કોર્ટમાં ચિન્મય દાસનો કેસ લડવા કોઈ વકીલ હાજર ના થયો, વકીલોને આ વાતનો ડર
ઢાકા: બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા સંત ચિન્મય કૃષ્ણ દાસ (Chinmoy Das)ની ધરપકડને કારણે હિંદુ સમુદાયમાં રોષનો માહોલ છે, કોર્ટે તેમને જામીન આપવાની પણ મનાઈ ફરમાવી છે. તેમણે જેલમાંથી મુક્ત થવા ઘણી રાહ જોવી પડશે. આ કેસની આજે મંગળવારે સુનાવણી થવાની હતી, પરંતુ કોઈ વકીલ તેમનો કેસ લડવા હાજર થયો ન હતો. અહેવાલ મુજબ ઉગ્રવાદીઓના હુમલાના ડરથી કોઈ વકીલ તેમનો કેસ લડવા તૈયાર નથી.
આજે મંગળવારે જ્યારે કોર્ટ સુનાવણી શરુ થઇ ત્યારે તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ હાજર ન હતું. બેન્ચે તેમની જામીન અરજીની આગળની સુનાવણી માટે 2 જાન્યુઆરી, 2025ની નવી તારીખ નક્કી કરી છે. અહેવાલ મુજબ, અગાઉ ચિન્મય દાસના વકીલ રમેન રોય પર હુમલો થયો હતો, જે હાલ ICUમાં દાખલ છે અને તેમની હાલત નાજુક છે.
કટ્ટરપંથીઓનો આતંક:
ચિન્મય કૃષ્ણ દાસે પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે રમેન રોયનો ગુનો એ હતો કે તેમણે કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહેવાલો અનુસાર, ઇસ્લામિક કટ્ટરપંથીઓએ રમેન રોયના ઘર પર હુમલો કર્યો હતો અને પછી તેમને ખૂબ માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંદુઓને જાનનો ખતરો, ઇસ્કોને આપી આવી સલાહ
ચિન્મય દાસની ધરપકડ:
બાંગ્લાદેશના સનાતની જાગરણ મંચના પ્રવક્તા ચિન્મય દાસની ગયા સોમવારે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બંગદેશમાં હિંદુઓ વિરુદ્ધ થયેલી હિંસા સામે થયેલા પ્રદર્શનમાં તેમણે ભાગ લીધો હતો. આ પછી, તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવીને કેસ નોંધવામાં આવ્યો અને એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી.
દુનિયાભરમાં હિંસા:
ચિન્મય કૃષ્ણદાસ સામેની આવી કાર્યવાહીની ભારત સહિત દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં રહેતા હિન્દુઓએ પણ આ કાર્યવાહીની નિંદા કરી છે અને ત્યાં વિરોધ પ્રદર્શનો થયા છે. ભારતે પણ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને ત્યાંની સરકારને હિંદુઓ પર અટકાવવા કહ્યું છે.