ચિંતન: તારા વિના કોને કહું ? એને જ કહેવાય જે આપણા દુ:ખે દુ:ખી થાય
એને જ કહેવાય જે આપણું સાંભળે, સાંભળ્યા પછી તેને સમજવાનો પ્રયત્ન કરે અને પછી આપણી અપેક્ષા મુજબ અથવા આપણી માટે જે ઇચ્છનીય હોય તે મુજબ આપણને સહાયભૂત થાય. એને જ કહેવાય જે આપણને સાચવી લેવા માટે સદાય તત્પર હોય – એકવાર ક્ષમતા ન હોય તો પણ તે માટે અનેકવિધ પ્રયત્નો કરે.
એને જ કહેવાય જે આપણા માટે ક્યાંક પોતાના સિદ્ધાંતો સાથે પણ છૂટછાટ લે. જે વ્યક્તિ માત્ર નિયમોને જ અનુસરે એની આગળ અંતરની વાત ન કહેવાય-તેની સામે તો માત્ર વ્યવહારની રજૂઆત થાય.
એને જ કહેવાય જે આપણા દુ:ખે દુ:ખી થાય અને આપણા સુખે હર્ષિત થાય-જે સમજુ હોવા સાથે કરુણાસભર હોય, બીજાની પીડા સમજવાની માનસિકતામાં હોય, કોઈપણ સ્વરૂપે મદદ કરવા તત્પર હોય અને આ બધી બાબતોમાં પોતાના નીજી સ્વાર્થથી પર હોય. વળી તેનામાં પોતાની અંગત બાબતોને બાજુમાં મૂકી ઘસારો સ્વીકારવાની તૈયારી હોય. સંસારમાં તો આવી વ્યક્તિ મળવી અઘરી છે.
જિંદગીમાં અનુભવાયેલી બાબતોને અભિવ્યક્ત કરવાની એક ઘેલછા હોય છે. દરેક વ્યક્તિને કશું કહેવું હોય છે. દરેક વ્યક્તિને પોતાની વાત પ્રસ્તુત કરવી ગમે છે. પોતે શું વિચારે છે, પોતાના અનુભવો કયા છે, કઈ કક્ષાનું જ્ઞાન પોતે ધરાવે છે, પોતાના મંતવ્ય કયા છે અને તે મંતવ્ય કઈ કઈ રીતના સાચા છે, દુનિયાની વિવિધ બાબતો માટે કેવા પ્રકારની વિચારસરણી તે ધરાવે છે,
વિશ્ર્વમાં આકાર લેતી ઘટનાઓ બાબતે તેનો અભિપ્રાય કયો છે, તેને શું ગમે છે અને શું નથી ગમતું, તે શેને યોગ્ય માને છે અને શેને યોગ્ય નથી માનતો, તેની દૃષ્ટિએ ધર્મ અને આધ્યાત્મ શું છે, તેની જિંદગીમાં કઈ કઈ તકલીફો છે- આ અને આવી બાબતો કહેવાની બધાને ઈચ્છા થતી રહે છે.
કહી દેવાથી એક પ્રકારની શાંતિ અનુભવાય. પણ વાસ્તવમાં તેનાથી કોઇ ફાયદો થતો હોતો નથી. નવી ઘટનાઓ ઊભી થાય અને નવી વાતો સર્જાય. ફરીથી કહેવાની જરૂરિયાત જણાય – અને ચક્ર ચાલુ રહે. વાસ્તવમાં જ્યારે પણ માનવી કશું પણ કહે ત્યારે કાં તો તેમાં તેનો અહંકાર છુપાયેલો હોય કાં તો તેની વ્યથા કાં તો તેની કામના. જ્યારે રજૂઆત ઈશ્ર્વરને કરવામાં આવે ત્યારે જ તેમાં સમર્પણની ભાવના સમાય, અને તેથી કહેવું તો ઈશ્ર્વરને જ.
અહીં તો દરેક વ્યક્તિ જાણે પોતાની ખીચડી પકાવે છે. દાન-ધર્મ પણ એટલા માટે થતા હોય છે કે તેનાથી આત્મસંતોષ સ્થાપિત થાય છે. જો કોઈ સંજોગોમાં દયાળુ વ્યક્તિને મદદરૂપ ન થઈ શકે તો તેનો વસવસો તેને આખી જિંદગી રહેતો હોય છે.
આવી અવસ્થા ન સર્જાય તે માટે પરિસ્થિતિ પ્રમાણે દયા તો દાખવવી જ પડે. આમ આ ક્રિયા પણ સ્વ-કેન્દ્રિત થઈ જાય છે. એક વસ્તુ સમજી લેવા જેવી છે કે અહીં દરેક વ્યક્તિ પોતાનાં સમીકરણો પૂરા કરવા જન્મ લે છે. આવા કોઈ સમીકરણનો અન્ય વ્યક્તિ ભાગ હોઈ શકે, પણ જે તે પુરુષાર્થની પાછળ તો પોતાનાં જ સમીકરણો ઉકેલતા હોય છે. અહીં કોઈને સાંભળવામાં રસ નથી, માત્ર બધાને સંભળાવવામાં રસ છે.
સંસારમાં એક હાથે આપવામાં આવે છે તો બીજા હાથે કંઈક લેવાઈ જાય છે. ઘણીવાર તો બીજા હાથે લેવાની ઈચ્છા પણ હોય છે પણ ક્યારેક વ્યવહારુ પરિસ્થિતિને કારણે ઈચ્છા ન હોય તો પણ બીજા હાથમાં કશુંક આવી જાય છે. આમ પણ સંસારનો વ્યવહાર ત્રાજવા જેવો છે, એક પલડામાં જેટલું મુકાય બીજા પલડામાં તેટલું આવી જાય. સૃષ્ટિનો આ ન્યાય પણ છે. લેવડદેવડના આ વ્યવહારમાં ક્યારેક આપણી પીડાને સાંભળનાર કોઈ નથી હોતું.
