હવે ચાલશે સંસદ; બંધારણ પર થશે ચર્ચા- તમામ પક્ષો વચ્ચે સહમતી
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી જ મણિપુર, અદાણી સહિતના મુદ્દાઓની ચર્ચાના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી સતત મોકૂફ રહી છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સતત હોબાળા વચ્ચે હવે તમામ પક્ષો આવતા અઠવાડિયે બંધારણ પર ચર્ચા કરવા સંમત થયા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ આ અંગે સહમતિ દર્શાવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું કે 13 અને 14 ડિસેમ્બરે લોકસભામાં જ્યારે 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થશે.
વિપક્ષની સહમતી
કોંગ્રેસે કહ્યું હતું કે વિપક્ષી દળો સંસદના બંને ગૃહોની કાર્યવાહી ચાલુ રાખવા માટે તૈયાર છે, પરંતુ આ માટે બંધારણ પર ચર્ચા થાય તે જરૂરી છે, કારણ કે સરકારે પોતે વચન આપ્યું હતું. વિપક્ષી ગઠબંધન indiaના ઘટક પક્ષોની બેઠક બાદ કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે સરકારે બંધારણ પર ચર્ચા કરવાનું વચન આપ્યું હતું અને હવે તે કરવું જોઈએ.
Also read: સંસદ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક; અદાણી મામલે વિપક્ષ સરકારને ઘેરશે
સપા સંભલનો મુદ્દો-ટીએમસી બાંગ્લાદેશનો મુદ્દો
સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચેની ઊભી થયેલી મડાગાંઠ વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી હતી. તે બેઠકમાં લોકસભા અધ્યક્ષે તમામ પક્ષોના નેતાઓ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ પક્ષોના મુખ્ય નેતાઓએ સંમતી આપી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે 13 અને 14 ડિસેમ્બરે લોકસભામાં બંધારણ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આજની બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે મંગળવારે સમાજવાદી પાર્ટીના સાંસદો સંભલનો મુદ્દો ઉઠાવશે અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદો બાંગ્લાદેશ મુદ્દે તેમના વિચારો રજૂ કરશે.
Also read: સંસદમાં પરંપરાગત ડાન્સ કરતી અને સ્વદેશી સંધિ બિલની નકલ ફાડતી જોવા મળી સાંસદ
સંસદની સુચારું કામગીરી સુનિશ્ચિત
રિજિજુએ કહ્યું, “સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી. અમે વિપક્ષી નેતાઓને આ સમજૂતીનો અમલ કરવા અપીલ કરીએ છીએ કે અમે આવતીકાલથી સંસદની કામગીરી સુચારૂ રીતે ચાલે તે સુનિશ્ચિત કરીશું.”