આજે સસ્પેન્સનો અંત: સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર થઈ જશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હજી સુધી રાજ્યના આગામી મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સ અકબંધ છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ સસ્પેન્સનો બુધવારે અંત આવશે. બુધવારે સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.
આ પણ વાંચો : એકનાથ શિંદેના યોગદાનને યોગ્ય રીતે માન્યતા આપવી જોઈએઃ કેસરકર…
મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભાજપના જ હશે એમાં હવે કોઈ શંકા નથી. ભાજપના વિધિમંડળ પક્ષના નેતા હજી સુધી નક્કી કરવામાં આવ્યા નથી. આ બધી બાબતોને કારણે વિપક્ષની થઈ રહેલી ટીકાથી કંટાળેલા ભાજપે મંગળવારે બે કેન્દ્રીય નિરીક્ષકોને મુંબઈ મોકલ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે મુંબઈ આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો : ‘શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી નથી કરી’
આ બંને કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં બુધવારે ભાજપના વિધિમંડળ પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના બધા જ વિધાનસભ્યો હાજર રહેશે અને તેઓ પોતાના નેતાને ચૂંટી કાઢશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પર કેન્દ્રીય નિરીક્ષકો નજર રાખશે અને ભાજપ વિધિમંડળ પક્ષની પસંદગી અંગે તેઓ કેન્દ્રીય નેતૃત્વને જાણકારી આપશે. આને પગલે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે. આ બધું સાંજ પહેલાં પૂરી થવાની અપેક્ષા છે અને તેથી જ સાંજ સુધીમાં આગામી મુખ્ય પ્રધાનનું નામ જાહેર થતાં 10 દિવસથી ચાલી રહેલી રાજ્યના લોકોની ઈંતેજારીનો અંત આવશે.