શિંદે જૂથમાંથી કોણ લેશે શપથ? સસ્પેન્સ યથાવત
મુંબઇઃ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયાને એક અઠવાડિયું વીતી ગયું છે. એમ જાહેર કરવામાં આવ્યું છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ હજુ પણ શિવસેના શિંદે જૂથમાં કોઈ હલચલ જોવા મળતી નથી.
મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને બંપર બહુમતી મળી છે અને તે સત્તામાં પાછી આવી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો જીતી છે, તેથી મહાયુતિમાંથી ભાજપના જ મુખ્ય પ્રધાન બનશે એવું નક્કી માનવામાં આવે છે. મુખ્ય પ્રધાન તરીકે ભાજપના દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે, પણ હજું સુધી કંઇ જાહેરાત કરવામાં આવી નથી.
જે કંઇ માહિતી મળી રહી છે, એના પરથી એમ લાગે છે કે રાજ્યમાં ફરી એક વાર એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની પેટર્ન અપનાવવામાં આવશે. એકનાથ શિંદે જણાવી ચૂક્યા છે કે પીએ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જે નિર્ણય લેશે તેને તેઓ માથે ચઢાવશે. જોકે, શિંદે ગૃહ પ્રધાન પદ માગી રહ્યા છે. જોકે, તેઓ નાયબ મુખ્ય પ્રધાન સ્વીકારશે તો જ તેમને ગૃહ પ્રધાન પદ મળી શકે છે અને હકીકત તો એ પણ છે કે ભાજપ પણ ગૃહ પ્રધાન પદ છોડવા તૈયાર નથી, જેના કારણે શિંદે નારાજ છે.
Also Read – નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ,લાડકી બહેનો માટે રેડ કાર્પેટ, 22 રાજ્યોના મુખ્યપ્રધાન આવશે
એકનાથ શિંદેને ડૉક્ટરોએ આરામની સલાહ આપી છે. એવા સમયે ભાજપમાં ભારે હલચલ જોવા મળી રહી છએ, પણ શિંદે જૂથમાં સોંપો પ્રસરેલો છે. શિંદે જૂથના કેટલાક નેતાઓને મંત્રી પદમાં રસ છે, પણ ગૃહ ખાતુ કોને ફાળે જશે એના પર પેચ અટકેલો છે. હવે આગળ શું થાય છે એ જોઇએ.