તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

સ્વાસ્થ્ય સુધા : પોષક તત્ત્વોથી ભરપૂર સ્વાદિષ્ટ જડીબુટ્ટી છે ફુદીનો

-શ્રીલેખા યાજ્ઞિક

‘ફુદીનો’ ભારતીય રસોડામાં એક આગવી ઓળખ ધરાવે છે. સવાર પડે તેની સાથે ઘરના પ્રત્યેક સભ્યોની મનપંસદ ચામાં ‘આદું-ફુદીનો’ જરૂરી બની જાય છે. તેમાં વળી ઠંડીની મોસમમાં લીલાંછમ મળતાં કૂણાં ફુદીનાનાં પાનનો ઉપયોગ વિવિધ રીતે કુશળ ગૃહિણી દ્વારા કરવામાં આવે છે.

શેરીના નાકે ઊભી રહેતી ચાની લારી પાસેથી પસાર થાવ ત્યારે આપને ચા પીવા લલચાવે તેવી ગરમાગરમ ચામાં આદું-ફુદીનાની મીઠી સોડમ આવતી હોય છે. કોથમીર-ફુદીનાની પ્રતિદિન બનતી તાજી ચટણી ખાવાની એક અલગ જ મજા છે.
ફુદીનાને સંસ્કૃતમાં પૂતિહા કે રોચિની કહેવામાં આવે છે.

તો હિન્દીમાં પુદીના, પંજાબીમાં પહાડી પોદીના, મરાઠીમાં પુદિના, નેપાળીમાં બાવરી તરીકે ઓળખવામાં આવે છે. ફુદીનાની સુગંધ વાળું દંતમજંન કે પેસ્ટ બજારમાં સરળતાથી મળી રહે છે. તો ફુદીનાની સુગંધ ઘરાવતી ચ્યુઈંગમ, પિપરમિન્ટ અને ઈન્હેલરને ખાંસી-શરદીમાં રામબાણ ઉપાય તરીકે અજમાવવામાં આવે છે.

યુનાઈટેડ સ્ટેટસ્ ઑફ ઍગ્રીકલ્ચરલ રિસર્ચ (યુએસડીએ)નું કહેવું છે કે ફુદીનાના પાનનું પોષણ મૂલ્ય સારું છે. ૧૦૦ ગ્રામ ફુદીનાના પાનમાં ૩.૭૫ ગ્રામ પ્રોટીન, ૨૪૩ મિલિગ્રામ કૅલ્શ્યિમ, ૫.૦૮ મિલિગ્રામ આયર્ન, ૮ ગ્રામ ફાઈબર, ૫૬૯ મિલિગ્રામ પોટેશિયમ સમાયેલું હોય છે. ફુદીનાનાં પાન ઠંડક આપવાની સાથે આગવી સુગંધ ધરાવે છે જેને કારણે સ્વાદરસિયાઓમાં અતિપ્રિય બની ગયાં છે.

ફુદીનાના પાનનો ઉપયોગ અઢળક રીતે કરી શકાય છે. ઉકાળો, સલાડ, સ્ટાર્ટર, ચા, સૉસ, ચટણી, પરાઠા, બિરિયાની વગેરે. પાણીપુરીના પાણીમાં ફુદીનાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ થતો કહી શકાય. ફુદીનાના સ્વાદવાળું પાણી ગુજરાતમાં લોકો ખાસ પીતા હોય છે.

ફુદીનાનાં પાનના આરોગ્યવર્ધક લાભ:

પાચનમાં સુધારો કરે છે: નિષ્ણાતોના મત મુજબ ફુદીનાના પાનનું નિયમિત યોગ્ય માત્રામાં સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો જોવા મળે છે. પાચનતંત્રની માંસપેશી ફુદીનાના સેવનથી મજબૂત બને છે. પેટ ફૂલવું, ગૅસ, અપચો, બ્લોટિંગ કે આફરો ચડી જવો જેવી સમસ્યાથી રાહત મળે છે. ફુદીનાનાં ૫-૬ પાન સંચળ સાથે ચાવી જવાથી પાચનમાં સુધારો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ ફુદીનાના પાનમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ, મેન્થૉલ, ફાઈટોન્યુટ્રિએન્ટસ્ની માત્રા ભરપૂર હોય છે. જે ભોજનને પચાવવામાં મદદ કરે છે.

ફુદીનાનો ઉપયોગ વિવિધ શરબત, સલાડ કે છાસમાં સરળતાથી કરી શકાય છે. મોંની દુર્ગંધમાં ગુણકારી: અનેક લોકોનાં મોંમાંથી સતત દુર્ગંઘ આવતી રહે છે. તેને લીધે તેઓ સંકોચ અનુભવે છે. ફુદીનાનાં પાનમાં લીંબુ-સંચળ ભેળવીને ચાવી જશો તો મોંની દુર્ગંઘમાં અચૂક લાભ થશે. મેડિકલ ન્યૂઝ ટુડેમાં આવેલી માહિતી પ્રમાણે ફુદીનામાં મેન્થોલ હોય છે.

