અમિત શાહે મંત્રી પદ માટે ઇચ્છુક ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ દિલ્હી મંગાવ્યા
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ મંત્રી પદ આપતી વખતે શું માપદંડ હોવા જોઈએ તે અંગે શરતો જાહેર કરી છે. આ શરતોને પૂર્ણ કરનારને યોગ્યતાના આધારે મંત્રી પદ આપવામાં આવશે. તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેબિનેટમાં સામેલ થવા માંગતા ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ માંગ્યા છે.
શરતો મુજબ જો કેબિનેટમાં પૂર્વ મંત્રી છે, તો મહાયુતિ સરકાર દરમિયાન સંબંધિત મંત્રીએ મંત્રાલયમાં કેવી રીતે કામ કર્યું ? સંબંધિત વ્યક્તિએ મંત્રાલયમાં કામ કરવા માટે કેટલો સમય ફાળવ્યો હતો. મહાયુતિના ઘટક પક્ષના ધારાસભ્યો સાથે મંત્રીનું વર્તન કેવું હતું? મંત્રીએ કેન્દ્ર અને રાજ્યના ભંડોળની ફાળવણી કેવી રીતે કરી હતી? શું ક્યારેય એવી સ્થિતિ હતી કે સંબંધિત મંત્રીએ ગઠબંધનને જોખમમાં મૂક્યું હોય? શું તેણે કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું? અમિત શાહે આ મુદ્દાઓના રિપોર્ટ કાર્ડ સાથે મહાયુતિના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. મહાયુતિના નેતાઓ આજે દિલ્હી જાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત ચોથી ડિસેમ્બરે
કેન્દ્રીય નેતૃત્વએ એ પણ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટમાં ધારાસભ્યોને લઈને કોઈ ચર્ચાની જરૂર નથી. મંત્રીએ દરેક સાથે સાયુજ્ય સાધવાની જવાબદારી ઉઠાવવી જોઈએ અને તેની પાસે મંત્રી પદ સંભાળવાની ક્ષમતા હોવી જોઈએ. કેબિનેટમાં વધુમાં વધુ યુવા ધારાસભ્યોને તક આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ગઠબંધન મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્બરે આઝાદ મેદાનમાં યોજાશે. જેમાં ત્રણેય પક્ષોના મંત્રીઓ શપથ લેશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. શિવસેનાના ૧૦ થી ૧૨, એનસીપીના ૮ થી ૯ અને ભાજપના ૨૦ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચા છે.