ટોપ ન્યૂઝવેપાર

ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ગબડીને નવા તળિયે

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ભાવી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા જો ડૉલર સામે નવું ચલણ ઊભું કરવામાં આવે તો ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે એવી ચેતવણી ઉચ્ચારવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં આજે રૂપિયા સહિતના એશિયન ચલણો ડૉલર સામે નબળાં પડતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૧૩ પૈસા ગબડીને અંતે ૧૧ પૈસાના ઘટાડા સાથે ૮૪.૭૧ના નવા તળિયે બંધ રહ્યો હતો.

વધુમાં ગતરોજ જાહેર થયેલો નવેમ્બર મહિનાનો ઉત્પાદનનો પીએમઆઈ આંક ઘટીને ૧૧ મહિનાની નીચી ૫૬.૫ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ગત શુક્રવારે જાહેર થયેલા અપેક્ષાથી નબળા જીડીપીના ડેટા અને વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા સાત મહિનામાં રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના અંદાજપત્રીય લક્ષ્યાંકના ૪૬.૫ ટકાના સ્તરે રહી હોવાના નિર્દેશોને કારણે ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


Also read: Good News : દેશમાં GST કલેક્શનમાં 8. 5 ટકાનો વધારો, આટલા કરોડે પહોંચ્યું


દરમિયાન સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૪.૬૦ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૪.૫૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૭૩ સુધી ગબડ્યો હતો, જ્યારે ઉપરમાં ૮૪.૫૮ સુધી ક્વૉટ થયા બાદ અંતે આગલા બંધ સામે ૧૧ પૈસા ઘટીને ૮૪.૭૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

નબળા આર્થિક ડેટા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્ય પ્રવાહ ડૉલર સામે રૂપિયાને દબાણ હેઠળ રાખી રહ્યો છે. તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ તથા ફુગાવાલક્ષી દબાણ અને ટ્રમ્પની ટેરિફ નીતિની ભીતિને ધ્યાનમાં લેતાં આગામી સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયો ૮૪.૫૦થી ૮૪.૯૫ની રેન્જમાં અથડાતો રહે તેવી અમારી ધારણા છે, એમ મિરે એસેટ્સ શૅરખાનના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.


Also read: ડૉલરમાં મજબૂતાઈ અને નફારૂપી વેચવાલીએ વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં પીછેહઠ


દરમિયાન વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૫૧ ટકા વધીને ૧૦૬.૨૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૯૯ ટકા વધીને બેરલદીઠ ૭૨.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. તેમ છતાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૪૫.૨૯ પૉઈન્ટનો અને ૧૪૪.૯૫ પૉઈન્ટનો સુધારો આવતાં અમુક અંશે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button