ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

પ્રાસંગિક: કેમ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલા ?

-અમૂલ દવે

ત્યાં વસતા ભારતીયોના રક્ષણ માટે ભારત પાસે વિરોધ નોંધાવ્યા સિવાય બીજા કોઈ વિકલ્પ નથી…
રાજનીતિમાં તમે તમારા મિત્ર કે દુશ્મન તરીકે કોઈને પસંદ કરી શકો, પરંતુ તમારા પડોશીનું ચયન તમે કરી શકતા નથી. દક્ષિણ એશિયાના બે પડોશી દેશ ભારત અને બાંગ્લાદેશ એક વાર નિકટના મિત્ર હતા, પરંતુ હવે તેમના સંબંધમાં ખટાશ અને તંગદિલી જોવા મળે છે.

બાંગ્લાદેશની હિન્દુ લઘુમતી પર ત્યાંના સ્થાનિક દ્વારા એક પછી એક હુમલાઓ થઈ રહ્યા છે. બાંગ્લાદેશે ‘ઈન્ટરનેશનલ’ સોસાયટી ફોર કૃષ્ણા કોનશિયસનેસ (ઈસ્કોન)’ ના મુખ્ય વડા સહિત ત્રણ સાધુની ધરપકડ કરી છે. સાધુ ચિન્મય કુમાર દાસ બ્રહ્મચારીને પ્રસાદ આપીને પાછા ફરી રહેલા ‘ઈસ્કોન’ના બે સાધુ અદી પુરુષ શ્યામ દાસ અને રંગનાથ દાસની ધરપકડ કરી હતી. એ બન્ને ચિત્તાગોન્ગના રહેવાસી છે.

બાંગ્લાદેશનાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારનું ઓગસ્ટમાં પતન થયા બાદ હિન્દુઓ સામેની હિંસા વધી ગઈ છે. આટલું અધૂરું હોય એમ ચિન્મય કુમાર દાસના વકીલની હત્યા કરવામાં આવી છે. ભીડમાંથી વકીલની હત્યા કોણે કરી એ બાંગ્લાદેશની પોલીસ નક્કી કરી શકતી નથી.

ઓગસ્ટમાં ત્યાંના વિદ્યાર્થીઓ સહિત લોકોએ બળવો કરતાં શેખ હસીનાની સત્તા ઊથલી ગઈ હતી. હસીના ભારત નાસી આવ્યાં અને પછી ત્યાં રચાયેલી ૮૪ વર્ષના નોબલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારનો ભારત પ્રત્યેનો રવૈયો જ બદલાઈ ગયો છે. ‘ઈસ્કોન’ના સાધુ પર અંગ્રેજ શાસન વખતનો દેશદ્રોહનો ગુનો લગાડવામાં આવ્યો છે.

ચાર મહિનાના યુનુસના શાસનના દરેક દિવસ પસાર થવાની સાથે ત્યાં કટ્ટરપંથી અને ઉદામવાદી તત્ત્વોની જોહુકમી અને તાકાત વધતી જાય છે. વચગાળાની સત્તાની કમાન કટ્ટર ઈસ્લામવાદીઓ સંભાળી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. પાકિસ્તાનમાંથી મુક્ત કરવાની ૧૯૭૧ની લડાઈના વારસાને ખતમ કરી દેનાર ઉદામવાદીઓની કઠપૂતળી વચગાળાની સરકાર બની છે. આને લીધે બાંગ્લાદેશમાં રહેતી હિન્દુ લઘુમતીની હાલત કફોડી થઈ ગઈ છે. હિન્દુઓ શેખ હસીનાના ટેકેદારો હોવાથી એમને આડેધડ લક્ષ્ય બનાવામાં આવે છે. બાંગ્લાદેશની વસતિ ૧૭ કરોડની છે અને આમાં દસ ટકા એટલે કે ૧.૭ કરોડ જેટલા હિન્દુ છે.


