અકાલ તખ્તે આપી Sukhbir Singh Badalને ધાર્મિક સજા, અકાલી સરકારમાં કરેલી ભૂલો સ્વીકારી
અમૃતસર: પંજાબમાં અકાલ તખ્ત દ્વારા અકાલી સરકાર દરમિયાન વિવાદાસ્પદ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને આપવામાં આવેલી માફીને પગલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલને(Sukhbir Singh Badal)સજા ફટકારી છે. જેમાં સુખબીર બાદલ અને 2015ની અકાલી સરકારના અન્ય કેબિનેટ સભ્યોને સુવર્ણ મંદિરમાં શૌચાલય અને વાસણો સાફ કરવા સહિતની ધાર્મિક સજાઓ આપવામાં આવી છે. અકાલ તખ્તના જથેદાર જ્ઞાની રઘુબીર સિંહે શિરોમણી અકાલી દળની કાર્યકારી સમિતિને ત્રણ દિવસમાં સુખબીર બાદલનું રાજીનામું સ્વીકારી અકાલ તખ્ત સાહિબને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. અકાલ તખ્તે શિરોમણી અકાલી દળની કાર્યકારી સમિતિને સદસ્યતા અભિયાન શરૂ કરવા અને છ મહિનાની અંદર નવા પ્રમુખની પસંદગી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સુખબીર સિંહ બાદલને અકાલ તખ્તે તંખૈયા જાહેર કર્યા હતા
આ સમગ્ર ઘટનામાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે સોમવારે સ્વીકાર્યું કે અકાલી સરકાર દરમિયાન ડેરા પ્રમુખ રામ રહીમને માફી અપાવવામાં તેમની ભૂમિકા હતી. સુખબીર બાદલના કેસને લઈને અકાલ તખ્ત ખાતે પાંચ સિંઘ સાહિબાનોની બેઠક યોજાઈ હતી, જેમાં તેમને અને શિરોમણી અકાલી દળની સરકાર દરમિયાન કેબિનેટના અન્ય સભ્યોને ધાર્મિક ગેરવર્તણૂકના આરોપમાં સજા કરવામાં આવી હતી. બે મહિના પૂર્વે સુખબીર સિંહ બાદલને અકાલ તખ્તે ‘તંખૈયા’ (ધાર્મિક દુરાચાર માટે દોષિત) જાહેર કર્યા હતા.
અકાલી સરકારે તેની સામે નોંધાયેલા કેસ પાછા ખેંચી લીધા હતા.
આ પૂર્વે અકાલી સરકાર દરમિયાન વિવાદાસ્પદ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને આપવામાં આવેલી માફીને ધ્યાનમાં રાખીને અકાલ તખ્તે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને આપવામાં આવેલ ‘ફકર-એ-કૌમ’ ખિતાબ પાછું ખેંચી લીધું હતું. હકીકતમાં, 2007 માં સલાબતપુરામાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે, ગુરુ ગોવિંદ સિંહની પરંપરાને અનુસરીને તેમના જેવા પોશાક પહેર્યા અને અમૃત છાંટવાનો ડોળ કર્યો. આ અંગે રામ રહીમ વિરુદ્ધ પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પરંતુ રામ રહીમને સજા કરાવવાને બદલે અકાલી સરકારે તેની સામે નોંધાયેલા કેસ પાછા ખેંચી લીધા હતા.
આ પણ વાંચો : કચ્છમાંથી 1.47 કરોડનું કોકેઈન ઝડપાયું, પંજાબની બે મહિલા સહિત ચારની પરપકડ
ગુરમીત રામ રહીમને માફી આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો
અકાલ તખ્તે સાહેબે કાર્યવાહી કરી રામ રહીમને શીખ સંપ્રદાયમાંથી હાંકી કાઢ્યો. ગુરમીત રામ રહીમને માફી અપાવવા માટે સુખબીર સિંહ બાદલે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. આ પછી અકાલી દળ અને શિરોમણિ સમિતિના નેતૃત્વને શીખ સંપ્રદાયના ગુસ્સા અને નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં અંતે અકાલ તખ્તે સાહેબે ગુરમીત રામ રહીમને માફી આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને સુખબીર સિંહ બાદલ અને તેમના મંત્રીમંડળના અન્ય સભ્યોની જવાબદારી નક્કી કરી હતી.
પાંચ સિંઘ સાહેબોની સામે થયેલી ભૂલો સ્વીકારી
સુખબીર બાદલે અકાલ તખ્ત સાહિબના પાંચ સિંઘ સાહેબોની સામે અકાલી સરકાર દરમિયાન થયેલી ભૂલો સ્વીકારી હતી. તેણે કહ્યું હતું કે, ‘અમે ઘણી ભૂલો કરી છે. અપવિત્ર ઘટનાઓ અમારી સરકાર દરમિયાન બની હતી. અમે ગુનેગારોને સજા આપવામાં નિષ્ફળ ગયા. આ ચુકાદો સંભળાવતી વખતે અકાલ તખ્તના જથેદાર ગિયાની રઘુબીર સિંહે કહ્યું હતું કે અકાલી દળના વડા અને ડેપ્યુટી સીએમ રહીને સુખબીરે કેટલાક એવા નિર્ણયો લીધા હતા જેનાથી પંથકની છબીને નુકસાન થયું હતું.
સુવર્ણ મંદિરમાં સેવા દરમિયાન ગળામાં તકતી રહેશે
આ મામલામાં સુખબીર સિંહ બાદલને સજા સંભળાવતા અકાલ તખ્તના જથેદા જ્ઞાની રઘુબીર સિંહે કહ્યું – તેઓ 3 ડિસેમ્બર, 2024 સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી સુવર્ણ મંદિરમાં શૌચાલય સાફ કરશે. આ પછી તે સ્નાન કરશે અને લંગર હોલમાં જશે અને 1 કલાક સુધી વાસણો ધોશે. આ પછી 1 કલાક સુધી શબદ કીર્તન થશે. આ દરમિયાન તેના ગળામાં તકતી મુકવામાં આવશે. 2 દિવસ દરબારમાં સેવા આપ્યા બાદ તે આગામી 2 દિવસ સુધી કેસગઢ સાહિબ, દમદમા સાહિબ, મુક્તસર સાહિબ અને ફતેહગઢ સાહિબમાં સેવા આપીને પોતાની સજા પૂર્ણ કરશે.