નેપાળમાં શિખર ધવનની આતશબાજી એળે ગઈ, હરીફ ટીમ છેલ્લી ઓવરમાં જીતી
કીર્તિપુરઃ ભારતનો ભૂતપૂર્વ આક્રમક ઓપનર શિખર ધવન અહીં નેપાળ પ્રીમિયર લીગ (એનપીએલ)માં આગવી સ્ટાઇલમાં ફટકાબાજી કરીને પોતે જેની સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે એને જિતાડવા તેમ જ પ્રેક્ષકો અને ટીવી-દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છે અને એમાં સોમવારના પ્રથમ પ્રયાસમાં આતશબાજી કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો, પરંતુ બુધવારે એમાં સફળ રહ્યો ત્યાર બાદ તેણે ફરી નિરાશ થવું પડ્યું હતું કારણકે તે જે ટીમ વતી રમે છે એણે સતત બીજી મૅચમાં પરાજય જોવો પડ્યો છે.
કર્નાલી યાક્સ નામની ટીમ વતી રમનાર શિખરે 51 બૉલમાં પાંચ સિક્સર અને ચાર ફોર સાથે અણનમ 72 રન બનાવ્યા હતા અને તેની આ સુપર ઇનિંગ્સની મદદથી કર્નાલી યાક્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 149 રન બનાવ્યા હતા. જોકે કાઠમંડુ ગુરખાઝ નામની ટીમે 19.3 ઓવરમાં સાત વિકેટે 153 રન બનાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો.
એમાં સુમિત મહાજનના અણનમ 40 રન હાઇએસ્ટ હતા, જ્યારે નામિબિયાના જેરાર્ડ ઇરેસમસે 38 રન કૅપ્ટન કરણ કેસીએ 28 રન બનાવ્યા હતા.
આપણ વાંચો: શિખર ધવને આ લીગમાં શાનદાર ફિફ્ટી ફટકારી, દર્શકો જોતા રહી ગયા
સોમવારે શિખર 14 બૉલમાં ત્રણ ફોરની મદદથી 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે ભારતીય મૂળના કૅનેડિયન ઑફ-સ્પિનર હર્ષ ઠાકરના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
જોકે ટૂંકી ઇનિંગ્સમાં ત્રણ ફોર ફટકારીને તેણે એ દિવસે જ પોતાની તાકાતની ઝલક આપી દીધી હતી. બુધવારે તેણે પાંચ સિક્સર અને ચાર ફોર ફટકારીને લોકોનું મનોરંજન કર્યું હતું, પરંતુ કર્નાલી યાક્સ ટીમે સતત બીજી મૅચમાં પરાજય જોવો પડ્યો હતો.
શિખર ધવને આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે તેણે પ્રથમ એનપીએલ સીઝનમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રો મુજબ ધવન મૅચ દીઠ 30,000 અમેરિકી ડૉલર (અંદાજે 25.42 લાખ રૂપિયા)ની કમાણી કરશે અને કુલ ચાર મૅચમાં ભાગ લેશે.
આપણ વાંચો: શિખર ધવનની નેપાળ પ્રીમિયર લીગમાં નિરાશાજનક શરૂઆત, ફક્ત 14 બૉલમાં…
શિખરે તાજેતરમાં નેપાળમાં પ્રવેશ કર્યો ત્યારે તેનું શાનદાર સ્વાગત કરાયું હતું. શિખરે ભારતીય ટીમ વતી 10,000 કરતાં વધુ વધુ રન બનાવ્યા હતા અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે કુલ 6,769 રન છે.
કર્નાલી યાક્સની આગામી મૅચ શુક્રવારે (સવારે 9.00 વાગ્યાથી) ચિતવાન રાઇનૉઝ સામે રમાશે.