2100 રૂપિયાની સહાય માટે ભાઈબીજ સુધી રાહ જોવી પડશે
મુંબઈ: ચૂંટણી પહેલા મહાયુતિએ રાજ્યની મહિલાઓને વચન આપ્યું હતું કે જો તેને રાજ્યમાં ફરીથી સત્તામાં આવશે તો તેઓ લાડકી બહિણ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપશે. રાજ્યમાં હવે મહાયુતિ સત્તામાં આવી ગઈ હોવાથી આ યોજનાની પાત્રતા ધરાવતી મહિલાઓ તેમના બેંક ખાતામાં 2,100 રૂપિયા ક્યારે આવશે એની રાહ જોઈ રહી છે.
આ દરમિયાન લાગે છે કે મહિલાઓને 2100 રૂપિયા મળવામાં સાતથી 10 મહિનાનો સમય લાગી શકે છે. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે લાડકી બહિણ યોજનાનો આગામી હપ્તો નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે. જો કે નવેમ્બરના અંત પછી પણ મહિલાઓને આ યોજનાનો હપ્તો નથી મળ્યો. મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને મહાયુતિનાં ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ સુધીર મુનગંટીવારે આ યોજના સંદર્ભે આપેલા નિવેદન અનુસાર યોજના હેઠળ મહિલાઓને 2,100 રૂપિયા મેળવવામાં વિલંબ થઈ શકે છે. મુનગંટીવારે તાજેતરમાં એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં લાડકી બહિણ યોજના, આ યોજના અંગે મહાયુતિની ભૂમિકા, ચૂંટણી પહેલા આપેલા વચનો અને તેના પર વધેલા ખર્ચ વિશે વાત કરી હતી.
સુધીર મુનગંટીવારે શું કહ્યું?
આ પણ વાંચો : શિંદે ફરી પડ્યા બીમાર, દિલ્હી પહોંચ્યા અજિત પવાર, મહાયુતિમાં શું ગરબડ ચાલી રહી છે?
મહાયુતિએ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન અનુસાર મહાયુતિ લાડકી બહિણ યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી રકમમાં વધારો કરશે કે કેમ એ અંગે ઇન્ટરવ્યૂ દરમિયાન મુનગંટીવારને સવાલ કરવામાં આવ્યો હતો. કારણ કે એનસીપી (અજિત પવાર)એ કહ્યું છે કે આ માત્ર એકનાથ શિંદેનું વચન હતું. જવાબમાં સુધીર મુનગંટીવારે કહ્યું કે ‘અમે આ વચન 100 ટકા પૂરું કરીશું. જો આપણે મહિલાઓને આપવામાં આવતી રકમ 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા નહીં કરીએ તો દેશભરમાં અમારી ઈમેજ ખરડાઈ જશે. ચૂંટણી જીત્યા પછી વચનો પૂરા નહીં કરનાર તરીકે અમે બદનામ થઈ જઈશું. હું મુખ્યપ્રધાનને પત્ર લખી વચન પાલન કરવા કહેવાનો છું. મહાયુતિના ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ તરીકે હું અમારા ઘોષણાપત્ર અને સંકલ્પ પત્રમાં આપેલા વચનો ધૂળમાં નહીં મળવા દઉં. અમારી સરકાર પાસે દરેક પાત્ર મહિલાને 2,100 રૂપિયા આપવાની ક્ષમતા છે. મને નથી લાગતું કે અમારો કોઈ સાથી તેનો વિરોધ કરશે. ક્યારથી વધારો ચૂકવવામાં આવશે? જાન્યુઆરી કે જુલાઈ, કયા મહિનાથી વધારાની રકમ આપવામાં આવશે એની ચર્ચા કરવામાં આવશે. અમે ગયા વર્ષે ભાઈબીજના દિવસે આ યોજના લાગુ કરી હતી. એટલે આવતા વર્ષે ભાઈબીજથી રકમમાં વધારો થઈ શકે છે.’