Indian Navy: ભારત વધારશે નૌકાદળની તાકાત, 26 રાફેલ ફાઈટર જેટ સહિત સ્કોર્પિન સબમરીનની કરશે ખરીદી
નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાનથી ખતરા વચ્ચે ભારત સુરક્ષા દળોને વધુ મજબૂત બનાવી રહ્યું છે. જેમાં હવે ભારતીય નૌકાદળની(Indian Navy)તાકાતમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે 26 રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ખરીદી કરવા જઈ રહ્યું છે. આ સાથે વધુ ત્રણ સ્કોર્પિન સબમરીન માટે પણ ડીલ કરશે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ માહિતી આપી હતી કે જાન્યુઆરીમાં જ 26 રાફેલ ફાઈટર પ્લેન અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદવા માટે અલગ-અલગ કરાર થઈ શકે છે.
ચીન અને પાકિસ્તાનની નૌકાદળની ગતિવિધિઓ પર નજીકથી નજર
4 ડિસેમ્બરે ઉજવવામાં આવતા ભારતીય નૌકાદળ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતી વખતે, નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે ભારત ચીન અને પાકિસ્તાનની નૌકાદળની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ મહિને નહીં તો આવતા મહિને રાફેલ ફાઈટર એરક્રાફ્ટ અને સબમરીન માટેની ડીલ ફાઈનલ થઈ જશે અને તેના પર હસ્તાક્ષર થશે.
આ પણ વાંચો : ચીની નાવિક માટે ભારતીય નૌકાદળ બન્યું “દેવદૂત” : મધદરિયે કેવી રીતે બચાવ્યો જીવ ?
બે પરમાણુ સબમરીન પણ મંજૂર
નૌકાદળના વડા બીજી એક મહત્વની માહિતી આપી છે કે કેન્દ્ર સરકારે બે પરમાણુ સંચાલિત સબમરીન માટે મંજૂરી આપી દીધી છે. આવી કુલ 6 સબમરીન બનાવવાનું આયોજન છે. નેવી ચીફે કહ્યું છે કે ન્યુક્લિયર એનર્જી પર કામ કરતી પહેલી સબમરીન 2036-37 સુધીમાં અને બીજી 2038-39 સુધીમાં તૈયાર થઈ જશે.
62 જહાજો અને એક સબમરીનનું નિર્માણ ચાલુ
ગયા વર્ષે જ ફ્રાન્સ પાસેથી રાફેલ-એમ જેટની ખરીદીને ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ એરક્રાફ્ટ મુખ્યત્વે ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. નેવી ચીફ એડમિરલ ત્રિપાઠીએ કહ્યું છે કે આ બંને દેશોની સરકારો વચ્ચેનો કરાર છે, તેથી તેમાં વધુ સમય લાગશે નહીં. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે હાલમાં 62 જહાજો અને એક સબમરીનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ચીન પાકિસ્તાની માટે યુદ્ધ જહાજો અને સબમરીન બનાવે છે
છેલ્લા કેટલાક સમયથી ચીન પાકિસ્તાની નૌકાદળ માટે અનેક યુદ્ધ જહાજો અને સબમરીન બનાવી રહ્યું છે. આ મુદ્દે નેવી ચીફ એડમિરલ ત્રિપાઠીએ કહ્યું – 8 નવી સબમરીન પાકિસ્તાન નૌકાદળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ લડાયક ક્ષમતા હશે. પરંતુ અમે તેમની ક્ષમતાઓથી વાકેફ છીએ.