ગાંધીનગર

ગુજરાત પોલીસના “સાથી” સ્નિફર ડોગ્સ; છ મહિનામાં જ ઉકેલી આપ્યા આઠ ગુના!

ગાંધીનગર: ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનામાં સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓને ઉકેલવામાં પોલીસને મદદ કરી છે.

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. તે બદલ તેને તાલિમ આપનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની કામગીરીની રાજ્યના પોલીસ વડાવિકાસ સહાયે પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા છે.

મિઠાઇની વચ્ચે સંતાડેલો ગાંજો શોધી કાઢ્યો

છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના ‘નાર્કોટીક્સ ડોગ્સ’ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એન.ડી.પી.એસના બે કેસ કરવામાં આવ્યા છે, ઓક્ટોબરમાં ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મિઠાઇની વચ્ચે આખી સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો.

આપણ વાંચો: કચ્છમાં તસ્કરોએ બન્યા બેફામ: ત્રણ સ્થળોએ સામૂહિક ઘરફોડ કરી 10.80 લાખની ચોરી…

જ્યારે ‘કેપ્ટો’ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો શોધી આપ્યો હતો.

સ્કુલ બેગ સુંઘીને ઉકેલી કરોડોની ચોરી

બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ૬ ગુનાઓમાં ‘ટ્રેકર ડોગ્સ’ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. ઓક્ટોબર મહિનામાં ‘બીના’ ડોગે ભાવનગર હત્યાના બનાવમાં મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલથી ત્રણ આરોપીઓને શોધી કાઢ્યા હતા. જ્યારે ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.1.07 કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ઉકેલી કાઢ્યો હતો.

આપણ વાંચો: દિવાળી પર ફરવા જાઓ છો? ઘરને સુરક્ષિત રાખવા અમદાવાદ પોલીસ કમિશનરે આપી આવી સલાહ

અન્ય ચાર ગુનાના ઉકેલમાં પણ ભૂમિકા

આ ઉપરાંત સુરત ગ્રામ્ય વિસ્તારના બળાત્કારના ગુનામાં ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી. તે સિવાય પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂ.1.10 લાખનું નુક્શાન કરનાર આરોપીને ‘રેમ્બો’ ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

આપણ વાંચો: મહારાષ્ટ્રની તીર્થનગરીમાં ‘ગેંગસ્ટર’નું વાજતેગાજતે કરાયું સ્વાગત

તેવી જ રીતે પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને ‘વેલ્ટર’ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી. તે ઉપરાંત વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને ‘ગીગલી’ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડીને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button