IND vs AUS: વિરાટ કોહલી ડોન બ્રેડમેનનો 76 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી શકે છે…
એડિલેડ: બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની પહેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને કારમી (IND vs AUS) હાર આપી હતી. પાંચ મેચની સિરીઝની બીજી મેચ 6ઠ્ઠી ડિસેમ્બરથી શરુ થવાની છે, આ મેચમાં સૌની નજર ભારતના સ્ટાર બેટમેન વિરાટ કોહલી (Virat Kohli) પર રહેશે. વિરાટ કોહલીએ પહેલી મેચમાં સદી ફટકારી હતી, સિરીઝની આગામી મેચોમાં પણ વિરાટ આ જ ફોર્મમાં જોવા મળે તેવી આશા છે. જો વિરાટ આવું જ ફોર્મ જાળવી રાખે તો ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન (Don Bradman)નો 76 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
આ પણ વાંચો : કૅનબેરાની પ્રૅક્ટિસ વન-ડે માં કોહલી અને પંતને બૅટિંગમાંથી આરામઃ રોહિત ટેસ્ટમાં ચોથા નંબરે રમશે?
ડોન બ્રેડમેનનો રેકોર્ડ:
યજમાન ટીમ સામે તેમની જ જમીન પર કોઈ સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે. ડોન બ્રેડમેને ઈંગ્લેન્ડની ધરતી પર ઇંગ્લેન્ડ સામે 11 સદી ફટકારી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ તેમનો રેકોર્ડ તોડવાની નજીક પણ પહોંચી શક્યું નથી. હવે વિરાટ કોહલી પાસે આ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.
ડોન બ્રેડમેને ઈંગ્લેન્ડ સામે તેમની જ ધરતી પર 19 મેચ રમીને 2,674 રન બનાવ્યા હતાં, જેમાં 11 સદીનો સમાવેશ થાય છે. લગભગ 76 વર્ષ વીતી ગયા છે, પરંતુ આ રેકોર્ડ હજુ પણ અતુટ છે.
વિરાટ કોહલી આટલો દુર:
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે તેમની જ ધરતી પર 43 મેચ રમી છે અને 10 સદી ફટકારી છે. વિરાટ કોહલીને ડોન બ્રેડમેનની બરાબરી કરવા માટે એક સદી અને રેકોર્ડ તોડવા માટે બે સદીની જરૂર છે. આ સિરીઝમાં આ રેકોર્ડ તૂટી શકે છે. ખાસ વાત એ છે કે કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડોનની આસપાસ પણ નથી. જો કોહલી આ રેકોર્ડ તોડવાથી ચૂકી જશે તો નજીકના ભવિષ્યમાં ડોનનો રેકોર્ડ તૂટશે એવી કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ વન-ડે માં જીત્યા પછી પણ રમતા રહ્યા, જાણો શા માટે…
ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટ મેચ ડે નાઈટ મેચ હશે. વિરાટ કોહલી પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે. તેણે 2019માં કોલકાતામાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ ભારતની પ્રથમ પિંક બોલ ટેસ્ટ હતી. અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી.