ઇન્ટરનેશનલવેપાર

ડૉલરમાં મજબૂતાઈ અને નફારૂપી વેચવાલીએ વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં આજે સપ્તાહના આરંભે લંડન ખાતે સોનાના ભાવ 0.9 ટકા અને ચાંદીના ભાવ 1.4 ટકા જેટલાં ઘટી આવ્યાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધતાં સ્થાનિકમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 870થી 873નો મર્યાદિત ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1332 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1332 ઘટીને રૂ. 88,051ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક બજાર પાછળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 870 ઘટીને રૂ. 75,563 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 873 ઘટીને રૂ. 75,867ના મથાળે રહ્યા હતા.


Also read: સોના-ચાંદીના વેપારીને ફળી ધનતેરસ, 25 ટન સોનું, 250 ટન ચાંદીનું થયું વેચાણ…


આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.6 ટકાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાના નિર્દેશ ઉપરાંત નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 2629.84 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.1 ટકા ઘટીને 2652.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 30.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં વૈશ્વિક રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં મોટો ઘટાડો અટક્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. આ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા, એડીપીનો એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ તથા નોન ફાર્મ પૅરૉલનાં આર્થિક આંકડાઓ ફેડરલ રિઝર્વની નીતિને સ્પર્શે તેમ હોવાથી આ ડેટાઓ ભવિષ્યની નાણાનીતિના સંકેતો આપશે તેમ જ સપ્તાહ દરમિયાન ફેડરલના અધિકારીઓના વક્ત્વ્યોની પણ સોનાના ભાવની વધઘટ પર અસર થશે, એમ તેમણે ઉમેર્યું હતું.


Also read: સોના-ચાંદીની Jewelryમાં વેસ્ટેજને લઈને કેન્દ્ર સરકારનો નવો નિયમ, જાણો વિગતો


જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 17-18 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાદદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 67.1 ટકા શક્યતા ટ્રેડરો જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત નવેમ્બર મહિનામાં સોનાના વૈશ્વિક ભાવમાં સપ્ટેમ્બર 2023 પછીનો સૌથી મોટો વાર્ષિક ધોરણે ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમ જ સપ્તાહના અંતે બ્રિક્સ દેશોને ડૉલર સામે નવું ચલણ ન ઊભું કરવા જણાવવાની સાથે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે જો ડૉલર સામે નવું ચલણ ઊભુ કરવામાં આવશે તો 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button