રાજ્યમાં 6 ડિસેમ્બરના દાંતીવાડાથી થશે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ…
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગમી તા.6 અને 7 ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-2024”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.
આ પણ વાંચો : Tourism: ટૂંક જ સમયમાં ઓમકારેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સેવા શરૂ થવાના સંકેત…
આગામી તા.6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના 246 તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પ્રારંભ કરાવશે. આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.
2005માં કૃષિ મહોત્સવની શરૂઆત
આ અંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા “રવિ કૃષિ મહોત્સવ-2024”નું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રગતીશીલ ખેડૂતોને એવોર્ડ થશે એનાયત
બે દિવસીય મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં આવું હવામાન રહેશે, આ શહેર સૌથી ઠંડુ
ખેડૂતોને મળશે માર્ગદર્શન
આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્રારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રીસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, ખેડૂતોને સબંધિત વિસ્તારમાં થતા પાકો અંગે માર્ગદર્શન તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવાનું પણ આયોજન છે.