ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
-ડૉ. બળવંત જાની
બ્રહ્માનંદકૃત બારમાસીઓ મધ્યકાલીન ગુજરાતી બારમાસી કવિતામાં ખૂબ જ મહત્ત્વની રચનાઓ છે. પ્રકૃતિ, પરમતત્ત્વ અને અધ્યાત્માનુભૂતિ એમ ત્રિવિધ વિગતો એમાં સ્થાન પામે છે. એક ‘બાર મહિના અષાઢથી આરંભાય છે કારણ કે હાલારમાં હાલારી સંવતના નૂતન વર્ષનો આરંભ અષાઢથી થતો હોઈને એનો આરંભ અષાઢથી કરાયો છે.
પણ બીજી ‘બારમાસીનો આરંભ જેઠથી કર્યો છે. કારણ કે સહજાનંદ સ્વામી પરમધામમાં-અક્ષરધામમાં જેઠ મહિને સીધાવ્યા હતા. આ ભાવને બારમાસીના પ્રથમ પદમાં ભારે હૃદયદ્રાવક રીતે નિરૂપેલ છે.
‘જેઠે જીવન ચાલિયા, નિર્મોહી મારા નાથ
દર્શન વિના દુ:ખિયો ઘણો, સર્વે વ્રજનો સાથ
ફળિયામાં ઘોડીને ફેરતા, છોગા ધરતા શીશ
તે દિન કે દિ દેખાડશો, ડોલરિયા જગદીશ’
અહીં પ્રત્યેક મહિને સહજાનંદ સાથેના અતીતના સ્મરણોને આલેખ્યા છે. કરુણનું હૃદયસ્પર્શી નિરૂપણ હૃદયને હચમચાવી અને હલબલાવી નાખે છે. આખી બારમાસીમાં જાણે કે બ્રહ્માનંદનું હૃદય ઠલવાયું છે. અશ્રુનો ઘોધ વહે છે.
સહજાનંદને પૂછે છે કે તમારા વગર કેવી રીતે રહેવાશે ? ‘બ્રહ્માનંદના નાથજી આવોને… એમ કહીને હૈયાના વલવલાટને-ધલવલાટને અહીં અભિવ્યક્તિ અર્પી છે.
બારમાસી જેવી જ બીજી હૃદયસ્પર્શી દીર્ઘસ્વરૂપની રચનાઓ છે ‘ઘનશ્યામાષ્ટક’ અને ‘હરિકૃષ્ણાષ્ટક’ બ્રહ્માનંદની નાદવૈભવની કળાશક્તિનો, કલ્પના વૈભવનો અને શબ્દચયનના માધુર્યનો અહીં સુંદર પરિચય થાય છે. ચારણીછંદોની છટા, અવતારપુરુષ સહજાનંદના વ્યક્તિત્વની છટા એમ બન્ને છટાનું ભવ્ય-ભાવગંભીર અને ભાવગહન રૂપ અહીં સ્થાન પામ્યું છે. એનું નાદસૌંદર્ય અને એ નિમિત્તે પ્રયોજાયેલા અલંકારો પણ અભ્યાસપાત્ર બને એ કક્ષાના છે.
બ્રહ્માનંદનું ‘વ્રજભાષા કાવ્યશાળા’નું શિક્ષણ અહીં સરાહનીય રીતે સહજ રીતે જ સ્થાન પામ્યું છે અને એમાંથી પ્રગટે છે અદ્ભુત શબ્દછટાસભર કાવ્યબાનીનો ધોધ-પ્રવાહ જે ભાવક્ધો તાણી જાય છે અને સહજાનંદમય બનાવે છે. બ્રહ્માનંદના કાવ્યપ્રયોગોમાં મને ચારણી કાવ્યબાનીવાળી રચનાઓ અનુભૂતિની અસરકારક અભિવ્યક્તિ તરીકેના ઉદાહરણરૂપ જણાઈ છે.
