એનજીઓએ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં ખામીઓ દર્શાવતો અહેવાલ રજૂ કર્યો
પર્યાવરણ પ્રત્યે ઘોર બેદરકારીને લીધે, સમગ્ર મહારાષ્ટ્રમાં ૪,૦૦૦ એકરથી વધુ મેન્ગ્રોવ જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણીય સંતુલનને હાનિ પહોંચાડે છે,એવો પર્યાવરણવાદીઓએ આક્ષેપ કર્યો છે. જો કે, હાલના દરિયાકિનારા પર મેન્ગ્રોવ્સ પોતાની જાતે ઉગ્યા છે તેથી અતિક્રમણ કરાયેલ ચોક્કસ વિસ્તારની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.
પર્યાવરણવિદ બીએન કુમારે દાવો કર્યો છે કે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનના અમલીકરણમાં નિષ્ફળતાને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વધારો થયો છે. ૧૯ ફેબ્રુઆરી, ૧૯૯૧ના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન પ્રમાણે, દરિયાકિનારાના ઇકોલોજી અને જીઓમોર્ફોલોજીના રક્ષણ માટે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન ફરજિયાત છે.
પર્યાવરણના રક્ષણ માટે કામ કરતી એનજીઓ કન્ઝર્વેશન એક્શન ટ્રસ્ટ મુજબ છેલ્લા ૩૩ વર્ષોમાં, સરકારે ત્રણ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યા છે, પરંતુ તેમાંથી એક પણ સચોટ નથી. સોમવારે, મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ગૌતમ પટેલ અને કન્ઝર્વેશન એક્શન ટ્રસ્ટના ટ્રસ્ટી ડેબી ગોએન્કા અને અન્ય નિષ્ણાતો દ્વારા ‘કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન- ટુલ ફોર ધ પ્રોટેક્શન ઑફ કોસ્ટલ હેબિટેટ્સ’ નામનો અભ્યાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્રમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનસની તૈયારી અને અમલીકરણમાં રહેલી ખામીઓને દર્શાવવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યું છે કે, “સ્થાનિક કોળીઓ (માછીમારો)ને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન વિશે ક્યારેય માહિતગાર કરવામાં આવ્યા નહોતા કે રાજ્ય કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સલાહ લેવામાં આવી નહોતી.”
આ પણ વાંચો : પ્લાસ્ટિક બોટલમાંથી બને છે કાપડ, પર્યાવરણ બચાવવા સુરતીઓની ઉમદા પહેલ
અહેવાલમાં અવલોકન કરવામાં આવ્યું છે કે જોખમ રેખા કેવી રીતે સીમાંકન કરવામાં આવી છે તેના પર કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. ગોએન્કાએ કહ્યું હતું કે, “આ ભૂલભરેલા નકશાનો મામલો લાગે છે, આવી ભૂલો ખાસ કરીને મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેરને મોટી અસર કરે છે. રાજ્યની નગરપાલિકાઓ, અમલદારો ,આયોજન એજન્સીઓ અને વૈધાનિક સંસ્થાઓ ઘણીવાર ખોટા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન, જાહેર અજ્ઞાનતા અને સુસ્ત ન્યાયતંત્રનો લાભ ઉઠાવે છે.”