મહારાષ્ટ્રની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારી…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ તૈયારીની સમીક્ષા કરવા માટે ભાજપના અનેક નેતાઓ મંગળવારે આઝાદ મેદાનમાં આવ્યા હતા. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે આ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે અને તેઓ મંગળવારે આઝાદ મેદાનમાં આવ્યા હતા.
આ પણ વાંચો : NCP વિધાન સભ્યના સમર્થકોએ કેમ રદ કરવી પડી બેલેટ પેપરથી ચૂંટણી?
બાવનકુળેએ એવી માહિતી આપી હતી કે શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજરી આપવાના છે. આ ઉપરાંત દેશના બધા જ એનડીએ શાસિત મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનને આમંત્રમ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો રાજ્યપાલો અને કેટલાક મહત્ત્વના ભાજપના કેન્દ્રીય પદાધિકારીઓ પણ હાજર રહેશે.
તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભાજપની નરીમાન પોઈન્ટ ખાતેની કચેરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર, વિધાન પરિષદમાં ભાજપના નેતા પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ અને અન્યો હાજર હતા.
ભાજપે આ કાર્યક્રમમાં કેટલાક ધર્મગુરુઓ, કલાકારો અને લેખકોને પણ આખા રાજ્યમાંથી બોલાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં મહાયુતિનો મહારાષ્ટ્રની સાંસ્કૃતિક વિવિધતા જોવા મળશે, એમ ભાજપના એક નેતાએ જણાવ્યું હતું.
અત્યારના તબક્કે દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્ય પ્રધાનપદ માટે મોખરે માનવામાં આવી રહ્યું છે. ભાજપે બે નિરીક્ષકો નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણીને મહારાષ્ટ્રમાં મોકલ્યા છે અને તેમની હાજરીમાં બુધવારે થનારી બેઠકમાં મુખ્ય પ્રધાનનું નામ અંતિમ કરવામાં આવશે.
10000 લાડકી બહેન અને 5000 ખેડૂતો હાજરી આપશે
રાજ્યના નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહી છે, ત્યારે ભાજપના એક નેતાએ મંગળવારે એવી માહિતી આપી હતી કે આખા રાજ્યમાંથી પાંચથી દસ હજાર લાડકી બહેનો અને બેથી અઢી હજાર ખેડૂતો પણ આ શપથવિધિમાં સામેલ થશે. મુંબઈની હાઉસિંગ સોસાયટીઓએ અમને સારી મદદ કરી હતી અને આવી પાંચહજાર સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી પણ આવવાના છે. વારકરી પંથના લોકો પણ આવવાના છે.
ડબ્બાવાળાઓ પણ આવવાના છે. 40-50 હજાર કાર્યકર્તાઓ પણ આ સ્થળે જોવા મળશે. આ ઉપરાંત 2,000 વીઆઈપી, વીવીઆઈપીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં જ્યાં એલઈડી સ્ક્રીન છે ત્યાં બધે જ શપથવિધિ જિવંત પ્રસારિત કરવામાં આવશે.
આ પણ વાંચો : નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ,લાડકી બહેનો માટે રેડ કાર્પેટ, 22 રાજ્યોના મુખ્યપ્રધાન આવશે
ઉદ્ધવ ઠાકરેને બોલાવવામાં આવશે કે નહીં એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરીકે તેમને આમંત્રણ આપવામાં આવશે, પરંતુ આવવું કે નહીં તે તેમણે નક્કી કરવાનું છે.