‘Pink Ball’ અને ‘Red Ball’ વચ્ચે શું ફરક છે?
શુક્રવારથી ઍડિલેઇડમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ડે/નાઈટ ટેસ્ટ ગુલાબી બૉલથી રમાવાની છે
ઍડિલેઇડ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરે ઍડિલેઇડ ઓવલમાં શરૂ થનારી સિરીઝની બીજી ટેસ્ટ મૅચ ડે/નાઈટ છે અને પિન્ક બૉલથી રમાવાની છે. અહીં આપણે પિન્ક બૉલ અને રેડ બૉલ વચ્ચેનો ભેદ જાણીશું. ઍડિલેઇડનું મેદાન હોય, ટેસ્ટ મૅચ દિવસ/રાત્રિ હોય અને પિન્ક બૉલથી રમવાનું હોય, ઑસ્ટ્રેલિયા માટે આ બધુ ખૂબ સગવડભર્યું છે કારણકે ઑસ્ટ્રેલિયા ક્યારેય ઍડિલેઇડની ડે/નાઈટ ટેસ્ટમાં હાર્યું નથી, હંમેશાં જીત્યું જ છે.
સામાન્ય રીતે ક્રિકેટ બૉલ (સીઝન બૉલ) ખૂબ કઠણ હોય છે. કોર્ક કોર કોઈલ્ડથી બનતા આ બૉલ પર ચામડાનું કવર હોય છે અને એના પર મજબૂત દોરાથી ટાંકા લેવામાં આવ્યા હોય છે. રેડ બૉલ કરતાં પિન્ક બૉલ સીમ બોલર માટે વધુ ફાયદારૂપ હોય છે. ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ‘બીસીસીઆઈ ટીવી’ને કહ્યું છે કે ‘ગુલાબી બૉલ થોડો વજનદાર હોય છે અને એના પર કાળી ડાઈ લાગી હોવાથી સીમ વધુ સ્પષ્ટ દેખાય છે. આનાથી બોલરને વધુ વધુ ગ્રિપ અને સીમ મૂવમેન્ટ મળે છે, પણ એ મૂવમેન્ટ પારખવી બૅટર માટે (ખાસ કરીને ફ્લડ લાઈટ્સમાં) મુશ્કેલ બને છે.’
Also read: 6 બૉલમાં 4 વિકેટ, આ ફાસ્ટ બોલરે બુમરાહની ખોટ ન વર્તાવા દીધી
ઍડિલેઈડની ટેસ્ટ ફ્લડ લાઈટ્સ હેઠળ જ રમાવાની છે. પિન્ક બૉલની ડિઝાઇન ખાસ કરીને ડે/નાઈટ ટેસ્ટને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરાઈ છે. આ બૉલનું ટકાઉપણું જાળવી રાખવા એના પર પૉલીયૂરીથેન (પીયુ)નું કૉટિંગ કરાયું હોય છે. એના પર કાળા દોરાથી ટાંકા લીધા હોય છે જેને કારણે ફ્લડ લાઈટ્સમાં બૉલ બરાબર જોઈ શકાય છે.
એની તુલનામાં લાલ બૉલ વૅક્સ-કૉટેડ હોય છે. લાલ બૉલનો રંગ જલ્દી ઝાંખો પડી જાય છે અને એ સફેદ દોરાથી ટાંકવામાં આવ્યો હોય છે જેને લીધે ઝાંખા પ્રકાશમાં (ફ્લડ લાઈટ્સમાં) એ દોરો ઓછો અસરકારક હોય છે, ઓછો દેખાય છે. લાલ બૉલ સમય જતાં પીળાશ પડતો અને ભૂખરો થઈ જાય છે એટલે લાઈટ્સમાં પારખવો મુશ્કેલ થઈ જાય છે. પિન્ક બૉલ પરની સીમ (ટાંકા લીધેલા દોરા) રેડ કરતાં (વન-ડે તથા ટી-20માં વપરાતા) વાઈટ બૉલ જેવા જ લાગે છે.
રેડ બૉલમાં ફાસ્ટ બોલરને પ્રથમ 15 ઓવર સુધી બાઉન્સ અને સ્વિંગ મળે છે, જયારે પિન્ક બૉલમાં 40 ઓવર પછી પણ બાઉન્સ-સ્વિંગ મળતા હોય છે. ડે/નાઈટ મૅચમાં હવામાંનો ભેજ નિર્ણાયક બની શકે. ભેજને લીધે બોલરને બૉલ પર ગ્રિપ નથી મળતી એટલે છેલ્લે બૅટિંગ કરનાર ટીમના બેટર્સને ફાયદો થાય છે. જોકે પિન્ક બૉલમાં લિનેન વપરાયું હોવાથી એ લિનેન ભેજને શોષી લે છે અને બોલરને સારી ગ્રિપ મળે છે.