વળી, કહેવાય છે કે આપણા સમયને કારણે વ્યક્તિ આપણી પાસે મદદ માટે આવે છે. સમય એમાં મૂળભૂત હોય છે. તેઓની માગણી પણ વ્યક્તિ સામે નહીં વ્યક્તિના સમય સામે હોય છે. આ સમયનું નિર્ધારણ ઈશ્વર કરે છે. તેથી અંતે તો માંગણી ઈશ્ર્વર આગળ જ થાય છે. ઈશ્ર્વર આપનાર પણ છે અને ઈશ્ર્વર લઈ લેનાર પણ છે.
પોતાની વ્યથા, પોતાની પીડા, પોતાની કથા કોની પાસે જઈને કહેવી. આ માટે તો બે જ વિકલ્પ છે – ગુરુદેવ અને ઈશ્ર્વર. બન્ને કૃપા કરવા માટે સમકક્ષ છે. એક આધાર છે તો એક પ્રતિનિધિ છે. એમની પાસે કોઈ સ્વાર્થ નથી હોતો. આપણને મદદરૂપ થવા પાછળ તેમની પાસે કોઈ સ્વ-હેતુ નથી હોતો. તેઓ તો પૂર્ણતાની મૂર્તિ છે. તેમને નથી કંઈ કરવાનું બાકી કે નથી કંઈ મેળવવાનું બાકી. તેઓ જે કંઈ કરે છે તે સમાજમાં ભક્તિ તથા ધર્મને સ્થાપિત કરવા માટે કરે છે. જો કંઈ કહેવું હોય તો ગુરુ કે ઈશ્ર્વરને જ કહેવાય.
એમ નથી કે આપણી વાતની એમને ખબર નથી. પણ કહેવાની પાછળ જે શ્રદ્ધા, વિશ્ર્વાસ અને સમર્પણનો ભાવ ઉદભવે તે મહત્ત્વનો છે. રજૂઆત કરવાના સમયની આપણી મનોસ્થિતિ સ્પષ્ટ થાય અને તેનાથી કેવા પ્રકારની કૃપા જરૂરી છે તે નિર્ધારિત થાય. સંસારમાં તપ તો ઘણા લોકોએ કર્યું, અને આ બધા જ તપ સિદ્ધ થયા પછી શું માંગશે એની ઈશ્વરને ખબર જ હતી, તો પણ માગવું જરૂરી છે.
કારણ કે તે વખતની મનોસ્થિતિ ઘણી બધી બાબતોનું નિર્ધારણ કરે છે. આપણી રજૂઆતની શૈલીથી જ તેઓ નક્કી કરી શકે કે સમગ્ર સંસારના પરિપ્રેક્ષ્યમાં કયા પ્રકારની કૃપા યોગ્ય હશે. અને આમ પણ ગુરુ કે ઈશ્ર્વર આગળ રજૂઆત કરવામાં સંકોચ કેવો..
કહેવાની ઘટના જ બાહ્યગામી છે. આમ તો દરેક ઇન્દ્રિય બાહ્યગામી છે. આંખ બહારની વસ્તુ જુએ છે, કાન બહારના અવાજ સાંભળે છે, તેવી જ રીતે ચામડી, નાક તથા જીવ બહારના રસને માણે છે. એમ કહેવાય છે કે બહારની પરિસ્થિતિ સાથેનો સંપર્ક બંધન કર્તા બની રહે. આ સંપર્કથી જે રસની પ્રતીતિ થાય તેના પ્રત્યે જે તે ઇન્દ્રિયોના પરિપ્રેક્ષ્યમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય. ઇન્દ્રિયોના સંપર્કમાં આવતી બાબતો થકી જ ઈચ્છા-કામના જાગ્રત થાય.
એમ કહેવાય છે કે મુમુક્ષુઓએ અંતર્ગામી થવું જોઈએ. તેમણે નજરને અંદર વાળવાની છે, દ્રષ્ટિ અંદર તરફ કરવાની છે, અંતરમાં રહેલ ચૈતન્યને જાણવાનો છે – અનુભવવાનો છે. આ બધું ત્યારે જ થઈ શકે જ્યારે બહારની બાબતોમાં રસ ન હોય. બહારની બાબતો માટે વૈરાગ્ય જરૂરી છે અને અંદર તરફ દ્રષ્ટિ વાળવા માટે અભ્યાસ જરૂરી છે.
અન્યને પોતાની વ્યથા કથા કહેવા માટેની જે તાલાવેલી છે તે બાહ્યગામી પ્રવૃત્તિ કહેવાય. આમ તો તેનાથી મુક્ત રહેવું જરૂરી છે, પરંતુ જો કહેવું જ હોય તો ઈશ્ર્વર સિવાય કોને કહી શકાય. તે જ સમજી શકે છે, તે જ જાણી શકે છે, ઉત્તર આપ્યા વગર તે જ સાંભળ્યાની પ્રતીતિ કરાવી શકે છે.
જે સમજવા સક્ષમ છે, જે આપવા તૈયાર છે, જે વિશાળ દ્રષ્ટિ ધરાવે છે, જે સંપૂર્ણતામાં વિવેકને ધારણ કરે છે, જે માગનાર- ન માગનાર બધાનું જ શુભ ઈચ્છે છે, જે પ્રત્યેક સમયે આપણો સાથ નિભાવે છે – તેમને જ કહેવું યોગ્ય અને સાર્થક ગણાય.