Guinea માં ફૂટબોલ મેચ બની 100 લોકો માટે મોતનું કારણ, આ કારણે સર્જાઇ અફડા-તફડી
એનજેરેકોર : સમગ્ર વિશ્વમાં રમત ફેન્સ માટે ઉત્સાહ અને આનંદનો વિષય હોય છે. જો કે આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ(Guinea Football Match)અનેક લોકોના મૃત્યુની કારણ બની છે. જેમાં મળતી માહિતી મુજબ આફ્રિકાના ગિનીના બીજા સૌથી મોટા શહેર એનજેરેકોર માં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 100 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાનું કારણ મેચ રેફરીનો નિર્ણય હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેની સાથે ફેન્સ સહમત ન હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રોડ પર હિંસા ફાટી નીકળ્યા પછી ટોળાએ એનજેરેકોર પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી.
રેફરીના વિવાદાસ્પદ નિર્ણયથી વિવાદ વકર્યો હતો
મીડિયા અહેવાલના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે દેશની હોસ્પિટલોમાં ઈમરજન્સી જેવું વાતાવરણ છે. એક ડૉક્ટરે કહ્યું, “આખા હોસ્પિટલમાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી મૃતદેહો પથરાયેલા છે. જ્યારે શબઘર ભરાઈ ગયું છે. આ અદુર્ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યા છે. જેમાં મેચની બહાર રોડ પર નાસભાગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઘણા મૃતદેહો જમીન પર પડેલા જોવા મળ્યા હતા. જ્યારે એક પ્રત્યક્ષદર્શીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ બધુ રેફરીના વિવાદાસ્પદ નિર્ણયથી વિવાદ વકર્યો હતો.
Also read: Pakistan માં ટોય બોમ્બ બ્લાસ્ટ, મદરેસાથી પરત ફરતા ત્રણ બાળકોના મોત
ગિનીના રાષ્ટ્રપતિ મામાડી ડૌમ્બોયાના માનમાં આયોજિત ટુર્નામેન્ટ
સ્થાનિક મીડિયા અનુસાર, આ મેચ 2021 માં બળવા કરીને સત્તા સંભાળનાર ગિનીના રાષ્ટ્રપતિ મામાડી ડૌમ્બોયાના માનમાં આયોજિત ટુર્નામેન્ટનો ભાગ હતો. ડૌમ્બોયાએ આવતા વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું માનવામાં આવે છે અને આવી ટુર્નામેન્ટ્સ દેશમાં તેમના આઉટરીચ પ્રોગ્રામનો એક ભાગ છે.
લશ્કરી બળવાથી સત્તા કબજે
સપ્ટેમ્બર 2021 માં રાષ્ટ્રપતિ આલ્ફા કોન્ડેને હટાવીને મામાડી ડૌમ્બોયાએ બળ વડે સત્તા કબજે કરી. આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ તેમણે 2024ના અંત સુધીમાં સત્તા સોંપવાનું વચન આપ્યું હતું પરંતુ હવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આમ નહીં કરે. અધિકારીઓએ સંકેત આપ્યા છે કે બંધારણીય વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે 2025માં ચૂંટણી યોજાશે. ડૌમ્બોયાએ માલી, બુર્કિના ફાસો અને નાઇજર જેવા આફ્રિકન દેશોની જેમ લશ્કરી બળવાથી સત્તા કબજે કરી છે.