રોડ રેજની ઘટના: સીઆઈએસએફના જવાનોએ ડૉક્ટર સહિત ત્રણની કરી મારપીટ
મુંબઈ: નવી મુંબઈમાં બનેલી રોડ રેજની ઘટનામાં સીઆઈએસએફના જવાનોએ ડૉક્ટર અને તેના ભાઈ સહિત ત્રણ જણની કથિત મારપીટ કરી હતી. ડૉક્ટરની ફરિયાદને આધારે પોલીસે સીઆઈએસએફના 10થી 15 જવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની રાતે 10.15 વાગ્યાની આસપાસ ખારઘર પરિસરમાં બની હતી. આ મામલે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના આરોપી જવાનોને નોટિસ મોકલવામાં આવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર જવાનો ખારઘરમાં રહે છે. ચાર બસમાં જવાનો મુંબઈ ઍરપોર્ટ પરથી ખારઘર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
આ પણ વાંચો : આનંદો! મુંબઇગરાને 300 નવી લોકલ ટ્રેનો મળશે
ચારેય બસ ખારઘરના સેક્ટર-36 ખાતે પહોંચી ત્યારે ઉત્સવ ચોકથી સેન્ટ્રલ પાર્ક દરમિયાન એક બસ ભયજનક રીતે ડૉક્ટરની કારથી પસાર થઈ હતી. રાજકીય પક્ષના સ્થાનિક પદાધિકારી એવા ડૉક્ટરે બસનો પીછો કરી તેને રોકાવી હતી.
બેફામ બસ દોડાવવા બદલ ડૉક્ટરે ડ્રાઈવરને પૂછતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. એ જ સમયે પાંચથી છ જવાન બસમાંથી નીચે ઊતર્યા હતા અને ડૉક્ટર સાથે કથિત મારપીટ કરી હતી. બાદમાં સીઆઈએસએફના અન્ય જવાનોએ ડૉક્ટરના ભાઈ અને મિત્રને પણ ફટકાર્યા હતા.
આ પ્રકરણે ડૉક્ટરે ખારઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે હુમલામાં સંડોવાયેલા અમુક સીઆઈએસએફ જવાનો દારૂના નશામાં હતા, પણ ઘટના બાદ તે ત્યાંથી રવાના થઈ ગયા હતા. (પીટીઆઈ)