Also read: સાયબર સાવધાની: રિંગ વાગે અને ફોનમાં પોતાનો જ ચહેરો દેખાય તો? અવગણના કરો


બાંગ્લાદેશ ‘હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્ર્ચયન્સ યુનિટી કાઉન્સિલ’ ના જણાવ્યા પ્રમાણે ચારથી ૨૦ ઓગસ્ટ વચ્ચે લઘુમતી પર ૨,૦૧૦ વાર હુમલા થયા હતા. ૨૨ ઓગસ્ટથી ૧૨ ઓક્ટોબર સુધી વધુ હિંસાના ૫૭ બનાવ બન્યા હતા. હિંસાના પ્રથમ તબક્કામાં ૧,૭૦૫ કુટુંબો અને ૫૦,૦૦૦ લોકો પ્રભાવિત થયાં હતાં. તદુપરાંત ૬૮ ધાર્મિકસ્થળ અને એમાં ખાસ કરીને હિન્દુ મંદિરો પર હુમલા થયા- તોડફોડ સાથે આગ ચાંપવાની ઘટના પણ બની..

બાંગ્લાદેશમાં આ વર્ષની દુર્ગાપૂજા ભયના ઓછાયામાં પાર પડાઈ હતી. લાઉડસ્પીકરના ઉપયોગ પર બંદી મૂકવામાં આવી હતી. હિન્દુઓ પરના આવા અવારનવાર થતાં હુમલા અને જુલમને લીધે હિન્દુઓની હિજરત વર્ષોથી ચાલુ છે. આઝાદી મળી ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસતિ ૨૩ ટકા હતી, પરંતુ ૨૦૨૨ સુધીમાં તે દસ ટકાથી નીચે ઊતરી ગઈ.

પાકિસ્તાન લશ્કરે ૧૯૭૧માં હિન્દુઓ પર એક પ્રકારનું આક્રમણ કર્યું ત્યારે જે નિરાશ્રિતો ભારતમાં આવ્યા તેમાંના મોટા ભાગના સ્વતંત્ર બાંગ્લાદેશમાં પાછા જ ફર્યા નહીં.

બાંગ્લાદેશમાં ‘ઈસ્કોન’ના સાધુ ચિન્મયની આગેવાની હેઠળ હિન્દુઓએ ઢાકા અને ચિત્તાગોન્ગમાં મોટા વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભારતે હવે તેની સરહદો સીલ કરી દીધી છે અને બાંગ્લાદેશના હિન્દુઓ ત્રિપુરા, આસામ અને બંગાળમાં ન આવે એ માટે અંકુશ મુક્યા છે.

બાંગ્લાદેશનું બંધારણ ભારત જેવું છે. ત્યાંના બંધારણની પ્રસ્તાવનામાં રાષ્ટ્રવાદ, લોકશાહી, સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા જેવા શબ્દોનો સમાવેશ થયો છે. લશ્કરી સરમુખત્યાર ઝિયાઉર રહેમાને ૧૯૭૭માં બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા’ શબ્દ કાઢી નાખ્યો હતો અને ઈર્શાદે એક કલમ ઉમેરી,જે ઈસ્લામને દેશનો ધર્મ બનાવતી હતી અને કહેતી હતી કે બીજા ધર્મો શાંતિ અને એકતાથી પાળી શકાય. જોકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ સુધારા રદ કરી નાખ્યા હતા. વચગાળાની સરકારની ફરજ બંધારણમાં દીધેલા અધિકારો આપવા અને મૂલ્યોનું જતન કરવાનું છે.

બીજી તરફ, ચીન અને પાકિસ્તાન ભારતને ઘેરવાની કોઈ તક જતી કરતા નથી. બાંગ્લાદેશનું જમાતે ઈસ્લામી સંગઠન’ પાકિસ્તાનના ઈશારે નાચે છે. આ બે દુશ્મન દેશ નેપાળ, ભુતાન, માલદીવ, મ્યાનમારને ભારતની વિરુદ્ધમાં ઉશ્કેરીને ભારતની મુસીબત વધારે છે. હસીનાને ઉથલાવામાં અમેરિકા, ચીન અને પાકિસ્તાને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

હાલના સંજોગોમાં ભારત કોઈ લશ્કરી પગલાં લેવાની સ્થિતિમાં નથી. જો આમ કરાય તો બાંગ્લાદેશના આંતરિક બાબતમાં દખલગીરીનો સીધો કેસ બને છે. ભારતના વિદેશ ખાતાએ બાંગ્લાદેશના હિન્દુઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હસીનાને બીજો કોઈ દેશ આશરો આપવા તૈયાર નથી.

