ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

મગજ મંથન : એટલે જ માતા દીકરીને જન્મ આપતા અચકાય છે!

-વિઠ્ઠલ વઘાસિયા

વર્તમાનપત્ર ખોલો અને એક પણ દુષ્કર્મની ઘટના વાંચવા ન મળે એવો દિવસ ભાગ્યે જ જાય. આવી ઘટનાઓ બને ત્યારે તંત્ર જરૂરી પગલાં પણ લે છે, કોર્ટ દ્વારા સજા પણ ફરમાવવામાં આવે છે. આમ છતાં દુષ્કર્મની સંખ્યામાં ઘટાડો થતો નથી, કે બંધ થતી નથી. દુષ્કર્મ પુખ્ત વયની વ્યક્તિ સાથે કરવામાં આવે તોય એ ક્ષમ્ય તો નથી જ નથી.

જોકે, છેલ્લા કેટલાક સમયથી બે કે ચાર વર્ષ નાની નાની કુમળી વયની બાળકીઓ સાથેના વધી રહેલા દુષ્કર્મના કિસ્સા વાંચીએ ત્યારે કમકમાટી છૂટી જાય છે. બેશક ,ચાર વર્ષની બાળકીની સંમતિથી તો આ કૃત્ય નહીં થયું હોય… એટલું જ નહીં, પરંતુ આવી ઘટનાઓનું પ્રમાણ દિવસેને દિવસે ભયજનક રીતે વધતું જ જાય છે.

આને રોકવા કાયદાકીય વ્યવસ્થા અને સામાજિક જાગૃતિ માટે સતત પ્રયત્નો થતા રહે છે. જ્યારે આવા કિસ્સા સામે આવે છે ત્યારે સમાજ ચિંતકો, સામાજિક સંગઠનો અને મહિલા આયોગ ખૂબ ઊંડી ચિંતામાં પડી જાય છે.

સમગ્ર દેશમાં ૧૮ વર્ષથી નાની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં અમદાવાદ પાંચમા ક્રમે છે. ગુજરાત રાજ્યમાં ૧૦૦માંથી ૭૯ બળાત્કારના અપરાધીઓ છૂટી જાય છે. વધતી જતી દુષ્કર્મની ઘટનાઓને ધ્યાને લઈને તંત્ર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાઓની ગંભીરતા જોતાં, તેને અટકાવવા ટાસ્ક ફોર્સ ટૂંકું પડે એવું દેખાય છે.

આથી કાયદો જ એટલો કડક બનાવવામાં આવે કે બીજી વખત આવું જઘન્ય કૃત્ય આચરતાં પહેલા અપરાધી સો વખત વિચાર કરે. આરોપીને આકરી સજા કરીને પોલીસે પોતાની ધાક બતાવવી પડશે. સરકારે કાયદાનો અત્યંત કડક અમલ કરવો પડશે. આવા કિસ્સા સમગ્ર સમાજની શરમ છે.


Also read: પ્રાસંગિક: કેમ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલા ?


ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા ફક્ત ‘બેટી બચાવો’ના નારા-સૂત્રો સુધી સીમિત રહેવા પામી હોય એવું જોવા મળે છે.૧૮ વર્ષથી નાની દીકરીઓની જાતીય સતામણીમાં છઠ્ઠા ક્રમે છે. તાજેતરમાં બનેલા દુષ્કર્મના થોડા કિસ્સાઓ પર નજર દોડાવીએ તો….

મહિલા-દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં તાજેતરમાં એક જ દિવસમાં દુષ્કર્મની ચાર ઘટના સામે આવી છે. અમરેલીના વડિયામાંથી,અમદાવાદના વાસણા અને સાબરમતી વિસ્તારમાંથી તો ચોથી ઘટના ભાવનગરના વરતેજ ગામની છે, જેમાં એક યુવતી-બે સગીરા અને એક માસુમ બાળકી નરાધમોનો ભોગ બની છે.

અમરેલીના વડિયામાં ૨૧ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને ચાર વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું….ભાવનગરના વરતેજ વિસ્તારમાં શ્રમિક પરિવારની ચાર વર્ષની પુત્રીને ચોકલેટ અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું…


Also read: તસવીરની આરપાર : આકરુમાં જોરાવરસિંહ જાદવનું ‘વિરાસત મ્યુઝિયમ’ લોકકલા સંસ્કૃતિની ઝાંખી કરે છે


તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પણ દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જ્યાં પડોશીએ ૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું…એ જ રીતે, અમદાવાદના વાસણા વિસ્તારમાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ તો નોંધાયેલા કિસ્સા છે, પણ છાને ખૂણે કેટલી ઘટનાઓ બની જતી હશે કોને ખબર.

સોશિયલ મીડિયાની આડ અસર, નાની વયે વિદ્યાર્થીના હાથમાં મોબાઈલ ફોન આપી દેવા જેવા અનેક કારણ છે. નાની ઉંમરનાં બાળકોને વધારે પડતા ફેશનવાળા ટૂંકાં વસ્ત્રો પહેરાવીને દેખાડો કરવાની વાલીની મનોવૃત્તિ અથવા તો ઘેલછા પણ અસરકર્તા ગણાવી શકાય. ટીવી સિરિયલોના શો જોઈને, એવી સિરિયલોનું અનુકરણ જેવી બાબત પણ બાળકોને ખૂબ જ નાની ઉંમરમાં પુખ્ત બનાવી દે છે.

આજનાં મા- બાપ પોતાના બાળકનું ઉંમરને આધારે મૂલ્યાંકન કરશે તો એ ભીંત ભૂલે છે, કારણ કે આજનું બાળક આ મીડિયાની અસરના માધ્યમે ઉંમર કરતાં વહેલું પુખ્ત થઈ ગયું છે. આથી દુષ્કર્મની બનતી ઘટનાઓમાં મા-બાપનો રોલ પણ જવાબદારી ભર્યો છે એ વાસ્ત્વિકતા નિર્વિવાદ સ્વીકારી લેવી જોઈએ.

બાળકના ઉછેરમાં મા-બાપે નાનપણથી જ એનામાં અન-ટચમેન્ટની સમજણ ડેવલપ કરવી જોઈશે. ગુડ ટચ અને બેડ ટચની સમજણ બાળકોને આપવી જોઈએ. બાળકોને ગમતી અમુક ચીજ વસ્તુઓ ઘરમાંથી ન મળવાને લીધે, બાળકો બીજા દ્વારા મળતા તેવાં પ્રલોભનોમાં લલચાઈને પણ ફસાતા હોય છે. બીજાના પ્રલોભનોમાં બાળક દોરવાઈ ન જાય, એ સમજણ પણ એમને આપવી જોઈએ.

બાળ- ઉછેરમાં મા-બાપનો અહમ રોલ છે. મા -બાપ જો આ જવાબદારી ખંખેરીને વર્તન કરશે તો આવી ઘટનાઓમાં વધારો થતો રહેવાનો.

માતા-પિતા કે ઘરના વડીલોએ પોતાનું સંતાન મોબાઈલ કે અન્ય કોઈ સાધનમાં શું અને કેટલું જોવે છે તેનું ધ્યાન રાખે અને યુવક- યુવતીઓ માટે મનોવિજ્ઞાનિક કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવા જોઈએ. શાળાના સ્તરથી આ કામ થવું જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button