શ્રીનગર પાસે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના અને પોલીસ આતંકવાદ સામે સતત અભિયાન ચલાવી રહી છે, શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. દાચીગામના જંગલમાં અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં (Terrorist Killed near Srinagar) આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપતા જણાવ્યું કે, સુરક્ષા દળોએ સોમવારે રાત્રે શ્રીનગરના હરવાન વિસ્તારમાં દાચીગામ જંગલના ઉપરના વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. આ પછી વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
આતંકવાદીઓને જડબાતોડ જવાબ:
દાચીગામ જંગલમાં શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપતા એક આતંકવાદીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની સાથે વિસ્તારની તપાસ કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં સેનાની કાર્યવાહી:
ગયા અઠવાડિયે, પોલીસ અને સુરક્ષા દળોએ બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીનાં છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. 9 નવેમ્બરના રોજ, કિશ્તવાડમાં બે ગ્રામ રક્ષકોની હત્યા માટે જવાબદાર હોવાના શંકાસ્પદ આતંકવાદીઓનું જૂથને એક જગ્યાએ ઘેરી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન થયેલા ગોળીબારમાં ભારતીય સેનાના ત્રણ પેરાટ્રૂપર્સ ઘાયલ થયા હતા.
Also Read – બાંગ્લાદેશમાં હિંદુઓને જાનનો ખતરો, ઇસ્કોને આપી આવી સલાહ
જ્યારે 6 નવેમ્બરના રોજ બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે અનંતનાગમાં 2 નવેમ્બરના રોજ એક ગોળીબારમાં સુરક્ષા દળો દ્વારા અન્ય બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.