હસીના ભારતમાં છે એને લીધે પણ બાંગ્લાદેશીઓનો ભારત પરનો ક્રોધ-આક્રોશ વધતો જાય છે. અમેરિકાની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા પર આક્રોશ વ્યક્ત કરીને ભારતીયોના મત મેળવ્યા હતા. હવે ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તા પર આવે ત્યારે ભારત એની મદદથી બાંગ્લાદેશ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે.

જોકે ટ્રમ્પ એક અકળ અને અવિશ્ર્વસનીય વડા છે. ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ટ્રમ્પે ડૉલરને રીપ્લેસ કરવાની વાત કરનારા ભારત સહિતના બ્રિક્સના દેશો પર ૧૦૦ ટકા ટેરીફ નાખવાની ધમકી આપી છે. ટ્રમ્પની ‘અમેરિકા ર્ફ્સ્ટ’ની પોલિસીને લીધે અમેરિકાના અનેક દેશો સાથેના સંબંધો તંગ બનશે. પ્રવર્તમાન સંજોગામાં ભારતે ‘ધીરજના ફળ મીઠા’ એવો જ અભિગમ અપનાવવો જોઈએ.

હસીનાની હકાલપટ્ટીથી ભારતને મોટું નુકસાન બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત સાથે કરાયેલા અનેક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) રદ કરવાની તૈયારીમાં છે. વચગાળાની સરકાર હસીનાનું પ્રત્યાર્પણની માગણી પણ કરી રહી છે. હંગામી વિદેશપ્રધાન તૌહીદ હુસૈન કહે છે કે એમઓયુ બંધનકારી કરાર નથી. એમાં સુધારો કરી શકાય કે એને રદ કરી શકાય. હસીનાએ જૂન ૨૦૨૪માં ભારત સાથે દસ એમઓયુ કર્યા હતા. આમાં સાત નવા અને બીજા ત્રણને રીન્યુ કરેલા. બાંગ્લાદેશને આપવાની લાઈન ઑફ ક્રેડિટ પર ભારત હવે વિચાર કરી રહી છે. ભારતે ૨૦૧૦, ૨૦૧૬ અને ૨૦૧૭માં ત્રણ એલઓસીના માધ્યમથી ૭.૩૬ અબજ ડૉલર આપવાનું વચન આપ્યું છે. આમાંથી અત્યાર સુધી ૧.૮૦ અબજ ડૉલર જ આપવામાં આવ્યા છે.


Also read: એકસ્ટ્રા અફેર : બાઇડનના નાલાયક પુત્રને માફી, કાગડા બધે કાળા


બાંગ્લાદેશ સાથે ભારત ૪,૦૯૬ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. આ બન્ને દેશ વચ્ચે રેલ સેવા પણ છે. દક્ષિણ એશિયામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બાંગ્લાદેશ છે. ૨૦૨૧-૨૨મા આ વેપાર ૧૮ અબજ ડૉલર હતો. જોકે કોરોના અને રશિયા-યુક્રેન યુદ્ધને લીધે આમાં ઘટાડો થયો હતો. બાંગ્લાદેશ ભારતમાંથી ૨૦૦૦ મેગાવોટ વીજળી આયાત કરે છે. ભારત ૩૪ ટકા કપાસ બાંગ્લાદેશમાંથી આયાત કરે છે. હસીનાના યુગના સમાપ્ત થવાથી વેપાર સંબંધોમાં મોટી ખટાશ અને ઓટ
આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button