ઈન્ટરવલનેશનલવેપાર

કવર સ્ટોરી : આરબીઆઇ સામે મોટી મૂંઝવણ: કાતર ક્યાં ફેરવવી!

નિલેશ વાઘેલા

એકતરફ જ્યાં ખાસ કરીને ધિરાણ લેનારાઓ અને અર્થશાસ્ત્રીઓ વ્યાજદરના ઘટાડાની જાહેરાત માટે કાગડોળે રાહ જોઇ રહ્યાં છે, ત્યાં બીજી તરફ વિવિધ આર્થિક સમીકરણોએ રિઝર્વ બેન્કના અધિકારીઓને મોટી મૂંઝવણમાં મૂકી દીધાં છે. નોંધવું રહ્યું કે એમપીસીની બેઠક આજથી શરૂ થઇ રહી છે.

અમે પાછલા સાત ક્વાર્ટરમાં સૌથી ધીમી જીડીપી વૃદ્ધિ પ્રિન્ટ જોઈ છે. ભારતની બીજા ક્વાર્ટરની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ પાછલા સાત ત્રિમાસિકમાં સૌથી ધીમી પડીને ૫.૪ ટકાના સ્તરે પહોંચી છે. હવે આ અંગે આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ આજથી શરૂ થનાર બેઠકમાં છઠી ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો રહેશે.

હવે જોવાનું રહે છે કે કેન્દ્રિય બેન્ક ફુગાવાના સંચાલનને વધુ મહત્ત્વ આપે છે કે આર્થિક વૃદ્ધિને ટેકો આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. નિષ્ણાતો સૂચવે છે કે આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કરતા પહેલા કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ઘટાડો કરી શકે છે.

સાત ક્વાર્ટરના સૌથી નબળા જીડીપીના આંકડાએ, આર્થિક વિકાસની ધીમી પડેલી ગતિ, ઊંચી સપાટીએ પહોંચેલા ફુગાવા અને વિનિમય દર પર વધી રહેલા દબાણ વચ્ચે અટવાયેલી ભારતીય રિઝર્વ બેંકનું ગણિત ખોરવી નાખ્યું છે.

અર્થ નિષ્ણાતો કહે છે કે, ફુગાવાની વર્તમાન ગતિશીલતા ટૂંકા ગાળામાં વ્યાજદરમાં ઘટાડા માટે અનુકૂળ નથી અને આરબીઆઇ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે તેના વિકાસના અંદાજને વધુ વાસ્તવિક બનાવે તેવી શક્યતા છે.

આજથી શરૂ થનાર નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આરબીઆઇના અર્થશાસ્ત્રીઓએ ફુગાવા સાથે સમાધાન કર્યા વિના પોતાનું ધ્યાન ફુગાવાને મેનેજ કરવા તરફથી આર્થિક વૃદ્ધિના સંચાલન તરફ ખસેડવાની ફરજ પડી શકે છે. આ તર્ક કે ગણતરીને આધારે જ નિષ્ણાતો એવું અનુમાન બાંધી રહ્યા છે કે ગવર્નર શક્તિકાંત દાસ ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં કાપ મૂકતા પહેલા આ સપ્તાહે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ઘટાડો કરી શકે છે.

જીડીપીનો ડેટા આઘાતજનક રહ્યો છે, પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે વર્ષના ઉત્તરાર્ધમાં તેમાં સુધારો જોવા મળશે પરંતુ સુધારા પછી પણ આઇસીઆઇસીઆઇ બેન્કના અર્થશાસ્ત્રીએ બીજા અર્ધવાર્ષિક ગાળા માટે જીડીપી ૬.૫ ટકા અને નાણાકીય વષર્ર્ ૨૦૨૫ની આર્થિક વૃદ્ધિ ૬.૩ ટકાની આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરવા સાથે એવી ટકોર કરી છે કે, આ સારા આંકડા છે, પરંતુ અપેક્ષા કરતા ઘણા નીચા છે, નોંધવું રહ્યું કે, આરબીઆઇએ વર્ષની શરૂઆતમાં સાત ટકાથી ઉપરની અપેક્ષા વ્યકત કરી હતી.

નિષ્ણાતો માને છે કે, બેંકોને ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડવા સક્ષમ બનાવવા માટે સીઆરઆર કટ વધુ મહત્ત્વપૂર્ણ પગલું હશે. તેઓ કહે છે કે આરબીઆઈ ડિસેમ્બરની નીતિમાં દરમાં ઘટાડો નહીં કરે; તેઓ કદાચ આગામી બે કે ત્રણ પખવાડિયામાં ૨૫ બેસિસ પોઇન્ટના બે હપ્તામાં સીઆરઆરમાં કુલ પચાસ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે.

વાજબી રીતે કહીએ તો, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મળેલા સંકેતોને આધારે જીડીપીના બીજા ત્રિમાસિક સમયગાળાના આંકડામાં મંદીની અપેક્ષા ભાગ્યે જ કોઇને હતી અને મોટાભાગના લોકોે મંદી માટે તૈયાર હતા. જોકે ૫.૪ ટકા એક એવો આંકડો છે કે, જેને માટે લગભગ કોઇની માનસિક તૈયારી નહોતી. સર્વસંમતિના અંદાજ કરતાં તે ઓછામાં ઓછું ૧૦૦, ૧૧૦ બેસિસ પોઈન્ટ નીચી સપાટીએ છે.

