નેશનલવેપાર

ફરી પટકાયો રૂપિયો: જાણો કયા કારણો છે જવાબદાર

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના ઘટાડા સાથે ૮૪.૭૫ના નવા તળિયે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૬૬૪.૬૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલને કારણે રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૬૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૪.૬૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૭૬ અને ઉપરમાં ૮૪.૬૫ની રેન્જમાં અથડાઈને અંતે ૮૪.૭૫ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

એકંદરે ગઈકાલે અમેરિકાના જોબ ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ચીનના સર્વિસીસ પીએમઆઈ ડેટા નબળા આવ્યા હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રૂપિયો ગબડ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૪.૫૦થી ૮૫ની રેન્જમાં રહે તેમ જણાય છે.

Also Read – સોનામાં રૂ. 96નો અને ચાંદીમાં રૂ. 370નો સાધારણ સુધારો

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૧ ટકા વધીને ૧૦૬.૪૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૩ ટકા વધીને બેરલદીઠ ૭૪.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો નબળો પડ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button