ઍન્ટિ-બેક્ટેરિયલ ગુણ ફુદીનામાં સમાયેલાં છે. જે જીભ તથા પેઢાંને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ભોજન બાદ કોગળા કરવાનું ટાળવાને કારણે મોંમાં જીવાણુ બનવા લાગે છે. ફુદીનાના પાનનાં સ્વાદ ધરાવતું માઉથવૉશ વાપરવાથી બેક્ટેરિયાને રોકવામાં મદદ મળે છે. આમ ફુદીનાના પાનમાં કુદરતી ગુણ સમાયેલા છે જે શ્ર્વાસને તાજગી બક્ષે છે.
ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર: ફુદીનાનાં પાનમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જેને કારણે શરીરને મુક્તકણોથી બચાવે છે.

શરીરને ઑક્સિડેટિવ તાણથી બચાવે છે. ફુદીનાનાં પાનને વાટીને તેમાં ગુલાબજળ ભેળવીને મિશ્રણ તૈયાર કરવું. મિશ્રણનો ઉપયોગ ચહેરા ઉપર કરવો. ચહેરો ચમકદાર તથા સાફ બને છે. ખીલ-કાળા ડાઘને દૂર કરવામાં મદદ મળે છે.
શરદી-સળેખમમાં ગુણકારી: ફુદીનાના પાનનું સેવન કરવાથી શરદી-સળેખમમાં રાહત મેળવી શકાય છે.

ફુદીનાનાં પાનનો કાઢો બનાવીને પી શકાય છે. ફુદીનાના પાનને ચાવી જવાથી કે તેને સુંઘતા રહેવાથી શરદીમાં રાહત મળે છે. શરદીને કારણે અનેક વખત માથું દુખવું કે અસ્થમા જેવી તકલીફ દર્દીને થતી હોય છે. આવા સંજોગોમાં ફુદીનાનાં પાનનું શરબત મધ સાથે પીવાથી લાભ મળે છે.

અસ્થમાના દર્દી માટે લાભકારી: નિયમિત રૂપે ફુદીનાનું સેવન કરવાથી છાતીમાં ભરાયેલો કફ બહાર નીકળી જાય છે. કેમ કે ફુદીનામાં મૅન્થોલ રહેલું છે જે ફેફસાંમાં ભરાયેલા કફને છૂટો કરવામાં મદદ કરે છે. વળી નાકની નશોને મુલાયમ બનાવે છે. જેને કારણે તેના સેવન બાદ અસ્થમાની તકલીફમાં રાહત મેળવી શકાય છે. આ ફક્ત એક નુસખો અપનાવી શકાય બાકી નિષ્ણાત ડૉક્ટરની સલાહ તથા દવા અસ્થમાના દર્દી માટે ગુણકારી ગણવી જોઈએ.

આ પણ વાંચો…નિવૃત્તિકાળનું રૂટિન કેવું હોવું જોઈએ?

માનસિક તાણ તથા મૂડને સુધારવામાં મદદરૂપ: ફુદીનાના પાનનો ઉપયોગ અરોમા થેરાપીમાં સૌથી વધુ કરવામાં આવે છે. તેથી જ તો તેને પ્રાચીન જડીબુટ્ટી ગણવામાં આવે છે. ફુદીનાનાં પાન તાજાં હોય કે સૂકાયેલાં તેમાં એક અલગ જ સુગંધ સમાયેલી છે. જે માનસિક તાણને ઘટાડવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે: ફુદીનાના પાનમાં વિટામિન્સ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ સમાયેલાં છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શરીરના સેલ્સનું સમારકામ કરવામાં મદદ કરે છે. ફુદીનાના સેવનથી હવાના પ્રદૂષણને કારણે થતાં સંક્રમણથી શરીરને બચાવી શકાય છે. વિટામિન સીની ભરપૂર માત્રા શરીરને હાઈડ્રેટેડ રાખવાની સાથે રોગપ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે.

કાકડી-ફુદીનાના પાનનું રાયતું

૧ કપ દહીં, ૨ નંગ ઓછાં તીખાં લીલા મરચાં. ૧ કપ ખમણેલી કાકડી, ચપટી શેકેલાં જીરાનો પાઉડર, અડધો કપ ફુદીનાનાં ઝીણાં સમારેલાં પાન, ૨ચમચી ખાંડ, સ્વાદાનુસાર સંચળ.

બનાવવાની રીત: સૌ પ્રથમ ફુદીનાનાં પાનને બરાબર સાફ કરી લેવાં. મિક્સર જારમાં પાનને ચર્ન કરી લેવાં. બ્લેન્ડરમાં ખાંડ, ફુદીનાનાં પાન સ્વાદ પ્રમાણે લેવાં, ઉપરથી દહીં ઉમેરવું, ખાંડ, સંચળ, ભેળવીને બરાબર ચર્ન કરી લેવું, એક બાઉલમાં કાઢીને ઉપરથી કાકડીનું છીણ, લીલું મરચું તથા કોથમીરથી સજાવીને પીરસવું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button