બ્રહ્માનંદે માત્ર કૃષ્ણાવતાર રૂપ સહજાનંદ સ્વામી અન્ો સ્વામિનારાયણ સાધનાધારાને જ પદકવિતામાં સ્થાન આપ્યું છે એવું નથી. એમણે ‘નૃપ દશરથ ગહર રઘુવર’માં રામાવતારનું વર્ણન કર્યું છે. ‘એની ધન્ય ધન્ય’માં પણ શ્રીરામ અને હનુમાનના મહિમાને આલેખ્યા છે. ‘નારાયણ નામ લેને તથા ‘સિંધુ સુતાપતિમાં વિષ્ણુ અવતારનો મહિમા ગાયો છે. આમ અન્ય અવતારધારીઓના ગાન દ્વારા બ્રહ્માનંદે એમના અન્ય અવતાર પરત્વેના આદરભાવને-પૂજ્યભાવને પ્રગટાવ્યો છે.
બ્રહ્માનંદની આવી વ્યાપક ધર્મભાવના અને શ્રદ્ધા એમને માત્ર સંપ્રદાયના કવિ બનાવતા અટકાવે છે. તેમની પ્રીતિ પરમતત્ત્વ સાથે છે જે કોઈપણ સ્વરૂપે અવતાર ધારણ કરીને અવનિ પર ઉપસ્થિત થાય. બ્રહ્માનંદ એમના ગીતો ગાવામાં અને વધામણીમાં પાછા પડતા નથી. બ્રહ્માનંદકૃત સહજાનંદ સ્વરૂપ વર્ણનના પદો મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતાની એક મહત્ત્વની ધારા છે.
૬. તત્ત્વદર્શનમૂલક પદો :
બ્રહ્માનંદના કાવ્યવિશ્ર્વમાં ભક્તિની સાથે તત્ત્વદર્શન પણ સંકળાયું છે. એમના અનેક ગ્રંથો સંપ્રદાયના સિદ્ધાંતોને -તત્ત્વદર્શનને આલેખે છે. પદોમાં પણ ઉદ્ધવ તત્ત્વદર્શન અનેક સ્થાને પડઘાય છે. ‘એક વાત સુણોમાં કૃષ્ણ વ્રજવાસીઓને પોતાના મૂળ-અસલ સ્વરૂપની ઝાંખી કરાવે છે. આ માટે તે પ્રકૃતિ તત્ત્વોનું નિરૂપણ કરે છે. પોતે એક છે અને અનંતરૂપો ધારણ કરે છે.
સકલ બ્રહ્માંડ પરમતત્ત્વથી વ્યાપ્ત છે. માયા, સગુણ નિર્ગુણ વગેરેનું નિરૂપણ કરીને વિવિધતામાં એકતાનાં દર્શન કરાવે છે. બીજી રીતે કહીએ તો શિવ અને જીવ જુદા નથી. અહીં ઉપનિષદનું તત્ત્વજ્ઞાન સરળ ભાષામાં પદના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ પામ્યું છે. ગહન ગંભીર સિદ્ધાન્તસાગર ‘એક વાત સુણો દ્વારા કહેવાઈ છે. આ પ્રકારનું એક બીજું એક પદ ‘કહોને ઉદ્ધવજી’ છે.
અહીં ઉદ્ધવજીને ગોપાંગનાઓ કૃષ્ણના સમાચાર પૂછે છે. ‘કૃષ્ણ વ્રજની વાતો કરે છે? નંદ જશોદાને મળવાની તેને ઇચ્છા થાય છે ? મહિયારીઓને રસ્તામાં રોકીને માખણ છૂંટી લેતા, ગોપીના ઘરમાં પેસીને માખણ ખાઈ જતા, યમુના નદીમાં ન્હાવા જતા, ગોવાળો સાથે વનમાં જતા, ગળામાં હાર પહેરતાં આ બધાં આનંદના દિવસો કૃષ્ણને યાદ આવે છે ખરા?’ એવા પ્રશ્ર્નો પૂછ્યા છે.
અહીં ગોપીઓની કૃષ્ણ તરફની ભક્તિ પ્રગટ થઈ છે. ભૂતકાળનાં બનાવો યાદ કરીને કૃષ્ણની સ્તુતિ કરે છે. એમાં નવધા ભક્તિનું સ્વરૂપ બ્રહ્માનંદે ભારે કુનેહથી નિરૂપ્યું છે. તત્ત્વદર્શનનું ગહન સ્વરૂપ રચ્યું છે. વ્યાપક બ્રહ્મને નામના પદમાં. ઉદ્ધવ અને ગોપાંગનાઓ દ્વારા પ્રેમભક્તિ અને જ્ઞાનમાર્ગને સામસામે મૂકીને ભારે સરળતાથી જ્ઞાનને આલેખ્યું છે.
