Suicide due to torture of sextortion: સેક્સટોર્શનથી કંટાળીને આત્મહત્યા: રેલવેના કર્મચારીએ ટ્રેનની નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવ્યુ
મુંબઇ: ઓન લાઇન ફ્રોડને કારણે લૂંટ, એકાઉન્ટમાંથી પૈસા ઊડી જવા જેવા અનેક ફ્રોડના કિસ્સાઓ આપણે રોજ સાંભળી રહ્યાં છે. ત્યારે આજકાલ ઠગ લોકોએ સામાન્ય લોકોને ઠગવાના અવનવા ઉપાયો પણ શોધી કાઢ્યા છે. એમાનો એક પ્રકાર છે સેક્સટોર્શન. છેલ્લાં ઘણાં સમયથી સેક્સટોર્શનના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યાં છે.
ત્યારે આવા જ એક કિસ્સામાં વ્યક્તી એટલી હેરાન થઇ કે આખરે તેણે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. માટુંગા રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી. તપાસમાં ખબર પડી કે આ વ્યક્તીએ સેક્સટોર્શનથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સેક્સટોર્શનથી કંટાળીને સોમવારે બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ જગદીશ ડાબી (ઉંમર 36) નામના રેલવેના કર્મચારીએ માટુંગા સ્ટેશન પર ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી હતી. ડાબીએ લખેલી ચિઠ્ઠી પરથી દાદર રેલવે પોલીસે આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આક્ષેપ સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.
જગદીશ ડાબી તેમની પત્ની અને બે બાળકો સાથે ડોબિંવલી પૂર્વમાં નાંદીવલીમાં રહેતો હતો. તે માટુંગા વર્કશોપમાં કામ કરતો હતો. તેમણે ફેસબૂક પર એક અજાણી મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વિકારી હતી. મહિલા ઓનલાઇન સેક્સના નામ પર તેમને અશ્લિલ વિડીયો બનાવીને બ્લેકમેલ કરી રહી હતી.
ગભરાઇને જગદીશે તેના બેન્ક એકાઉન્ટમાં સમાયાંતરે બે લાખ રુપિયા જમા કરાવ્યા હતાં. જોકે ત્યાર બાદ પણ તેની પાસે પૈસાની સતત માંગણી થતી હોવાથી આખરે કંટાળીને જગદીશે અંતીમ પગલું ભર્યું હતું.