આ મંદીનું એક મુખ્ય કારણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકારી ખર્ચનો ઘટાડો કે ધીમી ગતિ રહી હતી, પરંતુ બીજા ત્રિમાસિક સમયગાળામાં પણ સરકારી ખર્ચ ધીમો જ રહ્યો હોવાથી માગનેે ફટકો પડ્યો છે. જોકે બીજા અર્ધવાર્ષિક ગાળામાં તેમાં સુધારો થશે.

આરબીઆઇએ અત્યાર સુધી ફુગાવાના સંચાલન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ હવેે ફુગાવા સાથે સમાધાન કર્યા વિના વૃદ્ધિનું સંચાલન કરવા માટે ધ્યાન આપવું પડશે, પરંતુ કમનસીબે, ફુગાવો શાંત થવાની રાહ જોવી પડશે. ગવર્નરેે ફુગાવાને અંકુશમાં લેવાની ચિંતા સાથે ધીરજ રાખવી પડશે એવા સંકેતો
આપ્યા છે.

એક થિઅરી એવી છે કે અપેક્ષિત ફુગાવો આપોઆપ જ નીચે આવી શકે છે, કારણ કે જીડીપી હવે આપણે અગાઉ જે વિચાર્યું હતું તેના કરતા ઘણી નીચી સપાટીએ છે અને તેના કારણે આરબીઆઈના ફુગાવાના અંદાજમાં ઘટાડો થઈ શકે છે.

Also Read – બેંક ખાતામાં ચાર નોમિની ઉમેરવાની મંજૂરી આપતું બિલ લોકસભામાં પાસ

નાણાં નીતિ સામાન્ય રીતે અપેક્ષિત ફુગાવા પર આધારિત હોય છે અને વર્તમાન ફુગાવા પર હોય એ જરૂરી નથી. તેથી, વર્તમાન ફુગાવો ચાર ટકા પર ના હોવા છતાં, વાસ્તવિક ડેટા મોડેલિંગના આધારે અપેક્ષિત ફુગાવાને ચાર ટકા સુધી નીચે લાવી શકાય છે. તેથી, તે સૌથી મહત્ત્વપૂર્ણ બાબતોમાંની એક છે જે કરી શકાય છે.

બીજી વાત એ છે કે, રેપો રેટમાં ઘટાડો એ જ જરૂરી નથી. આરબીઆઈ પાસે સીઆરઆર ચાર ટકાના પ્રી-કોવિડ સ્તરો કરતા વધારે છે. તે ૪.૫ ટકા પર છે. આમ વધારાનો અડધો ટકો ઘટાડવાનો અવકાશ છે. સરવાળે એવું લાગે છે કે, આરબીઆઈ ડિસેમ્બર પોલિસીમાં દરોમાં ઘટાડો નહીં કરે, તે કદાચ ૨૫ બેસિસ પોઈન્ટના બે હપ્તામાં સીઆરઆરમાં ૫ચાસ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરશે.

કોર્પોરેટ જગત આર્થિક વિકાસદર માટે શું માને છે?

ભારતીય કોર્પોરેટ જગતને વિશ્ર્વાસ છે કે નાણાકીય વર્ષના બીજા ભાગમાં વૃદ્ધિદર ઝડપી બનશે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટર માટે જીડીપીના આંકડા ચોમાસાની અસ્પષ્ટતા તેમજ શહેરી વિસ્તારોમાં અપેક્ષિત કરતાં ધીમી વપરાશ વૃદ્ધિ દર્શાવે છે.

રિટેલ અને માઈનિંગ અને ઓટોમોબાઈલ સહિત તમામ ઉદ્યોગોમાં તેની અસર જોવા મળી છે. શહેરી માંગ ઓછી છે પરંતુ ગ્રામીણ માગમાં સુધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા મૂડી ખર્ચમાં અપેક્ષિત વૃદ્ધિ, તહેવારોની મોસમ દરમિયાન માગમાં વધારો અને ગ્રામીણ બજારોમાં સ્થિર માગ આગામી સમયમાં અપેક્ષિત છે. મહિનાઓ પછીના ક્વાર્ટર અને નાણાકીય વર્ષ ૨૦૨૫માં વધુ સારા આંકડા જોવા મળે તેવી શક્યતા છે. કેટલીક કંપનીઓના સીઈઓએ ધીમા વલણ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો કે ભારત વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક રહેશે, પરંતુ તે ચીનની જેમ બે આંકડામાં વૃદ્ધિ કરી શકશે નહીં. ભારતનો વિકાસદર ૦.૬ ટકાથી સાત ટકાની આસપાસ રહેવાની શક્યતા છે અને આ વધુ ટકાઉ અને વાસ્તવિક અપેક્ષા છે. આપણે આ સ્વીકારવાની જરૂર છે અને તે મુજબ વિસ્તરણનું આયોજન કરવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button