સિડકોની જમીન ગેરકાયદે વેચી વેપારી સાથે 18 કરોડની છેતરપિંડી: બે પકડાયા…
મુંબઈ: નવી મુંબઈમાં સિડકોની માલિકીની જમીન ગેરકાયદે વેચીને વેપારી પાસેથી 18 કરોડ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેની ભૂમિકા અંગે ૩ શક્યતાઓ હોવાની ચર્ચાઓ
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં સિટી ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (સિડકો) અને મહેસૂલ વિભાગના અમુક અધિકારીઓની સંડોવણીની શક્યતાને નકારી શકાતી નથી. ગુનામાં આરોપીઓને કથિત રીતે મદદ કરવા બદલ અમુક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.
નવી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ શુક્રવારે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ મુઅઝમ મકસૂદ ભાઈજી અને ઈબ્રાહિમ ભાઈજી તરીકે થઈ હતી. છેતરપિંડી, ઠગાઈ અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી, એવું અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓની જમીન સિડકો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, જેની સામે તેમન વળતર પણ મળી ચૂક્યું હતું. જોકે બાદમાં તેમણે કથિત બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તે જમીન વેપારીને વેચી નાખી હતી.
આ કેસમાં પોલીસ આરોપીઓના સાથી તુલસી જશનાની અને ગૌતમની શોધ ચલાવી રહી છે. આ કેસમાં કથિત રીતે સંડોવાયેલા અન્ય એક આરોપી મહેશ અલીમચંદાનીનું ગયા વર્ષે મૃત્યુ થયું હતું.
વેપારી વિનય ચાવલાએ ગયા વર્ષે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દાવો કર્યો હતો કે જમીનમાં નાણાં રોકવા માટે તેને લલચાવવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે જશનાની, અલીમચંદાની, અમુક સ્થાનિક રિયલ એસ્ટેટ એજન્ટ્સ અને ધરપકડ કરાયેલા આરોપીઓએ તેને મિલકતની બનાવટી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) અને બોગસ દસ્તાવેજો આપ્યા હતા.
આ પણ વાંચો : આરોપી અને પીડિતા ગુમ હોવાથી કોર્ટે રૅપના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો
આ કેસમાં સંડોવાયેલા એસ્ટેટ એજન્ટ્સ અને અન્ય આરોપીઓની શોધ ચલાવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)