આ સકલ વિશ્ર્વ બ્રહ્મસ્વરૂપ છે. એવું ઉદ્ધવજી માને છે. ગોપીઓ કહે છે કે ‘અમે તો કૃષ્ણના પ્રેમભૂખ્યા છીએ. તમારે તો નિરાકાર ઇશ્ર્વર છે અને અમારે તો સાકાર નંદકુમાર જ ઈશ્વર છે. લટકાળા મનમોહન સિવાય અમારું મન બીજે ક્યાંય લાગતું નથી.
જેવી રીતે અમૃતના પીનારાને ખાટી છાશ ભાવતી નથી તેમ અમને કૃષ્ણ સિવાય ક્યાંય સુખ મળતું નથી, એમ ગોપી કહે છે. ‘સો દિવસ સુધી ભૂખ્યો રહીને પણ જેમ સિંહ ઘાસ ખાતો નથી એમ અમે કૃષ્ણ સિવાય બીજાને પ્રીતિ કરનારા નથી. અમે બીજા જન્મનો વિચાર પણ કરતા નથી. અમે ઉધાર વ્યાપારમાં માનતા નથી. અમે તો આ ભવમાં જ કૃષ્ણની પ્રીતિનો અનુભવ કરવા માગીએ છીએ. પ્રેમમાર્ગ – જ્ઞાનમાર્ગની સામે જીતે છે એ તત્ત્વદર્શન બ્રહ્માનંદને અભિપ્રેત હોય તેમ લાગે છે.
આમ, તત્ત્વદર્શનમૂલક ઉદ્ધવ નિરૂપણવાળી રચનાઓ પણ વિષયસામગ્રીની દૃષ્ટિએ અને ભાવની અભિવ્યક્તિની દૃષ્ટિએ ભારે મહત્ત્વની છે.
૭. બોધઉપદેશમૂલક પદો :
બોધ ઉપદેશના બ્રહ્માનંદકૃત પદો પણ બ્રહ્માનંદીય છાપને-છટાને કારણે મધ્યકાલીન ગુજરાતી પદકવિતામાં મહત્ત્વના સ્થાન-માનને પામે છે. બ્રહ્માનંદનું પ્રતિનિધિત્વ કરતા જે કેટલાંક પદો છે એમાંનું એક પદ ‘રે શિર સાટે નટવરને વરીએ’ છે.
બ્રહ્માનંદના ખૂબ જાણીતા એવા પદોમાં ‘રે શિર સાટે નવટવરને વરીએ પદનું સ્થાન છે.
નટવરને વરવું હોય તો બલિદાન આપવું પડે છે. બ્રહ્માનંદ માથું મૂકીને નટવરને વરવાનું કહે છે. બુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય નટવર સાથે પ્રીતિ કરી છે. કોઈ પણ રસ્તો વિચાર કરીને પસંદ કરવો જોઈએ. પછીથી ડરી જઈને પાછા પગલાં કરવા જોઈએ નહિ. શૂરવીર થઈને યુદ્ધ કરવા જાય અને પછી બીકથી પાછો ભાગી આવે, તો એનું જીવન નકામું છે. યુદ્ધે ચઢીએ તો ભલે શરીરના કટકેકટકા થઈ જાય પરંતુ પાછા ફરવાનું હોય નહીં.
અહીં કવિ કહે છે કે ભક્તિ તો મુશ્કેલીથી ભરેલી છે. એના માટે બલિદાન આપવું પડે છે. એક વખત ભક્તિમાર્ગ પસંદ કર્યો એટલે પાછાં ફરવાનું હોય નહીં. શીર સાટે નટવરનો સોદો કર્યો એમાંથી માથા સાટે અર્થાત્ મૃત્યુની બીક છોડીને પ્રભુમય-પરમતત્ત્વમય બનવાનો બોધ ભારે અસરકારક રીતે પ્રાપ્ત થાય છે.
(ક્રમશ:)