રશિયાએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું, કહ્યું હમાસ-ઈઝરાયેલ યુદ્ધ માટે અમેરિકા જવાબદાર
ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ યુદ્ધમાં ભારત સહીત અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા અને કેટલાક યુરોપિયન દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે ત્યારે આરબ દેશો સહીત પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પેલેસ્ટાઈનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. પુતિને કહ્યું કે સ્વતંત્ર સાર્વભૌમ પેલેસ્ટાઈનનું નિર્માણ જરૂરી છે.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનો સંઘર્ષ અમેરિકાની મિડલ ઇસ્ટ નીતિની નિષ્ફળતા દર્શાવે છે. આ સાથે તેમણે સ્વતંત્ર સાર્વભૌમ પેલેસ્ટાઈનની રચનાને અનિવાર્ય ગણાવી હતી. અહેવાલો અનુસાર, પુતિને મોસ્કોમાં ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાની સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. પુતિને આરોપ લગાવ્યો કે પશ્ચિમી દેશોએ પેલેસ્ટિનિયન લોકોના મૂળભૂત હિતોને ધ્યાનમાં લીધા નથી.
પુતિને કહ્યું, મને લાગે છે કે અમેરિકાએ આ મુદ્દાને ઉકેલવામાં એકાધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કમનસીબે તેઓ બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવું સમાધાન શોધી શક્યા નહીં. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટિનિયન રાષ્ટ્રના નિર્માણ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિર્ણયોને લાગુ કરવાની જરૂર છે.
બીજી તરફ, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે મોસ્કોમાં આરબ લીગના વડા અહેમદ અબુલ ઘેઈત સાથેની વાતચીત પછી કહ્યું, જો અમેરિકા અને પશ્ચિમી દેશો એવું ધારે છે કે તેઓ અસ્થિરતાના કારણને ઉકેલ્યા વિના ઇઝરાયેલની જીત સુનિશ્ચિત કરી શકાશે, તો આ ટૂંકી દૃષ્ટિ છે. તેમણે અમેરિકા પર આ મુદ્દાને ઉકેલવા માટે મધ્યસ્થતાના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.