ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘…નહીં તો હું મધ્ય પૂર્વમાં વિનાશ સર્જીશ’, ટ્રમ્પે હમાસને ચેતવણી આપી

વોશિંગ્ટન: નવા ચૂંટાયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી મહિનામાં પદ (Donald Trump) સંભાળશે, તેમના સત્તામાં આગમન સાથે યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝાયેલ-પેલેસ્ટાઇન વિવાદ અંગે તેઓ આકરા પગલા ભરે તેવી આશંકા સેવાઈ રહી છે. એવામાં સોમવારે ટ્રમ્પે હમાસને મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને તેમના પદગ્રહણ પહેલા (20 જાન્યુઆરી પહેલા) છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં ભારે ખુવારી સર્જાશે.

ટ્રમ્પની ચેતવણી:
ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, ‘જો 20 જાન્યુઆરી, 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં વિનાશ સર્જાશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને ન મળી હોય.

હમાસની માંગ:
હમાસે બંધકોની મુક્તિના બદલામાં ઇઝરાયલને હુમલા રોકવાની માંગ કરી છે. જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલમાં પણ લોકો નેતન્યાહુ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે.

હમાસના કાર્યકારી ચીફ ખલીલ અલ-હૈયાએ તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટાઈનના પ્રદેશોમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઈઝરાયેલ સાથે બંધકોને છોડવાનો કરાર કરવામાં આવશે નહીં. એક ઈન્ટરવ્યુમાં હૈયાએ કહ્યું હતું કે, “યુદ્ધ સમાપ્ત થયા વિના કેદીઓની આપ-લે થઈ શકે નહીં.”

કેટલા કેદીઓ:
ઈઝરાયેલના આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસે ઈઝરાયેલ-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. જેમાંથી ઘણા લોકોને હમાસે સલામત રીતે છોડી દીધા છે. એક અહેવાલ મુજબ ગાઝામાં હજુ પણ 101 બંધકો છે, જેમાંથી લગભગ અડધા હજુ પણ જીવિત છે. બીજી તરફ ઇઝરાયલની જેલોમાં હજારો પેલેસ્ટીનીયન નાગરીકો સબળી રહ્યા છે.

Also Read – ‘આ ન્યાયની કસુવાવડ છે’, દીકરાને માફી આપવા બદલ ટ્રમ્પે જો બાઈડેનની ઝાટકણી કાઢી

ઈઝરાયેલી સેનાના ગાઝા પર હુમલામાં છેલ્લા એક વર્ષામાં અત્યાર સુધીમાં 44,400 થી વધુ પેલેસ્ટીનીયનોના મોત નિપજ્યા છે, જેમાંથી મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. ગાઝાની મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝાનો મોટાભાગનો વિસ્તાર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. ઈઝરાયેલી સેનાએ UN તરફથી મળતી રાહત સામગ્રી પણ રોકી દીધી છે અને ઈઝરાયેલી સેનાનાએ UN સહીત અન્ય સંગઠનોના કાર્યકરોની પણ હત્યા કરી છે. UNએ ઇઝરાયલને હુમલા રોકવા વારંવાર અપીલ કરી છે. પરંતુ ઇઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button