દિવસભરના હોબાળા બાદ સપ્તાહ માટે થંભ્યું ખેડૂતોનું દિલ્હી કુચ!
નવી દિલ્હી: દિવસભર નોઈડાના રસ્તાઓ પર ભારે હોબાળો થયો હતો. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે. પરંતુ વહીવટી તંત્રને સાંજ સુધીમાં ખેડૂત આગેવાનોને રસ્તા પરથી હટી જવા સમજાવવામાં સફળતા મળી છે. જો કે સમજાવટ પૂર્વે ખેડૂતોનો કાફલો બે કિલોમીટર સુધી કુચ કરી ચૂક્યો હતો. આ દરમિયાન દિલ્હી અને ગ્રેટર નોઈડા વચ્ચેના એક્સપ્રેસ વે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
સાંજે થયું સમાધાન
આખા દિવસની મહેનત બાદ હવે નોઈડાથી દિલ્હીનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. દલિત પ્રેરણા સ્થળ પાસેના બેરિકેડને હટાવી દેવામાં આવ્યા છે. ખેડૂતોને વાતચીત માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર, નોઈડા ઓથોરિટી અને યમુના ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ખેડૂત નેતાઓને ખાતરી આપવામાં આવી છે કે તેમની માંગણીઓ યુપીના મુખ્ય સચિવ સુધી પહોંચાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો : હાઈવે બ્લોક ન કરવો જોઈએ…’, સુપ્રીમ કોર્ટે આંદોલન કરી રહેલા ખેડૂતોને સલાહ આપી
દલિત પ્રેરણા સ્થળ પર પહોંચ્યા
રવિવારે અધિકારીઓ સાથે ખેડૂતોની વાતચીત નિષ્ફળ જતા ખેડૂતોએ 2 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારને તેમની માંગ જણાવવા માટે દિલ્હી તરફ કૂચ કરશે તેવી જાહેરાત કરી હતી. બરાબર 12 વાગ્યે દિલ્હી બોર્ડરથી લગભગ 4 કિલોમીટર દૂર મહામાયા ફ્લાયઓવર પાસે ખેડૂતોનો જમાવડો શરૂ થયો. થોડી જ વારમાં હજારો ખેડૂતો એકઠા થઈ ગયા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. થોડીવાર ચર્ચા કર્યા બાદ તમામ ખેડૂતો દિલ્હી તરફ જવા લાગ્યા. થોડી જ વારમાં તે બે બેરિકેડ તોડીને આખરે રાષ્ટ્રીય દલિત પ્રેરણા સ્થળ પર પહોંચી ગયો.
દિલ્હી બોર્ડર પર ભારે ટ્રાફિકજામ
રાજધાની દિલ્હી તરફ ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને પોલીસે ઘણા બેરિકેડ લગાવ્યા હતા, જેના કારણે સોમવારે દિલ્હી-નોઈડા બોર્ડર પરથી પસાર થતાં મુસાફરોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જે ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલીઓ અને અન્ય વાહનો પર દિલ્હી તરફ કૂચ કરવા આવ્યા હતા, તેઓ તેમના સંબંધિત સંગઠનોના બેનર હેઠળ, નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે તેમને આગળ વધતા રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ખેડૂતોનું તેમની સાથે ઘર્ષણ થયું હતું.