્પિટલે મંત્ર બનાવી લીધો હતો. ખ્યાતિ હૉસ્પિટલે પીએમજેએવાય યોજના હેઠળ 26 કરોડ મેળવ્યા છે. ઉપરાંત વારંવાર ઈમરજન્સીમાં મંજૂરી મેળવવામાં આવતી હોવા છતાં આરોગ્યવિભાગે પ્રશ્ન કેમ ન ઉઠાવ્યો તે સવાલ છે. આ કૌભાંડમાં પીએમજેએવાયના અધિકારીઓ પણ સંડોવાયેલા હોય તેવી શક્યતા છે.
Also read: ખ્યાતિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા: વધુ પાંચ આરોપીઓની કરી ધરપકડ
શું છે મામલો
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હૉસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મેહુલ જૈન, સીઈઓ ચિરાગ રાજપૂત, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ એમ પાંચ ઓરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુધવારે ડૉ. સંજય પટોલિયાની ધરપકડ કરવામાં આવી હતી. આમ આ કેસમાં કુલ સાત લોકોની ધરપકડ થઈ છે, જ્યારે બે ફરાર છે.
બેરિયાટ્રિક સર્જન ડૉ. સંજય પટોલિયા જ્યારે ઝડપાયો ત્યારે ધૂળથી ખરડાયેલી અને ફાટેલી ટી-શર્ટમાં હતો. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર તે રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.