‘જામીન મળ્યાના બીજા જ દિવસે પ્રધાન બની ગયા’ સુપ્રીમ કોર્ટે આ નેતાની ઝાટકણી કાઢી…
નવી દિલ્હી: તમિલનાડુ ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના આરોપી સેન્થિલ બાલાજી (Senthil Balaji)ને જામીન મળ્યા બાદ તરત જ તેમને રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે રાજ્ય સરકારની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતાં, જે અંગે આજે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યા કે આ બધું આટલી ઝડપથી કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યું?
આ પણ વાંચો : ખેડૂતોની દિલ્હી તરફ કૂચ: નોઇડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામ, ખેડૂતો-પોલીસ આમનેસામને
જસ્ટિસ એ એસ ઓકા અને એ જી મસીહની ડિવિઝન બેન્ચે સેન્થિલ બાલાજીને પ્રધાન બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તે બાલાજી સામેના કેસમાં જુબાની આપનાર સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે.
“આ બધું શું થઈ રહ્યું છે?”
અહેવાલ મુજબ સેંથિલ બાલાજીને પ્રધાન બનાવવા પર ડિવિઝન બેન્ચે ટિપ્પણી કરી કે, “આ કોર્ટ તમને જે દિવસે જામીન આપે છે, તેના બીજા દિવસે તમે પ્રધાન બનો છો! આનાથી કોઈ પણ એવું ધારી શકે છે કે તમે સાક્ષીઓ પર દબાણ બનાવશો. આ બધું શું થઈ રહ્યું છે?”
જોકે, ડિવિઝન બેન્ચે સેંથિલ બાલાજીનાં જામીન રદ કરવાની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો; પરંતુ કોર્ટ તપાસ કરવા માટે સંમત થઇ કે શું સાક્ષી વર્તમાન સંજોગોમાં રાજ્યના કેબિનેટ પ્રધાન સામે જુબાની આપશે કે તેમની ‘માનસિક સ્થિતિ’ બદલાઈ ગઈ હશે. કોર્ટે તમિલનાડુ સરકારને આ મામલે જવાબ દાખલ કરવા કહ્યું છે.
શું છે સમગ્ર મામલો:
એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની તમિલનાડુ સરકારમાં પ્રધાન રહેલા સેંથિલ બાલાજીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે 14 જૂન, 2023ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે તમિલનાડુ પરિવહન વિભાગમાં બસ કંડક્ટર તેમજ ડ્રાઇવર અને જુનિયર એન્જિનિયરોની નિમણૂકમાં કથિત અનિયમિતતા અને મની લોન્ડરિંગનો આરોપ છે. એવો આરોપ છે કે તેમણે 2011 થી 2015 સુધી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) સરકારના કાર્યકાળ દરમિયાન આ કોભાંડ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે રહાત આપી:
ટ્રાયલ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવ્યા બાદ આખરે 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. માત્ર બે દિવસ પછી, 29 સપ્ટેમ્બરના રોજ, તેમને ફરીથી સ્ટાલિન સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે સેંથિલ બાલાજીને આ આધાર પર જામીન આપ્યા હતા કે તે જૂન 2023 થી કેદમાં છે અને ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના નથી. સુપ્રીમ કોર્ટે તેમને વિવિધ શરતોને આધીન જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપી હતી, જેમાં તેમણે સાક્ષીઓ સાથે સંપર્ક કે વાતચીત ન કરવાના નિર્દેશનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : શહેર કરતા ગામડાઓમાં લોન લેવાનું ચલણ વધ્યું, દર 1 લાખ લોકો પર 18 હજારથી વધુ લોન લેનારા
સુપ્રીમ કોર્ટ આજે સોમવારે અરજી બાલાજીના જામીન પરત ખેંચવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સેંથિલ બાલાજીના પ્રધાન બનવાથી કેસના સાક્ષીઓ દબાણમાં આવી શકે છે.