કાર્યકાળના અંત પહેલા બાઈડેને ભારતને લાભ અપાવ્યો, આ મહત્વપૂર્ણ સોદાને મંજુરી આપી
વોશિંગ્ટન: અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)નો કાર્યકાળ જાન્યુઆરી મહિનામાં પૂરો થાય છે, એ પહેલા બાઈડેન ઘણા મહત્વના નિર્ણયો લઇ રહ્યા છે. બાઈડેને ભારત સંબંધિત મોટો નિર્ણય લીધો છે, તેમણે મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાને (USA-India Defense deal) મંજૂરી આપી છે. આ સંરક્ષણ સોદા હેઠળ ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R multi-mission helicopterના સંરક્ષણ સાધનો મળશે. આ ડીલ અંદાજે $1.17 બિલિયનની છે. રાષ્ટ્રપતિ બાઈડેને યુએસ કોંગ્રેસને પણ આ નિર્ણયની જાણકારી આપી છે.
ભારતને મોટી રાહત:
બાઈડેનના આ નિર્ણયથી ભારતને મદદ મળી શકે, કારણ કે જો બાઈડેન પ્રશાસને આ સોદાને મંજૂરી ન આપી હોત તો નવી સરકારની રચના પછી તેને મંજૂરી આપવામાં વધુ સમય લાગી શક્યો હોત. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
આ સરંજામ મળશે:
આ ડીલ હેઠળ ભારતને 30 મલ્ટીફંક્શન ઈન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ જોઈન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ્સ પણ મળશે. તેમાં અદ્યતન ડેટા ટ્રાન્સફર સિસ્ટમ, એક્સટર્નલ ફ્યુઅલ ટેન્ક, ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રારેડ સિસ્ટમ, ઓપરેટર મશીન ઈન્ટરફેસ, વધારાના કન્ટેનર વગેરે હશે, તેની સાથે ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગમાં પણ અમેરિકા દ્વારા મદદ આપવામાં આવશે.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુઓને જાનનો ખતરો, ઇસ્કોને આપી આવી સલાહ
આ કંપનીઓ સાથે સોદો:
આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન અને મિશન સિસ્ટમ્સ દ્વારા આ સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરવામાં આવશે. આ હથિયારોના વેચાણ અને ટેકનિકલ સહાય માટે 20 યુએસ સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કંપનીઓના 25 પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે.
અમેરિકી સરકારના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સોદાથી અમેરિકાના વ્યૂહાત્મક સહયોગી ભારતની સંરક્ષણ તૈયારીઓ મજબૂત થશે.