સ્પોર્ટસ

નાગપુરના 18 વર્ષના દક્ષ ખંતેની ખંતને સલામ

સૌથી કઠિન `આયર્નમૅન રેસ' પૂરી કરનાર વિશ્વનો સૌથી યુવાન ઍથ્લેટ બન્યો

નાગપુરઃ નાગપુરના 18 વર્ષના દક્ષ ખંતેની ખંત લાજવાબ છે. તે રવિવારે વિશ્વમાં સૌથી કઠિન અને સૌથી પડકારરૂપ મનાતી આયર્નમૅન નામની લૉન્ગ ડિસ્ટન્સ ટ્રાયથ્લોન રેસ પૂરી કરનારો વિશ્વનો સૌથી યુવાન ઍથ્લીટ બન્યો છે.

તેણે આ સિદ્ધિ ઑસ્ટ્રેલિયામાં પોતાના 18મા જન્મદિને વિશ્વભરના 3,500 ઍથ્લીટ વચ્ચે હાંસલ કરી હતી. તેણે 18 વર્ષની નાની ઉંમરે એક જ દિવસમાં કુલ 225.9 કિલોમીટરનું અંતર પૂરું કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

એક દિવસની આયર્નમૅન રેસમાં ઍથ્લીટે દરિયામાં 3.9 કિલોમીટરની સ્વિમિંગની રેસ પૂરી કર્યા પછી 180 કિલોમીટરની સાઇક્લિંગની રેસ પૂરી કરવાની હોય છે અને ત્યાર બાદ 42 કિલોમીટરની રનિંગ રેસ (મૅરેથોન) પૂરી કરવી પડે છે.

આપણ વાંચો: કેન્યામાં મહિલા ઍથ્લીટની પાર્ટનરના હાથે હત્યાના ચોથા બનાવથી લોકોમાં આક્રોશ…

દક્ષ ખંતેએ આ ત્રણેય રેસ સફળતાપૂર્વક પૂરી કરી હતી અને તે આયર્નમૅન રેસમાં તે વિશ્વનો યંગેસ્ટ ફિનિશર બન્યો છે.
તેણે કુલ 226 કિલોમીટર જેટલી આ આખી સ્પર્ધા કુલ મળીને 14 કલાક, 14 મિનિટ, 40 સેકન્ડમાં પૂરી કરી હતી. તેણે સ્વિમિંગ રેસ એક કલાક, 34 મિનિટ, 28 સેકન્ડમાં પૂરી કર્યા બાદ સાઇકલ રેસ છ કલાક, 40 મિનિટ, 26 સેકન્ડમાં પૂરી કરી હતી. છેલ્લે તેણે મૅરેથોન પાંચ કલાક, 36 મિનિટ, 16 સેકન્ડમાં પૂરી કરીને નવો ઇતિહાસ સર્જ્યો હતો.

આયર્નમૅન રેસમાં 18 વર્ષ પૂરા કરનાર ઍથ્લીટો જ ભાગ લઈ શકે છે. રવિવારે દક્ષ ખંતેનો 18મો બર્થ-ડે હતો એટલે તે આ રેસમાં ભાગ લેવાને પાત્ર હતો. તેણે આ રેસ પૂરી કરી ત્યાર બાદ તેને મેડલ એનાયત કરાયું હતું.

આપણ વાંચો: વાહ! ભારતીય ઍથ્લીટનો સિલ્વર ફેરવાયો ગોલ્ડમાં, જાણો કેવી રીતે…

તેના પિતા અમોલ ખંતે ઍડવેન્ચર સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર છે. દક્ષ પર્વતારોહણ સહિત અનેક પ્રકારની રેસમાં ભાગ લઈ ચૂક્યો છે અને પોતાની સફળતા માટે મમ્મી-પપ્પાને શ્રેય આપે છે. તે નાગપુરમાં રામદાસપેઠ વિસ્તારમાં રહે છે. દક્ષની મમ્મી એક્તા ખંતે યોગ ઇન્સ્ટ્રક્ટર છે.

તેની આઠ વર્ષની ઉંમરની નાની બહેન ધીરા પણ મોટી થઈને આયર્નમૅન રેસ પૂરી કરવા માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button