સાયબર સાવધાની: રિંગ વાગે અને ફોનમાં પોતાનો જ ચહેરો દેખાય તો? અવગણના કરો
-પ્રફુલ શાહ
જરૂરિયાત એ આવિષ્કારની જનની છે. કબૂલ, કબૂલ, કબૂલ, પરંતુ અનેક વિજ્ઞાનીઓની રાત-દિવસની કાળી મજૂરી, ઉજાગરા અને સિદ્ધિ બાદ એ શોધનો સકારાત્મક સાથોસાથ નકારાત્મક ઉપયોગ શરૂ થાય છે. ક્યારેક તો નકારાત્મક, વિધ્વંશક દુરુપયોગ અસાધારણ પ્રમાણમાં વધી જાય છે. આને લીધે ઘણા વિજ્ઞાનીઓએ પોતાની શોધ બદલ
જાહેરમાં પસ્તાવાના ભાવ પણ વ્યક્ત કર્યાં છે.
ઇન્ટરનેટનો જ દાખલો લો. એનો ઓછો દુરુપયોગ થાય છે? મોબાઇલ ફોન તો આ મામલામાં અગ્રેસર છે. માનવી એકમેક સાથે પ્રેમ, લાગણી, વેદના, ખુશી અને સફળતા તરત જ વ્યક્ત કરી શકે, ગમે ત્યારે સંપર્કમાં રહી શકે અને સંવાદ સાધી શકે. ખરેખર, મુઠ્ઠીમાં સમાઇ જાય એવી જાદુઇ ડાબલી છે મોબાઇલ ફોન. બટ, પણ, પરંતુ, કિંતુ થઇ શું રહ્યું છે?
આપણે હાથમાં સતત ટિક, ટિક, ટિક કરતો બૉમ્બ કે ઝેરીલો સાપ પકડ્યો હોય એવો ફફડાટ અનુભવીએ છીએ. આના માટે જવાબદાર છે સાયબર ફ્રોડસ્ટર અને ઓનલાઇન ચિટર. આમાં એક ફ્રોડ ટેક્નિકની ખબર પડે અને સત્તાવાળા કંઇક નવું વિચારે ત્યાં નવી પદ્ધતિથી લૂંટફાટ શરૂ થઇ જાય છે. ગુનેગારો કાયમ બે-પાંચ નહીં, બાર ડગલાં આગળ જ
રહે છે.
છેતરપિંડીની નીતનવી પદ્ધતિથી આપણે સતત આશ્ર્ચર્યચક્તિ થતા જ રહીએ છીએ. તાજેતરમાં વળી કંઇ અલગ જ જોખમી ગતકડું પ્રગટ થયું છે.
Also read: અજબ ગજબની દુનિયા: જાણો અતરંગી દુનિયાના અવનવા રંગ
કોઇ વ્યક્તિ વાંચતી હોય, ટીવી જોતી હોય કે કુટુંબીજનો સાથે ગપસપ (જે હવે બહુ દુર્લભ બનતું જાય છે) કરતી હોય, ત્યાં અચાનક એના મોબાઇલ ફોન રણકી ઊઠે. એ ફોન ઉપાડીને હાથમાં લે તો ઇન્સ્ટ્રુમેન્ટના સ્ક્રીનને જોતો રહે. કારણ? એમાં એને પોતે જ દેખાય. જાણે અરીસામાં ન જોતો હોય.
તરત કોઇને સમજાય નહીં કે આ શું થઇ રહ્યું છે? ફોન ઉપાડવો કે નહીં? મોટાભાગના ફોન ઉપાડી લે. હલ્લો, હલ્લો કરે. કોણ બોલે છે, શું કામ છે જેવા સવાલો કરે પણ કોઇ પ્રત્યુતર ન મળે, અંતે કંટાળીને એ ફોન કટ કરીને બાજુમાં મૂકી દે. પણ આ ફોન ઉપાડ્યો અને વાત કરી એમાં બહુ મોટી ને ભયંકર ભૂલ થઇ ગઇ.
ફોન ઉપાડનારને થાય કે કદાચ કેમેરો બગડી ગયો હશે અને સેલ્ફી મોડ પર જતો રહ્યો હશે પણ હકીકતમાં એવું જરાય નહોતું. એ સજજને જેવું ફોન રિસિવ કરવાનું બટન દબાવ્યું એ સાથે કોઇક તમારા ફોટો લેવા માંડ્યું હતું ને વીડિયો ઉતારવા લેવા લાગ્યું હતું. આ સાથે તમારો અવાજ પણ રેકોર્ડ થઇ ગયો હતો. ટેક્નિક્લ ભાષામાં કહીએ તો કોઇક અજાણ્યા એ તમારો ફેસ આઇડી (ચહેરા થકી ઓળખ) મેળવી લીધી.
તમારો અવાજ પણ એની પાસે છે. આ બધાનો ઉપયોગ કરીને એ ત્યાર બાદ તમારા ફોનમાં રહેલી બધી સામગ્રી, માહિતી, વિગતો, ફોટા અને વીડિયોનો મન ફાવે તેવો ઉપયોગ કરી શકે.
સાદી ભાષામાં કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમારા મિત્રને ફોન કરી શકે. કોઇ મદદ માગી શકે, રોકડ માગી શકે. ગંદી મજાક કરી શકે કે અશ્ર્લીલ માગણી કરી શકે. એમાંય વીડિયો ફોન કરનારા તરીકે તમે જ દેખાવ અને અવાજ પણ તમારો જ હોય એટલે દોસ્તો-સંબંધીઓ કોક અજાણ્યાની જાળમાં સપડાઇ ન જાય તો જ નવાઇ.
ઓ બાપરે! તો આવો ફોન આવે તો શું કરવું? એક, ફોનને મોઢા સામે ન ધરવો. બેલ વાગવા દેવી એ બંધ ન થાય ત્યાં સુધી અને યાદ રહે કે બહુ ઓછા ઇનકમિંગ ફોન ખરેખર કામના કે ઉપયોગી હોય છે. એટલે આવો એકાદ વિચિત્ર ફોન ન ઉપાડવાથી કયાંય આભ તૂટી પડવાનું નથી, ઊલ્ટું ‘આ બૈલ મુઝે માર’નું બિન-જરૂરી આમંત્રણ અપાતું અટકી જશે.
ઓ.ટી.પી. (ઑલ ટાઇમ પાસવર્ડ)
મોબાઇલ ફોન જરા પણ વિચિત્ર બને, કંઇક નવી કરતબ બનાવે કે તરત જ સાવધાન થઇ જાઓ. નવીનતાને માણવાનો પ્રયોગ કરવાને બદલે શંકા કરો, એનાથી બચતા રહો.