“આ ગામ છે ગાંધીજીનું મોસાળ” ભૂંસાઈ રહેલી સ્મૃતિને સાચવવા ગામલોકોની માંગ
જુનાગઢ: મહાત્મા ગાંધીની જન્મભૂમિ સૌરાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે જોડાયેલા અનેક સ્થળો છે. તેમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર વગેરે વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ એક એવું પણ સ્થળ છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું એક એવું ગામ છે જેની સ્મૃતિ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી છે. સોરઠમાં આવેલું 6000ની વસ્તી ધરાવતું દાત્રાણા ગામ મહાત્મા ગાંધીના માતા પુતળીબાઈના પિતાનું ગામ છે, એટલે કે આ ગામ ગાંધીજીનું મોસાળ છે. અહી ગાંધીજીની બાળપણની સ્મૃતિઓ સંકળાયેલી છે.
ગામ લોકોને છે ગૌરવ
દાત્રાણા ગામના લોકો આજે પણ મહાત્મા ગાંધી ત્યાંનાં ભાણેજ હોવાનું ગૌરવ લે છે. ગામમાં જન્મેલા અને લગભગ એક સદીની ઉંમરને ઉંબરે આવીને ઉભેલા રણમલ આહીર નામના એક વડીલ એ ઘટનાના સાક્ષી છે કે જ્યારે યુવાન મોહનદાસ તેમની માતા સાથે તેમના મોસાળ દાત્રાણા આવ્યા હતા. તેમણે કહ્યું કે દાત્રાણા ગામ મહાત્મા ગાંધીનું મોસાળ છે તેનાથી ગામના લોકો જાણે છે પરંતુ બહારના લોકો ખૂબ જ ઓછું જાણે છે. અહી તેમની યાદગીરીનું એક મકાન છે, અહી ગરબી ચોકમાં આવેલું એક મકાન છે કે જ્યાં પૂતળીબાઈનો પરિવાર રહેતો હતો. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અહી મુલાકાતે આવતા હતા અને ત્યારે આ ગામની શેરીઓમાં રમતા હતા.
Also read: પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન બનશે વધુ પૌષ્ટિક; સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
દાયકાઓ પહેલા પરિવાર ગયો હતો બહાર
ગામના લોકોના જણાવ્યા અનુસાર પૂતળીબાઈનો પરિવાર લગભગ 60 વર્ષ પહેલા અહીથી બહાર જતો રહ્યો છે. તેમના આ ઘરમાં રહેતા પરિવારના છેલ્લા સભ્યો પણ જુનાગઢ રહેવા જતો રહ્યો હતો. તેને પણ આજે 60 વર્ષ જેટલો સમય વિતી ગયો છે. પહેલાના સમયમાં ગામમાં 5 થી 6 વાણિયાના પરિવારો રહેતા હતા અને પુતલીબાઈનું કુટુંબ તેમાંથી એક હતું. જો કે, કેટલાક દાયકાઓ પહેલા બધા પરિવારો બહાર જતા રહ્યા હતા.
Also read: ગુજરાતમાં દિવ્યાંગો માટે મોટી જાહેરાત, સંતસુરદાસ યોજનામાંથી આ જોગવાઈ કરવામાં આવી દુર
સ્મૃતિની સાચવણી માટે સરકાર નીરસ
દાત્રાણાના ભૂતપૂર્વ સરપંચ અને સ્થાનિક આગેવાન બાબુભાઈએ જણાવ્યું હતું કે બાપુના મોસાળને બચાવવા માટે સરકાર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. જોકે આ સ્થળ મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથેની મહત્વની કડી સમાન છે. વળી તેમણે જણાવ્યું હતું કે ગામની નવી પેઢી પણ ધીમે ધીમે બાપુ સાથેની સ્મૃતિ ભૂલાઇ રહી છે. જો આમ જ ચાલશે તો આ ઈતિહાસ ભૂંસાઈ જશે. અહી ગામમાં ઘર ઉપરાંત કમળીબાઈના પરિવારના સભ્ય રામબાઈ ફોઇની સમાધિ પણ આવેલી છે.”