NCP વિધાન સભ્યના સમર્થકોએ કેમ રદ કરવી પડી બેલેટ પેપરથી ચૂંટણી?
સોલાપુરઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માર્કડવાડી ગામમાં NCP (SP)ના વિધાન સભ્યના સમર્થનમાં બેલેટ પેપર દ્વારા ફરી મતદાન કરાવવાની યોજના બનાવવામાં આવી હતી. આ ચૂંટણી આજે મંગળવારે જ યોજાવાની હતી. જોકે, આ મોક પોલને રોકવા માટે વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી હતી અને પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી હતી. પોલીસે ધમકી આપી હતી કે પ્રક્રિયામાં ભાગ લેનારાઓ સામે કેસ નોંધવામાં આવશે. આ પછી ગ્રામ પંચાયતની બેઠક મળી હતી અને આ મતદાન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
માર્કડવાડી સોલાપુરના માલશિરસ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે, અહીંના મોટાભાગના મતદારો મહાવિકાસ અઘાડી એટલે કે એમવીએના સમર્થક છે. અહીંથી NCP (SP)ના ઉત્તમરાવ જાનકરે ભાજપના પૂર્વ વિધાન સભ્ય રામ સાતપુતેને હરાવ્યા છે. અહીં સમર્થકોએ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા EVM પરિણામો સામે વાંધો ઉઠાવ્યો છે.
સોલાપુર જિલ્લાના માર્કડવાડી ગામમાં લોકોએ કહ્યું હતું કે ચૂંટણી પંચના આંકડા મુજબ મહાયુતિને ધાર્યા કરતા વધુ મત મળ્યા છે. આવી સ્થિતિમાં તેમણે બેલેટ પેપર દ્વારા બિનસત્તાવાર ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, આવા મોક પોલ પર કડક પગલાં લેતા પોલીસ પ્રશાસને અગાઉ જ કેટલાક ગ્રામવાસીઓને નોટિસ મોકલી હતી અને કડક કાર્યવાહીની ધમકી આપી હતી. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગામના કેટલાક લોકોએ જણાવ્યું કે ગામમાં મહાવિકાસ અઘાડીના વધુ મતદારો છે પરંતુ EVM ખોટા આંકડા બતાવી રહ્યા છે.
જાનકરે કહ્યું હતું કે, ગામના લોકો સાથે ચર્ચા કર્યા પછી, મેં કાયદાકીય માધ્યમથી ઇવીએમ સામે લડવાનું નક્કી કર્યું છે, કારણ કે પોલીસ અમને બેલેટ પેપરથી મતદાન કરવા દેતી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને જો કોઈ આ રીતે મતદાન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામના લોકોએ મોક રિપોલની યોજના બનાવી હતી. ગ્રામજનોનું માનવું છે કે VVPAT અને EVM મશીનમાં ગરબડ હતી. આથી અમે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.
Also Read – શિંદે જૂથમાંથી કોણ લેશે શપથ? સસ્પેન્સ યથાવત
પરંતુ ગઈકાલે 200થી વધુ પોલીસકર્મીઓ ગામમાં આવ્યા હતા અને તેમના પર દબાણ શરૂ કર્યું હતું. 30 લોકોને નોટિસ આપવામાં આવી હતી કે આવતીકાલે ચૂંટણી થશે તો તમારું ભવિષ્ય ખતમ થઈ જશે અને તેમનીસામે કોર્ટ કાર્યવાહી થશે. ગામમાંથી 700 જેટલા લોકો મતદાન કરવા પણ પહોંચ્યા હતા. જોકે, પછી એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ મતદાન મુલતવી રાખવું જોઈએ અને બીજી કોઇ રીતે આ લડાઇ લડવી જોઇએ.